લોકડાઉન દરમિયાન ભુખ્યાને ભોજન કરાવવામાં પાલિકાએ સામાજિક સંસ્થાઓની મદદ લીધી હતી. સાથે જ કોન્ટ્રાક્ટ કરીને ખાનગી કેટરર્સ સહિતનાને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટમાં કોને કેટલું ક્યારે અને ક્યાં જમાડવું તે પણ જે કોન્ટ્રાક્ટર પર જ ઢોળી દેવામાં આવ્યું હોય તેમ જમાડી દેવાયાના આંકડા પ્રસિધ્ધ થતાં હતાં. લોકડાઉન બાદ અનલોકમાં પાલિકાએ કોન્ટ્રાક્ટરોને ચૂકવણા શરૂ કરી દીધા હતાં. અંદરખાને બધુ પતી ગયું હતું. પરંતુ RTI એક્ટિવિસ્ટ અને કોંગ્રેસ કાર્યકર કલ્પેશ બારોટે સમગ્ર આંકડા માંગતા પાલિકાએ આંકડાઓ તો જાહેર કર્યા, પરંતુ ક્યા આધારે રૂપિયા આપ્યા તેની વિગતો જાહેર કરી નથી. જેથી અંદર ખાને મિલિભગતથી વ્યવહાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. કોન્ટ્રાક્ટરો કહી રહ્યા છે કે અમને જે પ્રમાણે વર્ક ઓર્ડર મળ્યો તે પ્રમાણે અમે લોકોને જમાડ્યાં છે.
પાલિકાએ કોને કેટલા ચૂકવ્યાં
| એજન્સી | ડિશ | ચૂકવાયેલા રૂપિયા |
| સાંઈ હોસ્પિટાલિટી | 230200 | 4604000 |
| અક્ષયપાત્ર ફાઉન્ડેશન | 1076733 | 21534660 |
| ક્રિશ કેટર્સ | 85700 | 17144000 |
| ટેસ્ટી ખમણ | 68450 | 1369000 |
| ખુશ્બુ કેટર્સ | 48362 | 967250 |
| જયશ્રી ત્રિવેદી | 46000 | 920000 |
| વિશાલ કેટર્સ | 34500 | 690000 |
| જે.આર.એન્ટરપ્રાઈઝ | 18525 | 370511 |
| પુરોહિત થાળી | 12125 | 242500 |
| આર ઝેડ એન્ડ કેકે | 10000 | 200000 |
પાલિકાએ અમને કોન્ટ્રેક્ટ આપ્યો હતો
RTIમાં જેમને રૂપિયા ચૂકવાયા છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં જયશ્રીબેન ત્રિવેદી કેટર્સમાંથી વિશાલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમને કોન્ટ્રેક્ટ મળ્યો હતો. પાલિકા દ્વારા જમાડવા માટે અમને 20 રૂપિયા પર પ્લેટ આપવાનો કોન્ટ્રાક્ટ હતો. અમે પાલિકાએ જે પ્રમાણે અને જ્યાં જમાડવા કહ્યું હતું ત્યાં અમે શ્રમિક લોકોને જમાડતા હતાં. અમે અમારી રીતે પણ જમાડ્યા છે. જો કે એ બિલ અમે પાલિકામાં મુક્યા નથી.
સંસ્થાઓ ન પહોંચી શકતા ઓર્ડર મળેલા
બીએમ કેટર્સના ભૂપેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા કોઈ ભૂખ્યુ ન સૂવે લોકડાઉનમાં તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સંસ્થાઓએ પણ સારી કામગીરી કરી હતી. પરંતુ જ્યાં સંસ્થાઓ કે અક્ષયપાત્ર પણ સુવિધા નહોતું આપી શકતું ત્યાં અમારી સેવા લેવામાં આવી હતી. અમને 20 રૂપિયાની પ્લેટના હિસાબે કોન્ટ્રેક્ટ મળ્યો હતો. મહિનાનો કે પછી જરૂરીયાત પ્રમાણે કોન્ટ્રેક્ટ મળતો. અમે એ જ રીતે સેવા કરી છે.
રૂપિયા આપતી વખતે ઓડિટ જ થયું નથી-એક્ટિવિસ્ટ
કોંગ્રેસી કાર્યકર અને RTI કરનાર ક્લ્પેશ બારોટે કહ્યું કે, રૂપિયા ચૂકવી દેવામાં આવ્યાં છે. લોકો જમી ગયા પરંતુ ઓડિટ કઈ રીતે થયું. લોકોને જમાડ્યા તેનો હિસાબ કોણે રાખ્યો. દલા તરવાડીની જેમ કોન્ટ્રેક્ટને જ આધાર બનાવીને રૂપિયા આપવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. RTIના જવાબમાં પણ પાલિકાએ અડધો જ જવાબ આપ્યો છે. બધી વિગતો જાહેર કરી નથી. જેથી આગામી સમયમાં યોગ્ય તપાસ થાય તે માટે અમે વિજિલન્સમાં પણ જઈશું અને હાઈકોર્ટમાં પણ આ મુદ્દે લડવાની અમારી તૈયારી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..