ગુજરાત સરકાર માટે લાજી મરવા જેવી સ્થિતિ, ‘કોરોનાના સમયમાં શાળા સંચાલકો બિનધાસ્ત ફીનો ઉઘરાવવાનો પરવાનો માગે છે, ત્યારે સરકાર ખોળે બેઠી’

ગુજરાતમાં સરકારે જે પ્રકારે ખાનગી સ્કૂલોના ખોળે બેસી હંમેશા વાલીઓ-વિદ્યાર્થીઓના હિતનો દેખાડો કરી માત્ર ખાનગી સ્કૂલોને જ બખ્ખાં કરાવવાનું વલણ દાખવ્યું છે તેમાં સરકારનું આવું વધુ એક વલણ ઉઘાડું પડી ગયું છે. પડોશી રાજસ્થાને કોરોનાના સમયમાં સ્કૂલો ચાલુ ન હોવા છતાં બેફામ ફી ઉઘરાવતી સ્કૂલોને તમાચારૂપે જ્યાં સુધી સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી વાલીઓ પાસેથી ફૂટી કોડી પણ નહીં ઉઘરાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે ગુજરાત સરકાર માટે લાજી મરવા જેવું એ છે કે, રાજ્યના શિક્ષણ મંત્રીએ હળવા સાદે ખાનગી સ્કૂલોના પડખે બેસી વાલીઓને તેમની અનુકૂળતાએ ફી ભરવા કહી દીધું છે. પણ કોરોનાની મહામારી વચ્ચે નાણાકીય મુશ્કેલી અને સામે સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ જવાનું જ ન હોવા છતાં તેમની ફી ઉઘરાવવા પર રોક લગાવવાની ગુજરાત સરકારને કોઈ દરકાર જ નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સરકારની સંચાલકોને ખોળે બેસી જવાની આદતનો પુરાવો ખુદ સંચાલક મંડળે આપી દીધો છે. જે પ્રકારે અમદાવાદના ખાનગી શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને એવો પત્ર લખ્યો છે કે, વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાની તેમને છૂટ મળે તે માટે સરકારે મદદ કરવી, તે જોતાં સ્પષ્ટ થાય છે કે, જો સરકાર તેમની જ તરફદારી કરતી ન હોત તો સંચાલકોને આવી હિંમત જ આવી ન હોત.

વાલીઓ-વિદ્યાર્થીઓના હિતની માત્ર ખોખલી વાતો કરતી આ સરકારે જે પ્રકારે ફી નિર્ધારણના નામે સંચાલકોને બખ્ખાં કરાવી દીધા અને હજુ પણ બેફામ ફી ઉઘરાવતા સંચાલકો સામે ઊંચી આંખ કરીને જોવાની શિક્ષણ વિભાગની હિંમત નથી ચાલતી તે જોતાં સંચાલકો બેધડક સરકારને બેફામ ફી ઉઘરાણામાં મદદ કરવા કહી શકે તે બહુ જ સ્વાભાવિક માનવામાં આવી રહ્યું છે. આમાં, વાલીઓ તો ત્રણે બાજુથી પીસાય છે.

કોરોના મહામારીમાં આર્થિક સ્થિતિ નાજુકથી નબળી બનતી જાય છે. સંતાનોની સ્કૂલો હજુ શરૂ નથી થઈ તેમ છતાં ખાનગી સ્કૂલો જુદા જુદા બહાને, તરકીબો કરી નિયમિત અને ઊંચી ફી ઉઘરાવવા જાણે બ્લેકમેલ કરી રહી છે. સરકાર સમક્ષ રજૂઆતો બહેરા કાને અથડાય છે અને આ બેફામ અન્યાયની સામે બહાર આવી આંદોલન કરવા ઈચ્છે તો પોલીસ કાર્યવાહીની સાથે કોરોનાગ્રસ્ત થવાનું ય જોખમ મંડરાયેલું રહે છે. છતાં, ભાજપની રાજ્ય સરકારના પેટનું પાણી ય નથી હાલતું અને શરમ નેવે મુકી સંચાલકોને થાબડભાણાં કરી રહી છે તે અંગે શિક્ષણ જગત અને વાલીઓમાં હતાશા વ્યાપી છે.


સ્કૂલો બંધ છે ત્યાં સુધી ફી પણ નહીં : રાજસ્થાન સરકાર

તાજેતરમાં રાજસ્થાનના શિક્ષણમંત્રી ગોવિંદસિંહ ડેટાસરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં તેઓ સંચાલકોને જણાવે છે કે, અભ્યાસક્રમની ખબર નથી, સ્કૂલ ક્યારથી ખૂલશે તેની કોઈ ખબર નથી, તો તમે ફી કઈ બાબતની માગી રહ્યાં છે. આમ રાજસ્થાન સરકાર દ્વારા સ્પષ્ટ રીતે સંચાલકોને જ્યાં સુધી સ્કૂલો શરૂ ના થાય ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવાની સૂચના આપી દીધી છે.

ફી ઉઘરાવવાનો પરવાનો આપતો પરિપત્ર કરો : સંચાલકોનું સરકાર પર દબાણ

ગુજરાત રાજ્યા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે બે દિવસ પહેલાં વાલીઓને ફીમાં રાહત થાય તેવી સહાનુભૂતિ દાખવતી જાહેરાત કરી હતી. બીજી તરફ અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા વાલીઓ પાસેથી સંપૂર્ણ ફી ઉઘરાવી શકાય તેના માટે સરકાર પાસે મદદ માગવાના શબ્દો મારફતે પરોક્ષપણે દબાણ જ કર્યું છે. શિક્ષણ મંત્રીને લખેલા પત્રમાં એવી માગ કરી છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ની માર્ચ પહેલાની બાકી ફી ચુકવણી કરવા બાબત તથા લોકડાઉન દરમિયાનના સમયની એટલે કે, માર્ચથી મે સુધીની ફી ચુકવણી અંગે સ્પષ્ટતા કરતો પરિપત્ર તાત્કાલિક ધોરણે કરી લોકોમાં પ્રવર્તતી ગેરસમજણો દૂર કરવામાં આવે. ઉપરાંત ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં શાળાઓ વિદ્યાર્થીઓની હાજરી વગર પણ શૈક્ષણિક કાર્ય કરી રહી છે તો જૂન-૨૦૨૦થી માસિક ફી લેવા અંગે પણ લેખિત આદેશ કરવામાં આવે.

ફીના મુદ્દે ભાજપના પૂર્વ MLAની શાળાએ ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું

ભાજપનાં પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિની વડોદરામાં સી.કે.વિદ્યાલય નામની સ્કૂલ છે. વાલીઓ પાસે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વસૂલવા આ સ્કૂલ મનમાની કરી રહી છે. સ્કૂલે વાલીઓને ચીમકી આપી હતી કે, જેટલી મોડી ફી ભરશો એટલી વધારે ભરવી પડશે. વિદ્યાર્થીઓને પરિણામની બીક પણ બતાવી હતી. વાલીઓએ ફી ના ભરી તો સી.કે.પ્રજાપતિ વિદ્યાલયે ઓનલાઇન શિક્ષણ પણ બંધ કરી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો