હરિયાણાની ઘટનાને પગલે હિંમતનગરમાં અસામાજિક તત્વો અને રોમિયોની રંજાડ સામે યુવાનોનું સંગઠન, યુવતીએ હેરાનગતિની બસ ચીઠ્ઠી લખી અહીં પેટીમાં નાખી દેવાની, લેવાશે એક્શન

હરિયાણાની ઘટના બાદ બહેન- દીકરીઓને અસામાજિક તત્વો, રોમિયોની રંજાડથી છૂટકારો અપાવવા હિન્દુ યુવા સંગઠને પહેલ કરી છે. આ ગૃપ સંકટ સમયના ભાઇઓ બનીને ભોગ બનનારની ઓળખ ખાનગી રાખી પોલીસના સહયોગથી આવા તત્વોને પાઠ ભણાવવા મદાને પડ્યુ છે. જેના માટે હિંમતનગર શહેરના મંદિરો, દેરાસરો આગળ ફરિયાદ બોક્સ મૂકવામાં આવ્યુ છે, જે દર ત્રણ દિવસે ખોલવામાં આવનાર છે.

બહેન-દીકરીઓની સુરક્ષા માટે ઉત્તર ગુજરાતભરમાં બોક્સ મુકાશે
હરિયાણામાં એક નરાધમે સરા જાહેર એક દીકરીની હત્યા કરવાની નૃશંસ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત હિંમતનગર શહેરમાં પણ પડ્યા છે. ધર્માંધ આવારા અસામાજિક તત્વોથી પરેશાન મહિલાઓ, યુવતીઓ, અબુધ કિશોરીઓ સમાજમાં બદનામીથી પરેશાન છે અને ડરના કારણે ચૂપ રહે છે. દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા માટે હિન્દુ યુવા સંગઠને હિંમતનગરથી પહેલ કરી છે. ઉત્તર ગુજરાતના મુખ્ય શહેરોમાં સાર્વજનિક સ્થળો પર લેટર બોક્સ લગાવાઇ રહ્યા છે. ભોગ બનનાર બહેન દીકરીએ વિશેષ કંઇ કરવાનું નથી. પોતાની સમસ્યા લખીને લેટર બોક્સમાં મૂકી દેવાની છે, બાકીનું કામ સંકટ સમયના ભાઇઓ કરશે.

હિન્દુ યુવા સંગઠન ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવતે જણાવ્યું કે, આ મુદ્દો સંવેદનશીલ હોવા સહિત બહુ ગંભીર સમસ્યા બની રહ્યો છે. બહેન – દીકરીઓ આવારા ધર્માંધ અસામાજિક તત્વોની જાળમાં ફસાયા બાદ પોતાના પરિવારને પણ કહી શકતી નથી. હરિયાણાની ઘટના બાદ કોઇકે તો આગળ આવવુ જરૂરી બની રહ્યું હતું. અમે સંકટ સમયના ભાઇઓ તમામ મદદ કરીશું. ફરિયાદ બોક્સમાં પૂરી વિગત લખીને ચિઠ્ઠીને મૂકવાની રહેશે અને અરજન્ટ હોય તેવા કિસ્સામાં ફરિયાદ બોક્સ પર સંકટ સમયના ભાઇનો મોબાઇલ નંબર લખેલા છે તેની પર પણ જાણ કરી શકાશે. હિંમતનગર શહેરમાં મંદિરો, દેરાસર, જાહેર સ્થળો પર 27 અને ઉત્તર ગુજરાતના મુખ્ય શહેરોમાં 300 જેટલા સ્થળે ફરિયાદ બોક્સ મૂકવાનું આયોજન કર્યું છે. સમગ્ર કામગીરી પોલીસના સહયોગથી કરવામાં આવશે.

હિંમતનગર શહેર અને આસપાસની કેટલીક કિશોરીઓ, યુવતીઓને આવારા, અસામાજિક તત્વો પોતાની જાળમાં ફસાવી ફોટા, વિડીયો વગેરેથી બ્લેકમેઇલિંગ કરી રહ્યા છે અને શોષણ થઇ રહ્યુ છે. ડર તથા આબરૂની બીકને કારણે ફરિયાદ કરવા કોઇ આગળ આવતુ નથી કેટલાક તત્વો પોલીસના રડાર પર છે પરંતુ ભોગ બનનાર આગળ આવતા ન હોવાથી પોલીસ પણ લાચાર છે ત્યારે સંકટ સમયના ભાઇઓની ફરિયાદ પેટીમાં ચિઠ્ઠી નાખવાની બહેન દીકરીઓ હિંમત દાખવશે તો યુવા સંગઠનની મુહિમ લેખે લાગશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો