અપૂરતા વરસાદના કારણે કચ્છના ખેડૂતો – પશુપાલકોની દયનીય સ્થિતિ સામે સુરતના ખેડૂતોનો સેવાયજ્ઞ, દરરોજ મોકલશે 2 હજાર કિલો ઘાસ

અપૂરતા વરસાદના કારણે જગતનો તાત લાચાર છે. તેમાં પણ કચ્છના ખેડૂતો-પશુપાલકોની સ્થિતિ ખૂબ દયનીય છે. પાણી અને ઘાસની તંગી સર્જાતાં કચ્છમાંથી પશુપાલકો 7 હજાર પશુઓને લઈ અમદાવાદ નજીક સાણંદ ખાતે પહોંચ્યા છે. ત્યાં ઘાસની તંગી હોવાની જાણ દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણીઓને થઈ હતી. આથી ખેડૂત સમાજના એક પ્રતિનિધિ મંડળે ત્યાં જઈ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. બાદ ખેડૂત સમાજે સુરતમાં બેઠક કરી જેમાં પ્રતિદિન બે હજાર કિલો ઘાસ સુરતથી સાણંદ મોકલવાનો અનુકરણીય અને આવકારદાયી નિર્ણય લેવાયો હતો.

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે (દેલાડ) કહ્યું કે, સાણંદમાં કચ્છના પશુપાલકોની સ્થિતિ ગંભીર છે. પરિણામે ત્રણ દિવસ પૂર્વે ખેડૂત સમાજનું એક પ્રતિનિધિ મંડળ સાણંદ પહોંચ્યું હતું. ત્યાં માલધારીઓને મળી તેમની મુશ્કેલી જાણી હતી. શુક્રવારે સવારે જહાંગીરપુરા જિન ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે જ્યાં સુધી વરસાદનું આગમન ન થાય ત્યાં સુધી દરરોજ 2000 કિલો ઘાસ સુરતથી સાણંદ મોકલવું.

કચ્છના 7 હજાર પશુઓ માટે સુરતથી ખેડૂતો દરરોજ 2 હજાર કિલો ઘાસ સાણંદ મોકલશે

આ નિર્ણયમાં પ્રત્યેક ખેડૂતે પોતાનો સૂર પૂરાવ્યો હતો. આ બેઠકમાં હાજર 200 જેટલા ખેડૂતોએ ફંડ એકત્ર કરવાનો પણ પ્રારંભ કરી દીધો હતો. જેમાં રોકડા રૂ. બે લાખ એકત્ર થયા. એ ઉપરાંત ખેડૂતોએ ઘાસ, શેરડી આપવાની નોંધ પણ કરાવી છે. એટલે કે કોઈ ખેડૂત એક ટ્રક શેરડી કે ઘાસ દાનમાં આપશે, કોઈ વ્યક્તિ સેવામાં ટ્રેક્ટર આપશે. આ બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલ, પૂર્વ ધારાસભ્ય ધનસુખ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય દર્શન દેસાઈ સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાયજ્ઞમાં હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકનો સિંહફાળો રહ્યો છે.

આજથી જ ઘાસ ભરીને એક ટ્રક રવાના થઈ જશે

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કહ્યું કે પશુઓને ઘાસની આવશ્યકતા હોવાથી વ્યવસ્થા તા. 18મી ને શનિવારથી જ કાર્યરત થાય તે માટેની તૈયારી થઈ ચૂકી છે. શનિવારથી દરરોજ એક ટ્રક ઘાસ સુરતથી સાણંદ મોકલવામાં આવશે. જેનો પ્રતિદિન આશરે રૂ. 60થી 70 હજારનો ખર્ચ થશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો