સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન પૂર્ણ થવાના આરે છે ત્યારે કોરોના સંક્રમણ નાથવા માટેના ત્રણ પ્રયાસોએ ચર્ચા જગાવી છે. એ પૈકી રાજસ્થાનમાં ભીલવાડામાં સંક્રમણ રોકવાના પ્રયાસો ભીલવાડા મોડેલ તરીકે જાણીતા છે. એ જ રીતે કેરળ રાજ્ય સરકારે પણ ભારે ચુસ્ત પગલાંઓ લઈને સંક્રમણ રોકવામાં સફળતા મેળવી છે. ઉત્તરપ્રદેશમાં આગરામાં યોગી સરકારે લીધેલા પગલાંઓની સરાહના સોશિયલ મીડિયા પર થઈ રહી હતી પરંતુ વળતાં દિવસે જ આગરામાં વધુ 35 કેસ નોંધાતાં આગરા મોડેલની હવા નીકળી ગઈ છે. જોકે કોરોના જેવી મહામારીમાં પણ આ ત્રણ મોડેલ રાજકીય હુંસાતુંસીનો વિષય બન્યા છે એ ખેદજનક છે. ખરેખર તો આ ત્રણેય પ્રયાસોના હકારાત્મક પાસાંઓનો અભ્યાસ કરીને તેનો અન્યત્ર પણ અમલ થાય એ વિશેષ જરૂરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
ભીલવાડા મોડેલઃ
માર્ચના બીજા સપ્તાહમાં રાજસ્થાનના ભીલવાડા ખાતે સંક્રમણની સંખ્યા બમણી થઈ એ સાથે પ્રશાસને તરત લોકડાઉનને કર્ફ્યૂમાં ફેરવી નાંખ્યું અને તેનો ચુસ્ત અમલ કરાવ્યો. સરકારે આરોગ્યકર્મીઓને 15000 ટીમમાં વહેંચીને ઘરે ઘરે મોકલ્યા તેમજ 18 લાખ લોકોની આરોગ્ય ચકાસણી કરી અને મોટા પ્રમાણમાં ટેસ્ટ શરૂ કરી દીધા. શંકાસ્પદ દર્દીઓને ચુસ્ત આઈસોલેશનમાં રાખી દેવામાં આવ્યા અને જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેમને પોલીસ પહેરા હેઠળ ક્વોરેન્ટીનમાં મૂકી દેવાયા. પરિણામે સંક્રમણનો ચેપ મર્યાદિત બની ગયો. સમગ્ર જિલ્લાની એટલી ચુસ્ત નાકાબંધી કરી દેવાઈ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મીડિયાકર્મીઓ કે સમાજસેવીઓ પણ પ્રવેશ ન કરી શકે. આટલી ચુસ્ત નાકાબંધીને લીધે સંક્રમણને બહારથી આવતું કે બહાર જતું રોકી દેવાયું. કર્ફ્યુના ચુસ્ત અમલના પરિણામે છેલ્લાં દસ દિવસથી ભીલવાડામાં સંક્રમણનો એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ અગાઉના પોઝિટિવ દર્દીઓ ક્રમશઃ સાજાં થઈ રહ્યા છે.
આગરા મોડેલઃ
માર્ચના બીજા સપ્તાહમાં જ એક સાથે 45 સંક્રમિત નોંધાતાં આગરા દેશનું સૌ પ્રથમ કોરોના હોટસ્પોટ બન્યું હતું. આગરા જિલ્લા પ્રશાસને તરત ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલાનો ચુસ્ત અમલ શરૂ કરી દીધો હતો. એ મુજબ, સંક્રમિત વિસ્તારને ઓળખીને તરત તેને લોકડાઉન કરી દેવાયો હતો. દેશમાં લોકડાઉન જાહેર થયું તેના એક અઠવાડિયા પહેલાં આગરામાં ચોક્કસ વિસ્તારોની ઘેરાબંધી કરી દેવાઈ હતી. સંક્રમિતોના સંપર્કમાં આવેલા તમામને તાત્કાલીક ક્વોરેન્ટીન પર મૂકીને આરોગ્ય ચકાસણી સઘન કરી દેવામાં આવી હતી. જેને લીધે શરૂઆતમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા, પરંતુ પછી સંક્રમણનો ફેલાવો અટકવા લાગ્યો. એક અઠવાડિયા સુધી આગરામાં એક પણ નવો કેસ ન નોંધાતા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે લવ અગ્રવાલે પણ આગરા મોડેલની નોંધ લીધી હતી. જોકે એ પછી એક જ દિવસમાં નવા 35 કેસ નોંધાતા આગરા મોડેલની સફળતા સામે નવેસરથી પ્રશ્નાર્થ મૂકાયો છે.
કેરળ મોડેલઃ
ખાડી દેશોમાં મોટા પ્રમાણમાં સંપર્ક ધરાવતું કેરળ વારંવાર સંક્રમણનું ભોગ બનતું રહે છે. અગાઉ ઝિકા અને નીપાહ વાયરસ વખતે પણ અહીં ગંભીર અસરો થઈ હતી. જેને લીધે સ્થાનિક આરોગ્ય વિભાગ અને પ્રશાસન સંક્રમિત રોગચાળાનો સામનો કરવા ટેવાયેલું છે, જેનો કોરોનામાં સારો એવો ફાયદો મળ્યો છે. દેશભરમાં કોરોના સંક્રમણના ફેલાવાની શરૂઆત થઈ ત્યારે આરંભે કેરળ સૌથી ટોચ પર હતું અને કેરળમાં સંક્રમણ ફેલાવાનો દર પણ ખાસ્સો ઊંચો હતો. જોકે કેરળે આરંભથી જ 3T (ટ્રેસિંગ, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ) ફોર્મ્યુલાનો કડકાઈભર્યો અમલ શરૂ કરી દીધો હતો. જે કોરોના સંક્રમણને રોકવા કેરળે રાજ્યમાં પ્રવેશવાના કડક નિયમો લાગુ કરી દીધા. લોકડાઉન લાગુ કરનાર દેશનું સૌ પ્રથમ રાજ્ય બન્યું. હવાઈમથકો, રેલવે સ્ટેશન પર જ આરોગ્ય ચકાસણીની વ્યવસ્થા ઊભી કરી શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને અલગ તારવી લીધા. મોર ટેસ્ટ, મોર કેસની નીતિને લીધે કેરળમાં આરંભે મોટી સંખ્યામાં કેસ નોંધાયા, પરંતુ તેને લીધે સંક્રમિતોને અલગ પાડવાનું શક્ય બન્યું અને અન્યને ચેપ લાગતો રોકી શકાય. WHOના માપદંડો અનુસાર પણ આ નીતિ સૌથી વધુ કારગત મનાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..