માટીના ઉપયોગ વગર ઈઝરાયલી પદ્ધતિથી રોપા ઉછેર કરી લાખોની કમાણી કરી રહ્યો છે આ ખેડૂત, જાણો વિગતે

શાકભાજી એ દૈનિક જરૂરિયાત બની છે. ત્યારે ઘણાં એવા શાકભાજી પાક છે જેના રોપા ઉછેરીને તેની ફેરરોપણી કરવામાં આવે છે. શાકભાજીના નાના બીજમાંથી ધરુ ઉછેરવા માટે પહેલાના સમયમાં ખેતરનો એકાદ ભાગ અલગ રાખવામાં આવતો હતો. જેમાંથી તંદુરસ્ત રોપા તૈયાર કરી તેની ફેરરોપણી કરવામાં આવતી હતી. પરંતુ ટેકનોલોજીના વિકાસ સાથે હવે ઓફ સિઝનમાં એડવાન્સમાં ધરુ તૈયાર કરવા માટે નર્સરીઓમાં રોપા ઉછેર થાય છે. નર્સરીઓ પણ હાઈટેક બની છે. ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા બાબતે ઈઝરાયેલ અવ્વલ આવે છે. ખેડૂતો આવા વિકસિત દેશોની ટેકનોલોજીનો ગુજરાતમાં પણ ઉપયોગ કરતા થયા છે. સામાન્ય રીતે કોઈ પણ છોડના વિકાસ માટે માટી એ અનિવાર્ય અંગ છે.

હિંમતનગર વતની એવા મયુરભાઈએ પણ માટીના ઉપયોગ વગર રોપા ઉછેર માટે નર્સરી તૈયાર કરી છે. તેઓ સંપૂર્ણ ઇઝરાયલની આધુનિક પધ્ધતિનો ઉપયોગ કરીને શાકભાજીના રોપાનો ઉછેર કરે છે. રોપનો ઉછેર કોકોપીટ સહીત અન્ય કુદરતી તત્વો અને ખાતર સાથે કરવામાં આવે છે. સૌથી મોટી વાત તો એ છે કે ૭૫ પૈસાથી માંડીને ૨૦ રૂપિયાની કિંમતે રોપાઓનું વેચાણ પણ કરે છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલી આધુનિક નર્સરીમાંથી મયુરભાઈ હાલ ઉત્તમ આવક લઈ રહ્યા છે.

કોઈ પણ છોડનું માટીમાં યા તો જમીનમાં વાવેતર કરવામાં આવે તો તેમાં વાઈરસ લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે. પણ બીજને ટ્રીટમેન્ટ આપવા સાથે કોકોપીટ, વર્મિક્યુલાઈટ જેવા માધ્યમના ઉપયોગ સાથે, ટ્રે ને જમીનથી દૂર નેટ પર રાખવાથી જમીનજન્ય રોગ પણ આવતા નથી. આ નર્સરીમાં ટ્રેમાં કોકોપીટ સહિતનું માધ્યમ મશીનની મદદથી જ ભરવામાં આવે છે તો. બિયારણનું પ્લાન્ટેશન પણ મશીનથી કરવામાં આવે છે.. બિયારણના ઉછેરમાં ક્યાંય પણ માટીનો ઉપયોગ નથી કરાતો. કોકોપીટમાં ઉછરેલા છોડનું સીધું સીડ-ટ્રેમાંથી જમીનમાં જ વાવેતર કરવાનું હોય છે. જેને લીધે છોડના તંતુમૂળ ન તૂટતાં જમીનમાં સીધો છોડ તેનો ગ્રોથ પકડી લે છે. ફેરરોપણીમાં રોપા ફેલ જવાની શક્યતાઓ ઘટતાં એકમ વિસ્તારમાં છોડની સંખ્યા જળવાઈ રહેતા ખેડૂતોનો સમય બચવા સાથે ઉત્પાદન પણ જાળવી શકે છે.

ગુજરાતના ખેડૂતો પણ હવે ધીમે ધીમે ઓછું પાણી અને આધુનિક પદ્ધતિની ખેતીને સ્વીકારી રહ્યા છે. આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરેલી નર્સરીમાં રીંગણ , મરચાં, ટામેટાં, સહિતના અન્ય રોપાઓ ઉછેરવામાં આવે છે. જમીનથી ત્રણ ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવીને તેની ઉપર જ સીડલીંગ કરેલી ટ્રે ગોઠવવામાં આવે છે. ત્યાર બાદ તેને ફુવારા પદ્ધતિથી પિયત આપી માવજત આપવામાં આવે છે. પ્લગ ટ્રેમાં ફોગિંગ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ટ્રેના માધ્યમમાં તૈયાર થયેલા રોપા સીધા જમીનમાં લગાવતાની સાથે જ તે ગ્રોથ કરવા લાગે છે. જેથી છોડમાં વિકાસ ઝડપી રહેતાં ઉત્પાદન પણ 10થી 12 દિવસ વહેલું ચાલુ થઈ જાય છે. જેથી ખેડૂતો પણ ઓફ સિઝનનો ફાયદો લઈ શકે છે. નર્સરીમાં રોપા તૈયાર થયા હોય તે સમયગાળા દરમિયાન જમીન તૈયારીનો પણ પૂરતો સમય મળી રહે છે. વહેલા ઉત્પાદન મળતું હોવાને લઈને ખેડૂતોને ભાવ પણ સારો મળે છે. મયુરભાઈ નર્સરીમાં રીંગણ, ટામેટાં, મરચાં, કોબીજ, ફ્લાવર સહિત હજારીગલ, પપૈયાં. વગેરેના રોપા ઉછેર કરી તેના વેચાણથી ઉત્તમ આવક લઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો