ત્રણ પાટીદાર બાળકોના મોત, ડેમ નજીક રમવા ગયા’તા ક્રિકેટ

હિંમતનગરના કેશરપુરાકંપામા બુધવારની વહેલી સવારે ગુહાઇ ડેમમાં પાણી ઉતરતા ખાલી થયેલ જગ્યામાં ક્રિકેટ રમવા ગયેલ કંપાના 5 કિશોર પૈકી ત્રણ કિશોર ડૂબી જતાં કરૂણ મોત નીપજ્યા હતા. ક્રિકેટ રમતાં બોલ ડેમમાં 7 ફૂટ ઊંડા પાણીમાં જતાં એક કિશોરનો પગ લપસી જતાં તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો . જેને બચાવવા જતાં અન્ય બે કિશોર પણ ડૂબી ગયા હતા. મૃતક કિશોરોમાં બે પિતરાઇ ભાઇ અને અેક ફોઇબાના ઘેર વેકેશન માણવા આવેલ કિશોરોનો સમાવેશ થાય છે. જયારે સાથે રમતાં અન્ય બે બાળકોએ બૂમાબૂમ કરી લોકોને બોલાવતાં ત્રણેયને બહાક કાઢી હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટનાને પગલે કેશરપુરાકંપામાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

પરીક્ષાઓ પૂર્ણ થતાં કિશોર દાદા- ફોઇબાના ઘરે વેકેશન માણવા આવ્યા હતા

હિંમતનગરના કેશરપુરા કંપામાં બુધવારે સવારે સાડા સાતેક વાગ્યાના સુમારે સહજકુમાર પરેશભાઇ પટેલ (ધોરણ-8, હિંમતનગર), જયકુમાર શૈલેશભાઇ પટેલ (ધો-8, હિંમતનગર), મીતકુમાર રમેશભાઇ પટેલ (ધોરણ-10 પરોસડા, વિજયનગર) કંપાના અન્ય બે છોકરાઓ સાથે ગુહાઇ ડેમમાં પાણી ઓસરતા ખુલ્લી થયેલી જગ્યામાં ક્રિકેટ રમવા ગયા હતા અને સવા આઠેક વાગ્યાના સુમારે દડો 6થી 7 ફૂટ ઊંડા પાણીમાં જતાં જય બોલ લેવા ગયો હતો અને નીચે નમીને દડો લેવા જતાં તેનો પગ લપસી જતા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તેને બચાવવા દોડી આવેલ સહજ અને મીત પણ પાણીમાં પડ્યા હતા. પરંતુ ત્રણેય જણા પાણીમાં ડૂબતા તેમની સાથેના અન્ય છોકરા મહર્ષિ અશ્વિનભાઇ અને મલય ગીરીશભાઇ બૂમો પાડી ગામ બાજુ દોડ્યા હતા.

અન્ય બે બાળકોએ બૂમાબૂમ કરી મૂકતાં લોકો દોડ્યા

બૂમો સાંભળી આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેતમજૂરો દોડી આવ્યા હતા અને પાણીમાં પડી ત્રણેય જણાને બહાર કાઢ્યા હતા. ત્રણેયને બાઇકો પર લઇ હિંમતનગર સિવિલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ત્રણેય બાળકોને મૃત જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી. મૃતકના પિતા દિકરાની વિદાયને માનવા તૈયાર ન હતા અને ભારે આક્રંદ કર્યું હતુ. ત્રણેય તરૂણોના અપમૃત્યુના સમાચાર કંપામાં પહોંચતા પરીવારજનોની રોકકળને પગલે વાતાવરણને બોઝીલ બનાવી દીધુ હતુ. પોલીસે પીએમ વગેરેની તજવીજ હાથ ધરી એ.ડી. દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક ત્રણેય પરિવારના એકના અેક દીકરા

કેશરપુરાકંપાના મૃતક ત્રણેય તરૂણો પરિવારના એકના એક દીકરા હતા. બે સગાભાઇઓના એકના એકના એક અને ફોઇબાના ઘેર આવેલ એકનો એક દિકરો પ્રભુને પ્યારા થઇ જતા ગામમાં સોંપો પડી ગયો હતો. બપોર સુધી ત્રણેય તરુણના મોત નીપજ્યા હોવા અંગે ઘેર જાણ કરવામાં આવી ન હતી અને યુવાનોએ એક પણ વ્યક્તિ કંપામાં પ્રવેશે નહી તેની બપોર સુધી તકેદારી રાખી હતી.

ડેમનો ચોકીદાર ડેમની સાઇટ પર હતો

ચોકીદાર ડેમની સાઇટ પર રહે છે. જ્યાં ત્રણેય તરૂણો ડૂબ્યા તે જગ્યા ડેમમાં પાણી ઓસરતા ખૂલ્લી થયેલ જગ્યા હતી. જ્યાં સામાન્ય રીતે અવરજવર થતી હોય છે અને ચોકદાર તે સ્થળેથી દૂર સાઇડ પર હોય છે- જે.કે. પટેલ,અેસ.ઓ. ગુહાઇ યોજના

ત્રણેય વેકેશન માણવા વતનમાં આવ્યા હતા

કેશરપુરા કંપામાં બુધવારે સવારે બનેલી ગોઝારી ઘટનામાં મોતને ભેટનાર જય શૈલેશભાઇ પટેલ અને સહજ પરેશભાઇ પટેલ બંને હિંમતનગર રહેતા હતા અને વેકેશન માણવા દાદાના ઘેર આવ્યા હતા. જ્યારે મીત રમેશભાઇ પટેલ વિજયનગર તાલુકાના આંતરોલી કંપામાં રહેતો હતો અને ધો-10 ની પરીક્ષા આપ્યા બાદ વેકેશનમાં ફોઇબાના ઘેર અાવ્યો હતો.

શિક્ષણાધિકારી અગ્નિ સંસ્કારમાં હાજર રહ્યા

કેશરપુરા કંપામાં ત્રણ તરુણોના ડૂબી જવાથી કમનસીબ મોત નીપજવાની જાણ થતાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ ઉપાધ્યાય વિજયનગર તાલુકાના આંતરિક અગ્નિસંસ્કાર જઈ સંવેદના વ્યક્ત કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર