કોરોનાથી બચવા માટે ફરજિયાત ઘરબંધી એકમાત્ર હાથવગો ઉપાય.. સ્વૈચ્છિક લૉકડાઉન તાતી જરૂરિયાત…. શહેરમાં સંક્રમિત વિસ્તારો વધી રહ્યા છે, નગરજનો પોતાની જાતે ઘરમાં બંધ નહીં થાય તો ભયાનક સ્થિતિ સર્જાશે
કોવિડ-૧૯ના સત્તાવાર સરકારી આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત દિવસે દિવસે જંગી સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.. કોરોનાના પેથોલોજીકલ ટેસ્ટની મર્યાદિત સંખ્યા સામે સિટીસ્કેનથી કોરોનાની સંભાવના તપાસવાના વધતા ચલણે પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો વિસ્ફોટ કરી દીધો.. શહેરના દવાખાનાઓમાં જગ્યા તો નથી જ સાથે કોરોનાની સારવારમાં જીવનરક્ષક મનાતા ઈન્જેક્શનની પણ તીવ્ર અછત કોઈથી અજાણી નથી.. સરકારી તંત્ર તેની સર્વોચ્ચ ક્ષમતાએ હાંફી રહ્યું હોવા છતાં કોરોના સંબંધિત સારવાર અને તકેદારીના મુદ્દે વામણાંથી નાનું પૂરવાર થઈ રહ્યું છે.. સત્તાવાર લૉકડાઉનની જાહેરાત સરકાર કરે કે ન કરે, જીવ આપણો છે અને આપણે બચાવવાનો છે.. હવે તો સારવાર આપનારા તબીબો અને નર્િંસગ સ્ટાફ સ્વયં કોરોનાગ્રસ્ત થઈ સારવારના બિછાને પટકાઈ રહ્યો છે.. ‘સંદેશ’ માટે નગરજનોની સલામતી આજે સર્વોચ્ચ પ્રાથમિક્તા છે અને એટલે જ આપ સૌને પૂર્ણ સંયમ સાથે પોતાના ઘરમાં સલામત થઈ જવા અનુરોધ છે.. આપની સાથે અમને નિસબત છે, કારણ અમે આપ સૌથી જ ઉજળા છીએ..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કોરોના સંક્રમિત વિસ્તારોમાં વધારો થતાં પંદર લાખથી વધુ વસ્તીને ઘરમાં જ રહેવું પડે એવી સ્થિતિ ઉદ્ભવી છે. કેસોમાં મોટો વધારો થતા હીરા અને કાપડ ઉદ્યોગમાં સ્વૈચ્છિક લૉકડાઉનની સ્થિતિ છે. કોરોના ઉપર કાબૂ મેળવવા માટે બેંગ્લોર, પૂના, પટના, ગૌહત્તી, તિરુવનંતપુરમ, મદુરાઇ જેવા શહેરોમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરાયું છે. સુરતમાં લોકો સ્વૌચ્છિક લૉકડાઉન પાળી સ્થિતિને વણસતી રોકી શકે એમ છે.
પાલિકા કમિશનરે આજે જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં સંક્રમણ ખૂબ જ વધારે છે. વરાછા, સરથાણા, પૂણા, યોગીચોક, કારગીલ ચોક, કરંજ, બોમ્બે માર્કેટ, સિંગણપોર, અમરોલી, છાપરાભાઠા, ડભોલી, પાલ, પાલનપુર પાટિયા, અડાજણ, સલાબતપુરા, ભાગળ, ચોકબજાર, સોનીફળિયા, ગોપીપુરા, નાનપુરા, ડિંડોલી, ઉધના, પાંડેસરા, ભટાર તમામ વિસ્તારમાં લોકો ખૂબ કાળજી લે. અહીં લોકો પોતાના ઘરે જ રહે.
પાલિકા કમિશનરે જે વિસ્તારોમાં સૌથી વધુ સંક્રમણ હોવાનું કહ્યુ છે ત્યાં શહેરની પંદર લાખથી વધુ લોકો વસવાટ કરે છે. પંદર લાખ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે ત્યારે સુરતમાં સંપૂર્ણ લૉકડાઉનની માંગણી ઊઠી રહી છે. વરાછા, સરથાણા, કતારગામ, સેન્ટ્રલ ઝોન, રાંદેર ઝોન અને અઠવા ઝોનમાં સ્થિતિ બગડી રહી છે. આ વિસ્તારોમાં સંક્રમણને કાબૂમાં રાખવા એકથી બે સપ્તાહનું સંપૂર્ણ લૉકડાઉન આવશ્યક હોવાનો સૂર પાલિકાના અધિકારીઓે વ્યકત કરી રહ્યા છે. કોરોના વોરિયર્સ દ્વારા અપાયેલી આ ચેતવણી શહેર માટે સૂચક છે. તંત્રએ જે કરવાનું છે એ કરશે જ. પરંતુ આપણે એક આદર્શ નાગરિક તરીકે શહેરની ચિંતા કરીએ. સ્વૈચ્છિક લૉકડાઉન એ આપણાં હાથવગો અને અક્સીર ઇલાજ છે.
કોરોના કાબૂ કરવો એ શહેરીજનોના હાથમાં
કોરોના સંક્રમણને લઇ શહેરની સ્થિતિ નાજુક બની છે. શહેરમાં એવો કોઇ વ્યક્તિ નહીં હશે કે જેનો પરિચિત, મિત્ર કે સંબંધી કોરોના સંક્રમિત થયો ન હોય. આ સ્થિતિ કાબૂમાં કરવી એ શહેરીજનોના હાથમાં છે. આપણે માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ તો પણ આ દિશામાં મોટું યોગદાન ગણાશે. હું એ પણ અપીલ કરીશ કે ખૂબ જ અગત્યના કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો. મહામારીની સ્થિતિમાં વેપારી, ઉદ્યોગકારોએ સંયમિત થવા, શહેરીજનોએ સાવચેત રહેવાની જરૂર છે. સ્વૈચ્છિક લૉકડાઉન કોરોનાને ફેલાતો અટકાવવા અક્સીર ઇલાજ સાબિત થાય એમ છે.
– અશોક કાનુંગો, ઉદ્યોગપતિ
જિંદગીથી મૂલ્યવાન કશું જ નથી
જાન-માલની ખુંવારી સર્જી ચૂકેલા કોરોના હાલ દક્ષિણ ગુજરાતમાં પીક ઉપર છે. આ સાવચેતી રાખવાનો સમય છે. પોતાની સાથે પરિવાર અને પડોશીઓની સંભાળ અતિ આવશ્યક થઇ પડે છે. કોઇપણ કામ માનવની જિંદગીથી મૂલ્યવાન કે મહત્ત્વનું હોય શકે નહી. આપણે ઘરમાં રહીએ, કાળજીએ રાખીએ, સરકારે જાહેર કરેલી કોવિડ ગાઇડલાઇનનું પાલન કરીએ અને કરાવીએ. તંત્ર ગમે તેટલું ઇચ્છે તો પણ બધે પહોંચી શકવાનું નથી. જાન હૈ તો જહાન હૈ એ નાતે સલામત રહીશું તો બધું જ કરી શકીશું. આવતીકાલ આપણી જ છે, પરંતુ જો આજને સાચવી લઇશું તો.
– મુકેશ પટેલ ( હિન્દવા ગ્રૂપ)
કોરોનાને લઈ શહેરમાં સ્થિતિ ખૂબ નાજુક
કોરોનાને લઈ ક્યારેય જોઇ ન હોય એવી સ્થિતિ શહેરમાં સર્જાય ચૂકી છે. હોસ્પિટલ્સમાં જગ્યા નથી. સારવાર માટે ઇંજેક્શન ખૂટી પડ્યા છે. આ એવો કાળ કે સ્થિતિ છે કે જેને સરકાર નહીં પણ જનતા જ કંટ્રોલ કરી શકે એમ છે. દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન રાખે તો શહેરઆખું સચવાઇ જાય. આપણે નિયમિત હાથ ધોઇએ. સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ. માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ. આ બધા સાથે સૌથી મહત્ત્વનું ભીડભાડ હોય એવી જગ્યાએ જવાનું ટાળીએ. શહેરમાં હાલની સ્થિતિ લૉકડાઉનના સ્વૈચ્છિક અને સખત અમલીકરણની છે. આપ ભલા તો જગ ભલા એ ન્યાયે આપણે ઘરમાં જ રહીએ.
– ડૉ. જીગર બાબરિયા
સરકારે જ લૉકડાઉન અમલી બનાવવાની જરૂર
વકરતી જતી સ્થિતિમાં શહેરજનો ચિંતામાં મૂકાયા છે. શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને પૂરતી સારવારની સુવિધા તથા દવાના ઇંજેકશન ઉપ્લબ્ધ નથી. આ સ્થિતિમાં શહેરીજનો ભયભીત બને અને સાવચેતી રાખે તે સ્વાભાવિક છે. સરકાર દ્વારા કોઇ પગલા ભરવામાં આવી નથી રહ્યા ત્યારે લોકો દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉન શરૂ કરવામાં આવ્યુ છે. જે આવકાર્ય છે. પરંતુ, હકિકતમાં વકરતી જતી સ્થિતિમાં સરકારે જ એકશનમાં આવી એક સપ્તાહ કે ટૂંકાગાળા માટે લૉકડાઉન અમલી બનાવવાની આવશ્યક્તા છે. સરકાર આ દિશામાં કંઈ કરે કે ન કરે પરંતુ આપણે તો કરી જ શકીએ. બહાર જવાનું ટાળીએ.
– વિરેશ રૂદલાલ, સીએ
ગીચ સ્થળે સંક્રમણ અટકાવવો મુશ્કેલ
શહેરમાં અનલૉક બાદ જાહેર સ્થળોએ ગતિવિધિ અચાનક વધી જતા કોરોનાના કેસનુ પ્રમાણ અનેકગણું વધી ગયુ છે. સ્થિતિ એ હદે બગડી છે કે, લોકોને સારવારમાં મુશ્કેલી નડી રહી છે. આ તબક્કે સંક્રમણને અટકાવવા માટે આવશ્યક પગલા ભરવા જોઇએ. ખાસ કરીને વધુ ગીચતા છે ત્યાં ટૂંકાગાળાના લૉકડડાઉનનો વિચાર આવકાર્ય છે. હાલમાં વિવિધ માર્કેટ તથા દુકાનોમાં સ્વૈચ્છિક રાહે લૉકડાઉન અમલી બનાવવામાં આવી રહ્યું છે. જે હિતાવહ છે. જો કે, એ બાબત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, આ પ્રકારના પગલા ટૂંકાગાળાના હોવા જોઇએ નહિ કે લાંબાગાળાના! જેથી કરીને આરોગ્ય અને અર્થતંત્ર બંને વચ્ચે તાલમેલ જાળવી શકાય.
– કમલવિજય તુલશ્યાન, ઉદ્યોગપતિ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..