ગીરગઢડાનાં ઘનઘોર જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં ઉત્પન થાય છે શિવલિંગ

ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડાનાં ઘનઘોર જંગલમાં આવેલું ટપકેશ્વર મહાદેવનું પોરાણિક મંદિર બન્યું શ્રધાળુઓની આસ્થાનું પ્રતિક. ગીરમાં આવેલી ગુફામાં જ્યાં જ્યાં ટપકે છે પાણી ત્યાં ત્યાં ઉત્પન થાય છે શિવલિંગ. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મીની અમરનાથ તરીકે પણ ઓળખાય છે. તો આવો જાણીએ શ્રાવણ માસમાં પવિત્ર ટપકેશ્વર મહાદેવનાં મહાત્મય વિશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાને કુદરતની ઘણી બક્ષિસ મળેલી છે. આ જિલ્લામાં ગીરનું જંગલ, પહાડો, સમુદ્ર, નદી અને ઝરણાં સાથે વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ પણ અહીં બિરાજે છે. આ સાથે અનેક પ્રાચીન તેમજ દુર્લભ મંદિરો પણ આવેલા છે. ગિરગઢડા તાલુકાનાં હરમડિયા ગામથી 5 કિલોમીટર દૂર ફરેડા ગામનાં ઘનઘોર જંગલ વિસ્તારમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મહાભારત કાળનું આ મંદિર હોવાનું મનાય રહ્યું છે.

અહીં વિશાળ ગુફાઓ પણ આવેલી છે. ગુફામાં પર્વત પરથી પાણી ટપકે અને તે પાણીના ટીપાં દ્વારા સ્વયંભૂ શિવલિંગ બને છે. આથી અહીં જે શિવલિંગો છે તે પાણીનાં ટપકાથી બનતા હોય આ મહાદેવ ટપકેશ્વર મહાદેવ કહેવાયા. દર શ્રાવણ માસ દરમિયાન આ દુર્ગમ સ્થળે શિવભક્તો અચૂક દર્શનાર્થે આવે છે. સામાન્યા રીતે જામવાળા અને ગીરગઢડાનો જંગલ વિસ્તાર સિંહો અને અન્ય પશુ પક્ષીઓના અવાજથી ગુંજતો હોય છે.પરંતુ આ જંગલ શ્રાવણ માસમાં બમબમ ભોલેનાં નાદથી ગુંજી ઉઠે છે.

જીહાં ગીરની વચ્ચે આવેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર હજારો લોકોની આસ્થાનું પ્રતિક બન્યું છે. ગીર જંગલમાં પાંચ કિલોમીટર ઉબડ ખાબડ રસ્તા પર પગપાળા ચાલી આવનારા શ્રદ્ધાળુઓ ટપકેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા જ તરોતાઝા બને છે. કુદરતનાં ખોળા સમાન ગીરમાં આવેલા આ મંદિરની આજુબાજુ કુદરતી પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળે છે. અહીં આવતા જ ભાવિકોને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. આ મંદિરને મીની અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર શ્રદ્ધાળુઓને અહીં સિંહો સાથે પણ ભેટો થઈ જાય છે.

ટપકેશ્વર મહાદેવ મંદિર અન્ય શિવ મંદિર કરતા અલગ તરી આવે છે. કારણ કે ગીર જંગલની વચ્ચે આવેલું આ માનવ સર્જિત મંદિર નથી પરંતુ વિશાળકાય પહાડની અંદર આવેલી કુદરતી ગુફા છે. 50 ફૂટ ઊંડી ગુફાની અંદર અનેક શિવલીંગો આવેલા છે. જે શિવલીંગો પર ગુફાની અંદરથી સતત પાણી ટપકયાં કરે છે. જ્યાં જ્યાં પાણી ટપકી રહ્યું છે ત્યાં ત્યાં નવી નવી શિવલિંગો રચાય છે. અહીં એક બે નહિ પણ 15 થી વધારે શિવલિંગ જોવા મળે છે.

એમ પણ કહેવાય છે કે જ્યાં જ્યાં પાણીનું ટીપું પડે છે ત્યાં ત્યાં નવા શિવલિંગો બને છે. એટલુ જ નહીં પણ આ શિવલિંગોનો આકાર પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગીર મધ્યની વચ્ચે પૌરાણિક કાળથી પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અને ગુફામાં બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો શ્રાવણ માસમાં અનેરો લાહવો મેળવીને મહાદેવની ભક્તિમાં ગળાડૂબ થયા છે. પોરાણિક સમયમાં મેઘાવી રુષી દ્વારા ઘણા વર્ષો સુધી આ જગ્યામાં તપસ્ચર્યા કર્યા બાદ મહાદેવ પ્રસન થયા અને મેઘાવી ઋસીએ જ્યાં તપસ્ચર્યા કરી હતી તે ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકવાનું શરુ થયું ત્યાં કાળક્રમે પાણીનાં ટીપા પડતા હતા તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થવા પામ્યું ત્યારથી આ જગ્યાને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.

ચંદ્રાભાગા નદીનાં કિનારે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ કંડોળ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે પાંડવોએ પોતાના વનવાસનાં ગુપ્તવાસ સમયે આ ગુફામાં વસવાટ કર્યો હતો. ભાવિકો અને સ્થાનિકોનાં કહેવા પ્રમાણે અહીં દર ગુરુપૂર્ણિમાનાં દિવસે ચમત્કાર જોવા મળે છે. ગુફાની અંદર નદીની જેમ પાણીનો પ્રવાહ આવે છે જે પાણી બે દિવસ રહે છે પછી પરત ફરે છે. ઘણી વખત ગુફાની અંદર દૂર સુધી જવાની ઘણા લોકોએ કોશિશ કરી છે પરંતુ અમુક ગુફામાં અંધાર પટ હોવાનાં કારણે ગુફા ક્યાં સુધી છે તે કોઈ જાણી શક્યું નથી, અને જવાય છે તો માત્ર 100-200 મીટર સુધી જ. તો આસપાસના ગ્રામજનો અને લોકોના કહેવા પ્રમાણે આ ગુફા જુનાગઢ ગીરનારમાં મળે છે.

એમ પણ કહેવાય છે કે, દુષ્કાળનાં વર્ષોમાં પણ ટપકેશ્વર મહાદેવ મંદિરની ગુફામાં પાણી ટપકયાં કરે છે, આ વિસ્તારની અંદર ક્યારેય પાણીની કોઈ કમી જોવા મળતી નથી. પરંતુ ગુફાની બહારનાં ભાગે 50 ફૂટ કૂવો ગાળવા છતાં પાણી નીકળ્યું નહીં. ગુફાની અંદર જાણે કુદરતી એસી હોઈ તેવો ભાવિકોને અહેસાસ થાય છે. ગુફામાં પ્રવેશતા જ ઠંડક અને શીતળતાનો અહેસાસ થાય છે.

એવી પણ માન્યતા છે કે, આસ્થા વગર માત્ર કુતુહલ વશ આ ટપકેશ્વર મહાદેવની ગુફામાં કોઈ વ્યક્તિ લાંબો સમય બેસી શકતું નથી. ઓક્સિજનની ઘટ વર્તાવા લાગે છે. અહીં ભાવિકો માનતા પણ માને છે. કહેવાય છે કે, ટપકેશ્વર મહાદેવ તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ અહીં આવવું થોડું કઠિન છે. જે શ્રાવણ માસ દરમિયાન દુરદુરથી આવતા શ્રધ્ધાળુ ઇચ્છિ રહ્યા છે કે રસ્તા અને જગ્યાનો થોડો વિકાસ કરવામાં આવે.

ગીરગઢડાનાં ફરેડા ગામ નજીક આવેલા ઘનઘોર જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન ગુજરાત ભરમાંથી શ્રધાળુઓ ઉમટી પડે છે. તો નજીકનાં ગ્રામ્ય પંથકમાંથી આવતા વૃદ્ધ માણસો આ મંદિરનાં દર્શન કરી અમરનાથ યાત્રા જઈ આવ્યા હોવાનું માને છે.

માહિતી સૌજન્ય – દિનેશ સોલંકી, ગીર સોમનાથ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો