મોરબીના સોમનાથ સોસાયટીમાં રહેતા મહેશ્વરી પરિવારના ત્રણ સભ્ય કારમાં તેમની કુળદેવીનાં દર્શન માટે જતા હતા. તેઓ 20 દિવસ પહેલાં જ રાજસ્થાનમાં પરણાવેલી દીકરીને પણ સાથે લેવાના હતા. જોકે તેઓ દીકરી સુધી પહોંચે એ પહેલાં જાણે રસ્તા પર કાળ તેમની વાટ જોઈને ઊભો હોય એમ સોમવારે વહેલી સવારે સામખિયારી રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતમાં પતિ, પત્ની મળી એક જ ઘરના ત્રણ લોકોનાં કમકમાટી ભર્યાં મોત નીપજ્યાં હતાં. ત્રણેય મૃતકોને ઘરે લવાયા બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એકસાથે ત્રણ અર્થી ઊઠતાં આખો માહોલ ગમગીન બની ગયો હતો.
મૂળ ભચાઉના અને હાલ મોરબીમાં રહેતા 65 વર્ષીય જાણીતા ધારાશાસ્ત્રી લજપતરાય મોતીરામ કેલા તેમના 60 વર્ષીય ભાઇ જયંતીભાઈ મોતીરામભાઈ કેલા અને જયંતીભાઈનાં 54 વર્ષીય પત્ની રેખાબેન જયંતીભાઈ કેલા પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર લઇ પાલનપુર રહેતા વેવાઇને ત્યાં જઇ રહ્યાં હતાં ત્યારે સવારે 8થી 8:30 વચ્ચેના અરસામાં રાપરના કાનમેર અને માનગઢ વચ્ચે હાઇવે રોડ પર પાર્ક થયેલા એક ટ્રેઇલરમાં કાર ધડાકાભેર પાછળની સાઇડ ઘૂસી ગઇ હતી, જેમાં ધારાશાસ્ત્રી લજપતરાય અને તેમના ભાઇ જયંતીભાઈ કેલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે જયંતીભાઈનાં પત્ની રેખાબેનને સારવાર માટે ગાંધીધામ લઇ જતી વખતે તેમણે રસ્તામાં જ દમ તોડ્યો હતો. ગોઝારી ઘટનાને પગલે પરિવાર, સમાજ અને વકીલ આલમમાં શોકની લાગણી ફેલાઇ હતી.
મોરબીના કેમિસ્ટ એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટા ભાઈ અને ભચાઉ ખાતે પ્રેક્ટિસ કરતા એડવોકેટ લજપતભાઈ મોતીરામ મહેશ્વરી અને બીજા ભાઈ જયંતીભાઈ મોતીરામભાઈ મહેશ્વરી તથા તેમનાં પત્ની રેખાબેન જયંતીભાઈ મહેશ્વરીની દીકરીના 20 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. દીકરીના લગ્ન બાદ પ્રથમવાર તેઓ રાજસ્થાનના ઓસિયાજી ખાતે આવેલ તેમની કુળદેવીનાં દર્શન માટે પરોઢિયે સાડાપાંચ વાગ્યાની આસપાસ પોતાની જીજે 12એ કે 1763 નંબરની કાર લઈને રાજસ્થાન જવા નીકળ્યાં હતાં અને માતાજીનાં દર્શન દીકરીને સાથે રાખીને કરવાનું વિચારી તેને તેડવા માટે નીકળ્યા હતા, પરંતુ દીકરી સુધી પહોંચે એ પહેલાં કાળ પહોંચી ગયો હતો.
મૂળ ભચાઉના અને વર્ષોથી મોરબી રહેતા ધારાશાસ્ત્રી લજપતરાય કેલા સુખી સંપન્ન હોવા છતાં નિષ્ઠા સાથે સાદગીભર્યું જીવન જીવતા. તેઓ સક્ષમ હોવા છતાં 37 વર્ષથી મોરબીથી ભચાઉ એસ.ટી.બસમાં અપડાઉન કરતા, વાગડના લોકો માટે મુંબઈ જતા, પણ ત્યારે પણ રિઝર્વેશન કરતાં લોકલ ડબ્બામાં મુસાફરી કરી કામ પૂર્ણ કરતા હતા. નિષ્ઠાવાન અને સાદગીભર્યું જીવન જીવતા એડવોકેટ દલપતભાઈ કેલાના અવસાનના સમાચાર સાંભળી ભચાઉ શહેર જ નહિ, તાલુકાભરના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને આ સમાચાર સાંભળી શોકમાં ડૂબ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..