1965ના યુદ્ધનું ચમત્કારિક મંદિર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આસ્થાકેન્દ્ર, ભેડિયાબેટમાં બે કરોડના ખર્ચે મંદિર બન્યું, રણસરહદે આધ્યાત્મિક દ્રષ્ટિએ નવો સૂર્યોદય 

કચ્છના વિઘાકોટ નજીક ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક આવેલું ભેડિયાબેટ હનુમાનજીનું મંદિર બે કરોડના ખર્ચે નિર્માણ પામી ચૂક્યું છે, જેનું લોકાર્પણ આવતા મંગળવારે સંતોના હસ્તે કરવામાં આવશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના તેજેન્દ્રપ્રસાદજી મહારાજેએ અહીં ર૦૧૬માં મુલાકાત લીધી ત્યારે તેમણે આ મંદિરને વિકસાવવાની નેમ વ્યકત કરી હતી. બાદમાં મે 2018માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મંદિરના જીર્ણોદ્ધાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હાલના તબક્કે આ મંદિરના નવનિર્માણ સાથે સમગ્ર પરિસરની કાયાપલટ થઇ ચૂકી છે, જેમાં બે કરોડ રૂપિયાના ખર્ચે પ્રાર્થના ખંડ, પ્રદર્શન ગેલેરી, જવાનો માટે રહેઠાણની સુવિધા, ગેસ્ટ રૂમ, સાર્વજનિક શૌચાલય, ચબૂતરો, પાણીની ટાંકીઓ સહિતની વ્યવસ્થાઓ કરી દેવાઈ છે.

આ પરિસરનું રંગરોગાન પણ પૂર્ણ થઇ ગયું છે. આવતા મંગળવારે 10/12 ના રોજ સ્વામિનારાયણ મંદિર ભુજના સંતોના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જો કે અહીંનો 20 કિલોમીટરનો જર્જરિત રસ્તો સુધારવાનું પણ કામ ચાલુ છે. તત્કાલીન સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની સરહદ પર હનુમાનજી બેઠા છે ,રાજ્યની ચિંતા નથી.

ઘંટથી છલકાય છે મંદિરનું પરિસર, જવાનોને પવનપુત્રમાં છે અતૂટ શ્રદ્ધા 

આ મંદિરની વિશેષતા એ છે કે, અહી શ્રદ્ધાળુઓ દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થયા બાદ ભાવિકો મંદિરમાં ઘંટ બાંધે છે. જો કે સૈન્યના જવાનોને પણ કચ્છ બહાર પોસ્ટિંગ મળે તો તેઓ પણ અહીં પિત્તળનો ઘંટ ચડાવે છે. અહીં નાના-મોટા અનેક ઘંટો મંદિરના પરિસરમાં જોવા મળે છે, જે ન માત્ર જવાનો પણ લોકોની આસ્થાનું પણ પ્રતીક છે.

BSFની પરવાનગી જરૂરી!

ભુજથી ભેડિયા બેટ 130 કિલોમીટર દૂર છે, ખાવડા બાદ ઇન્ડિયા બ્રીજથી વિઘાકોટ સરહદ પર જતા રસ્તેથી અહીં જવાય છે. આ મંદિરની મુલાકાત માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સની પરવાનગી પણ લેવી પડે છે.

શું છે ઈન્ડો-પાક બોર્ડર નજીક બિરાજતા હનુમાન મંદિરનો ઇતિહાસ?

1965 ભારત-પાક યુદ્ધ વિરામ બાદ ભારતીય સૈનિકો રણમાર્ગે કચ્છ તરફ પાછા આવતા હતા, એ સમયે જવાનોને અવાજ સંભળાયો “મને સાથે લઇ જાઓ” સેનિકોએ પાછું વળીને જોયું તો દૂર દૂર સુધી અફાટ રણમાં એકચોટ કાંઈ જ જોવા ન મળ્યું. સૈનિકો ફરીથી ધીમે ધીમે આગળ વધવા લાગ્યા, કેમ કે તે રણનો હિસ્સો પાકિસ્તાનનો હતો. એવામાં ફરીથી વિચિત્ર અવાજ સંભળાયો. ત્યાં વીર સૈનિકોને અચાનક અફાટ રણમાં હનુમાનજીની મૂર્તિ દેખાઈ.

સૈનિકો તે મૂર્તિને લઈ કચ્છ સરહદ બાજુ આગળ વધ્યા, આ દરમ્યાન વચ્ચે રાત પડી ગયેલ અને થાક પણ લાગેલો હતો. જેથી ભારતની સરહદ આવી કે સૌ સૈનિકોએ ત્યાં રાત્રીરોકાણ રણ વચ્ચે જ કર્યું અને હનુમાનજીની મૂર્તિને પણ ત્યાં જ બાજુમાં પધરાવી આરામ કર્યો. સવાર પડતા જ  હનુમાનજી મૂર્તિ ઉઠાવવા ગયા પણ ન ડગી. કહેવાય છે કે મૂર્તિ બોલી કે મને અહીજ રહેવા દો ! ત્યાં સર્જાઈ ગયું ભેડિયા બેટ હનુમાન મંદિર. જે દાયકાઓથી સીમા અને સૈન્યની રક્ષા કરે છે. દેશના જવાનો જ આ હનુમાનજીની સેવા પૂજા દૈનિક કરે છે કરતા આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો