પોરબંદર જીલ્લાનાં આ ખેડૂતે એક સાથે 60 ફૂટ વિસ્તારમાં ટ્રેક્ટરથી ચાલતો દવા છાંટવાનો પંપ બનાવ્યો

ખેડૂતોને ખેતીમાં પડતી સમસ્યાઓનો ઉકેલ ખેડૂત જ લાવી રહ્યાં છે. પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકાનાં ઠોયાણા ગામનાં પ્રગતિશીલ ખેડૂતે પણ એક નવીન સંશોધન કરી ખેડૂતો માટે આશિર્વાદરૂપ દંવા છાંટવાનો પંપ બનાવ્યો છે. આ ખેડૂતનું નામ છે દેવશીભાઈ ભૂતિયા.

દેવશીભાઇ ભૂતિયાએ મીની ટ્રેક્ટરથી ચાલતો દવા છાંટવાનો પંપ વિકસાવ્યો છે. આ પંપની વિશેષતા એ છે કે, ખેતરમા એક સાથે 60 ફૂટનાં વિસ્તારને તે આવરી લે છે અને ખેતરમાં ઝડપથી આ પ્રક્રિયા પુરી થાય છે. તેમના આ ઇનોવેશનમાં ઘણા ખેડૂતોને રસ પડ્યો છે. જે ખેડૂતોને આ પ્રકારનું ટ્રેક્ટર સંચાલિત દવા છાંટવાનું મશીન બનાવવું હોય તેમને મદદ કરે છે. પોરબંદર જિલ્લાનાં ઘણા ખેડૂતોએ આ રીતે તેમના ટ્રેક્ટર પર દેવશીભાઇએ વિકસાવેલો દવા છાંટવાનો પંપ લગાવ્યો છે અને તેમના ખેતરમાં ઉપયોગ કરી રહ્યા છે. દેવશીભાઈ આ પંપમાં જરૂરી સુધારા-વધારા કરતા રહે છે અને તેને એડવાન્સ બનાવતા ગયા હતા.

દેવશીભાઇએ આ પંપને તેમના ટ્રેક્ટર મહિન્દ્રા યુવરાજ સાથે જોડી તેનું જોડાણ 200 લિટર ટાંકી સાથે કર્યુ. આ પંપ ચલાવવા માટે પુલ્લી, વી-બેલ્ટ, વાલ્વ તથા દવા છાંટવા માટે જરૂરી નોઝલ, સ્પ્રે, બુમ માટે પાઈપ, નળી વગેરેથી જોડી એક સાથે 60 ફૂટ જેટલા વિસ્તારમાં દવા છંટકાવ થઈ શકે તેવી સુવિધા વિકસાવી.

દેવશી ભૂતિયાએ ગુજરાતની જાણીતી ન્યૂઝ ચેનલ ન્યુઝ 18 ગુજરાતીને વાતચીતમાં જણાવ્યું, “આ પંપનું સંશોધન કરવાનો વિચાર વર્ષ 2010માં આવ્યો હતો.. જો તમારી પાસે જમીન વધારે હોય તો માણસની ક્ષમતાની એક મર્યાદા હોય છે. જમીન વધારે હોય તો ખેડૂત પહોંચી વળે નહીં. આથી મશીન દ્વારા સંચાલિત દવા છાંટવામાં આવે તો ઝડપથી કામ થઇ જાય. આ પંપ ટ્રેક્ટરની પાછળ જોડાયેલો હોવાથી દવાના રસાયણોનું જોખમ પણ રહેતું નથી. શરૂઆતમાં પંપ વિકસાવ્યો ત્યારે સ્પ્રે બુમની લંબાઈ 60 ફૂટ રાખી હતી અને નોઝલની સંખ્યા 20 રાખી હતી. આ પપં દ્વારા દર કલાકે 1.5 હેક્ટર જમીનમાં દવાનો છંટકાવ થાય છે.”

આ પંપ વિકસાવવામાં દેવશીભાઈને 30,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. સમયાંતરે તેમાં નોઝલની ક્ષમતા વધારી પાકના ઉત્પાદન પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં આસપાસના વિસ્તારના 15 જેટલા ખેડૂત આ પ્રકારના પંપનો ઉપયોગ કરી રહ્યાં છે.

આ પંપનો ફાયદો શું છે ?

ખેડૂત આ પંપ ભાડે પણ આપી શકે છે. નિદામણનાશક દવા, ફુગનાસક દવા છંટકાવ માટે દરેક પાકમાં આ પંપ વપરાય છે. પ્રત્યેક ટાંકી દીઠ પંપનું ભાડું 200-250 રૂપિયા લેવામાં આવે છે. આ પંપથી પ્રતિદિન 20 ટાંકી જેટલી દવા છાંટી શકાય છે અને આશરે 4000-5000ની આવક રળી શકાય છે, જેનો પ્રયોગ દેવશીભાઇ ભૂતિયા કરી ચુક્યા છે.

આ પણ વાંચજો – કાલાવાડના કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે પાણીની સમસ્યાને દૂર કરવા માટે કર્યો કૂવા રીચાર્જનો નવતર પ્રયોગ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો