શેમાંથી મળે વિટામિન ડી? જાણો વિટામિન ડીનું મહત્વ

ગર્ભાવસ્થાથી લઈને બાળકોના મોટા થવા સુધી હાડકાંઓના યોગ્ય વિકાસ માટે વિટામિન ડી જરૂરી હોય છે. તેની ઊણપથી હાડકાંઓની સંરચના પર ખરાબ પ્રભાવ પડે છે તથા શારીરિક બનાવટમાં વિકૃતિ આવી જાય છે. પૂરતા પ્રમાણમાં વિટામિન ડી ન મળવાનું એક મોટું કારણ પ્રદૂષણનું વધારે પડતું પ્રમાણ છે, તેનાથી યોગ્ય સૂર્યપ્રકાશ મળતો નથી.

આટલા માટે જરૂરી છે વિટામિન ડી

-વિટામિન ડીને સૂર્યપ્રકાશનું વિટામિન પણ કહે છે. પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળવાથી શરીરને વિટામિન ડી મળી રહે છે. આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવા છતાં વિટામિન ડીની ઊણપ સાથે જોડાયેલી સમસ્યાઓ વધી જાય છે. વિટામિન ડી હાડકાંના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક ક્ષમતા તથા ઊર્જા માટે બહુ જ જરૂરી છે. નવજાત શિશુઓ માટે સવારના સમયનો સૂર્યપ્રકાશ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

-વિટામિન ડી શરીરમાં કેલ્શિયમ તથા ફોસ્ફેટના સ્તરને નિયંત્રણમાં રાખે છે, જેનાથી હાડકાંઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. વિટામિન ડીની ઊણપથી બાળકોને રિકેટ્સ થઈ શકે છે. આ બીમારીમાં બાળકોનાં હાડકાંનો વિકાસ પ્રભાવિત થાય છે. તેનાથી હાડકાં મુલાયમ તથા નબળાં થઈ જાય છે અને તેમાં વિકૃતિ પેદા થાય છે. કોઈ વ્યક્તિના આહારમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન હોવાથી પણ રિકેટ્સ થઈ શકે છે. શરીરમાં કેલ્શિયમ તથા ફોસ્ફરસનું પૂરતા પ્રમાણમાં અવશોષણ થાય તે માટે વિટામિન ડીની જરૂર હોય છે.

-જો કોઈ બાળકમાં વિટામિન ડીની ઊણપ હોય, તો તેનાં હાડકાંમાં કેલ્શિયમ તથા ફોસ્ફરસનું પ્રમાણ પણ બહુ ઓછું હશે. રિકેટ્સ ખાસ કરીને બાળકોને પ્રભાવિત કરે છે. જોકે, વયસ્ક લોકો પણ તેનાથી પીડાતા હોઈ શકે છે.

વિટામિન ડી હાડકાંના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક ક્ષમતા તથા ઊર્જા માટે બહુ જ જરૂરી છે

કારણ

ગર્ભમાં શિશુઓનાં હાડકાંના વિકાસ માટે વિટામિન ડીની જરૂર હોય છે. 6 મહિનાથી લઈને 36 મહિનાનાં બાળકોમાં રિકેટ્સ સામાન્ય બાબત છે. જે બાળકો માત્ર સ્તનપાન કરે છે, તેમને પૂરતું વિટામિન ડી ન મળવાના કારણે રિકેટ્સનું જોખમ વધારે રહે છે. ઘાટા રંગવાળાં બાળકોમાં પણ વિટામિન ડીની ઊણપનું જોખમ વધારે હોય છે. જે મહિલાઓના શરીરમાં વિટામિન ડીની ઊણપ હોય છે તેમના દૂધમાં પણ વિટામિન ડીની ઊણપ હોય છે. 70-80 % લોકો દેશભરમાં વિટામિન ડીની ઊણપથી પીડિત છે.

લક્ષણ

રિકેટ્સનાં લક્ષણોમાં પગ, કાંડા, પેલ્વિસ અથવા કરોડરજ્જુનાં હાડકાંમાં દુખાવો અથવા નબળાઈ, ધીમો વિકાસ તથા શરીરનો આકાર ખરાબ થવો, હાડકાં તૂટવાં, પેશીઓમાં ખેંચાણ, દાંતોમાં વિકૃતિ જેમ કે, દાંત મોડા ફૂટવા, ઇનેમલમાં છેદ થવો, એબ્સેસ, દાંત આડાઅવળા થવા. શરીરનાં અંગોમાં વિકૃતિ જેમ કે વિકૃત આકારનું માથું, બહારની તરફ વળેલા પગ, પાંસળીઓમાં ગઠ્ઠા, બહાર નીકળેલું છાતીનું હાડકું, વાંકું વળી ગયેલું કરોડરજ્જુનું હાડકું, પેલ્વિક વિકૃતિ તથા કાંડા, એડીઓ અને ઘૂંટણ મોટાં થવાં વગેરેનો સમાવેશ થાય છે.

સારવાર

1 આહારમાં કેલ્શિયમ, ફોસ્ફેટ તથા વિટામિન ડીનું પ્રમાણ વધારવું જોઈએ. પૂરતા પ્રાણમાં સૂર્યપ્રકાશ લેવો (અલ્ટ્રાવાયોલેટ બી પ્રકાશ), માછલીનું તેલ અને ફોર્ટિફાઇડ ડેરી ઉત્પાદનોનું સેવન કરવું.

2 જર્નલ ઓફ ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સમાં પ્રકાશિત અધ્યયન અનુસાર શિશુઓને સ્વસ્થ રાખવા માટે દરરોજ 400 આઈયૂ વિટામિન ડી જરૂરી છે.

3 ગર્ભવતી અને સ્તનપાન કરાવનારી બધી જ મહિલાઓને 10 માઇક્રોગ્રામ વિટામિન ડીયુક્ત દરરોજ ખોરાક આપવો.

4 પાંચ વર્ષ સુધીનાં બધાં જ બાળકોને વિટામિન ડ્રોપ્સ તરીકે વિટામિન ડીનો ખોરાક દરરોજ આપવો જરૂરી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો