માનવતા મરી પરવારી! સુરતમાં કોરોના સારવાર માટે વપરાતું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 1 લાખમાં વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું

કોરોના મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોય તેમ દેખાઈ રહ્યું છે. સુરતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે દરોડો પાડીને આ કૌભાંડ ખુલ્લું પાડ્યું છે. આ કૌભાંડમાં સુરતમાં ફાર્મા કંપનીના મહિલા માલિકની સંડોવણી બહાર આવી છે. એકના એક પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન વેચતા હતા. સામાન્ય રીતે 40 હજારનું ઈન્જેક્શન 1 લાખમાં વેચવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લાઈફ સેવિંગ ઈન્જેક્શન 3 ગણા ભાવે વેચાતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ લાલ આંખ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા વધારા સાથે તેની સારવાર માટે ICMRની માર્ગદર્શીકા મુજબ Moderate Conditionમાં ઓક્સિજનની જરૂરીયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતિમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં દર્દીઓની સારવાર માટે Tocilizumab Injection (Actemra) વાપરવામાં આવે છે.

કોરોનાની સારવાર માટે વપરાતી આ અત્યંત જરૂરી દવાની કાળાબજારી થતી હોવાની મળેલી ફરિયાદના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આવા વેપારીઓ પર લાલ આંખ કરી દરોડા શરૂ કર્યા છે. સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઈને કરાતા આ નફાખોરીના કૌભાંડનો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રને માહિતી મળી હતી કે સુરત ખાતે મે. સાર્થક ફાર્માના માલિક શ્રીમતી ઉમા સાકેત કેજરીવાલ દ્વારા Actemra 400 mg નામની દવાનું વેચાણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર વગર વેચાણ બિલ તથા છુટક દવાના પરવાના વગર મુળ કિંમત કરતાં વધારે કિંમતથી એટલે કે રૂ.57,000 વસુલીને દર્દીને વેચાણ કરી રહ્યા છે. જેને આધારે દરોડો પાડી તેમને પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ 2 નંગ Actemra 400 mgનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કે જે દવાની મહત્તમ વેચાણ કિંમત 40,545/- પ્રતિ નંગ છે.

મે. સાર્થક ફાર્માના માલીક શ્રીમતી ઉમાબેનની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દવાની ખરીદી તેમણે મે. ન્યુ શાંતી મેડીસીન્સ, અડાજણ, સુરતના માલિક મિતુલ મહેન્દ્રભાઇ શાહ પાસેથી રૂ.50,000/ પ્રતિ નંગ ચુકવીને વગર બિલે કરી હતી. મિતુલ મહેન્દ્રભાઇ શાહે આ દવા અમદાવાદના અમિત મંછારામાની પાસેથી ખરીદી કરી હતી અને તેના રૂ. 45,000 પ્રતિ નંગ લેખે ઘનશ્યામભાઇ વ્યાસ કે જેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે અને તેમના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

અમિત મંછારામાની કે જેઓ મે. કે.બી.વી. ફાર્મા એજન્સી, અસારવા, અમદાવાદ પેઢીના જવાબદાર વ્યકિત છે તથા તેઓ મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે આ અગાઉ નોકરી કરતાં હતા. અમિતભાઈ દ્વારા દવાની ખરીદી દર્દીઓના ખોટા પ્રિસ્ક્રિપ્શન બનાવી તેમજ એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ કરીને ખરીદી કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.

આવા ઉપજાવી કાઢેલા પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર એક જ દવા માટે દુરૂપયોગ કરી અગાઉ કેટલી ગેરરીતી કરવામાં આવી છે તે સહિતની તપાસ માટે આ દવાના મુળ સપ્લાયરની ઉંડાણપુર્વક તપાસ ચાલી રહી છે. આવી દવાના કાળાબજાર કરતાં તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ લાલ આંખ કરી તેમને પકડી પાડવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી આવા કાળા બજાર કરનાર તત્વોમાં ખોફ પ્રવર્તી ગયો છે.

Actemra 400 mg દવાની મુળ કિંમત કરતાં વધારે ભાવ લઈ ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા જવાબદાર ઇસમો સામે આવશ્યક ચીજવસ્તુઓનો ધારો-1955 અંતર્ગત ઔષધ ભાવ નિયમન આદેશ-2013 તથા સને 1940નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વ્યેના નિયમોના ભંગ બદલ સધન તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં કસુરવાર વેપારીઓ સામે આકરા પગલા લેવાશે તેમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો