કોરોના વાયરસની સંક્રમણની ચેઇન તોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ઘણા લોકો પોતાના વતન ચાલ્યા ગયા છે પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકો જે જગ્યા પર છે તેમને ત્યાં જ રહેવાનું સુચના આપવામાં આવતા રોજનું કમાઈને પોતાના પરિવારનું પેટીયું રળતા ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જેથી આવા ગરીબ લોકોની મદદે કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો આવ્યા છે. આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે, જેમને ગરીબ લોકોની મદદ કરવા માટે તેમની પાસે રહેલા દાગીના ગીરવે મૂકીને પૈસા લીધા અને ત્યારબાદ ગરીબ લોકોને પૈસા અને અનાજ આપી તેમની મદદ કરી હતી.
રિપોર્ટ અનુસાર મહુવા તાલુકાના તાવેડા ગામમાં 3500 લોકો વસવાટ કરે છે. ગામમાં રહેતા મોટાભાગના લોકો મજૂરી કામ સાથે સંકળાયેલા છે. કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, તેથી ગામના ગરીબ લોકો મજૂરી કામ કરવા જઇ શકતા નથી અને પોતાના પરિવારનું પેટ ભરી શકતા નથી. આર્થિક સંકટની ઘડીમાં ગામના સરપંચ દાનુભાઈ આયરને ગરીબ લોકોની ચિંતા થવા લાગી હતી તેથી તેમને મનોમન ગરીબ લોકોની મદદ કરવાનો વિચાર કર્યો હતો
દાનુભાઈ આયરને ગરીબ લોકોની મદદ કરવા માટે પૈસાની જરૂર હતી પરંતુ તેમની પાસે હાથ પર પૈસા ન હતા. પૈસા મેળવવા માટે તેમને પોતાના પરિવાર પાસે રહેલા દાગીના બેંકમાં ગીરવે મુકયા હતા અને સાડા નવ લાખની લોન લીધી હતી. ઘરેણા ગીરવે મૂકીને લોન લીધા બાદ જે પૈસા આવ્યા તે પૈસાનું કરિયાણું લઇને ગરીબ લોકોને આપ્યુ હતું અને આ ઉપરાંત ગામમાં ગરીબ લોકોને 1,000થી લઈને 5,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પણ પૂરી પાડી હતી. સરપંચનું ઉમદા કામ જોઇને ગામના લોકોએ તેમની સરાહના કરી હતી.
ગરીબ લોકોની મદદ કરવા બાબતે દાનુભાઈ આયરનું કહેવું છે કે, મેં મારા તમામ ઘરેણા ગીરવે મુકયા છે અને તેના બદલામાં સાડા નવ લાખ રૂપિયા આવ્યા તેમાંથી અનાજ અને ગરીબ લોકોને રોકડ સહાય આપી છે. મારો એક નિયમ છે કે, ગામનો કોઇ પણ વ્યક્તિ ભૂખે ન ઊંઘે. આપણે જીવતા રહીશું તો ફરીથી ઘરેણા બનાવી લેશુ.
ગામના લોકોએ જણાવ્યું હતું કે અમારા કામ ધંધા બંધ થઈ ગયા હોવાથી અમારા ઘરમાં ખાવા માટે અનાજ પણ ખૂટવા આવ્યુ હતું. અમારા ગામના સરપંચે અમને બધાને અત્યારે નિભાવી રહ્યા છે. આ ઉપરાંત અમને અનાજની અને રોકડની સહાય પણ કરે છે, જેથી અમે તેમનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ.
આમ પણ સૌરાષ્ટ્રને સંત, સુરા અને દાતાઓની ભૂમિ કહેવામાં આવે છે. અહીં તમને કોઈ ભૂખ્યા સુવા નથી દેતું. ત્યારે મહુવાના આ સરપંચે સૌરાષ્ટ્રની કહેવતને યથાર્થ ઠેરવી છે. તેમણે માનવ સેવાની જે સુવાસ પ્રસરાવી છે કે તમામ લોકો કહી રહ્યા છે કે સરપંચ હોય તો દાનુભાઈ જેવો. અહીં ખાસ નોંધવી રહ્યું કે દાનુભાઈએ વિનંતી કરી હતી કે તેમના આ કાર્યની કોઈ પ્રશંસા ન કરવામાં આવે પરંતુ અન્ય લોકોને પણ આનાથી પ્રેરણા મળી રહે તેવા ઉદેશ્ય સાથે અમે દાનુભાઈની વાત તમારા સુધી પહોંચાડી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..