સાપુતારા પ્રવાસે જતી અંક્લેશ્વરની સ્કૂલ બસ ચીખલી પાસે પલટી, બસમાં 57 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, 23 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, 3ની હાલત ગંભીર

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં સવારે ચાર વાગ્યા આસપાસ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5ઃ30 વાગ્યા આસપાસ ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરિપત્ર પ્રમાણે બસ સવારે છ વાગ્યા બાદ નીકળવી જોઈતી હતી જો કે પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, એક દિવસનો પ્રવાસ હોય વાલીઓની મંજૂરી સાથે તેઓ નીકળ્યાં હતાં.

એક દિવસના પ્રવાસે જવાનું હોવાથી વહેલા નીકળેલા-આચાર્ય

સ્કૂલના આચાર્ય રમણભાઈ ગોહિલએ જણાવ્યું હતું કે, આરટીઓ, શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયત, પોલીસ સહિતની જરૂરી પરમીશન લઈને નીકળ્યાં હતાં. એક જ દિવસના પ્રવાસે જવાનું હોવાથી અમે વાલીઓની પરમીશન લઈને સવારે થોડી વહેલી બસ ઉપાડી હતી. કુલ 54 વિદ્યાર્થીઓ સાથે નીકળ્યાં હતાં. આ દરમિયાન વળાંકમાં કોઈ વાહન આવ્યું કે શું થયું એ અમે ઊંઘમાં હોવાથી ખબર ન રહી અને બસ પલટી મારી ગઈ પછી તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને અન્ય બસની વ્યવસ્થા કરીને તમામને ઘર તરફ મોકલી દેવામાં આવ્યાં છે. મોટાભાગના વિદ્યાર્થીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જ્યારે ત્રણેક વિદ્યાર્થીઓને ફ્રેક્ચર થયા છે.

બે વર્ષ પહેલા લીધેલી બસનું ફિટનેસ સર્ટી હતું- બસ માલિક

સ્કૂલના પ્રવાસે ગયેલી બસના માલિક ગજેન્દ્રસિંગે જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ જ 2010ના મોડલની બસ લીધી હતી. સ્કૂલ બસનો પ્રવાસ ઉપાડી સાપુતારા જતા હતા અવનિશ નામનો ડ્રાઈવર બસ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન રાનકુંવાથી વાંસદા રોડ પર અચાનક ફોર વ્હિલવાળો વળાંકમાં આવી ગયો હતો. તેને બચાવવા જતાં બસ અચાનક થાંભલા સાથે અથડાઈને ઊંધી વળી ગઈ હતી. હું ડ્રાઈવરની બાજુમાં હતો અને મને હાથ અને પગે ઈજાઓ થતાં ચીખલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

બસમાં ધોરણ 4થી 8ના વિદ્યાર્થીઓ સવાર હતા

મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના અમૃતપુરામાં જિલ્લા પંચાયતશિક્ષણ સિમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે. ધોરણ 4થી 8ના વિદ્યાર્થીઓના સાપુતારા પ્રવાસના આયોજનને લઈને આજે વહેલી સવારે મળસ્કે 4 વાગ્યે 54વિદ્યાર્થી અને શિક્ષકો રાધે ક્રિષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસ(GJ-01-BV-9593)માં અંકલેશ્વરથી નીકળ્યા હતા. દરમિયાન સવારે 5ઃ30 વાગ્યે ચીખલી નજીક રાનકૂવાથી વાંસદા રોડ પર કુકેરીચકરીયા ગામનજીક સ્કૂલ પ્રવાસની બસ પલટી મારી ગઈ હતી. પ્રવાસી બસને અકસ્માત નડતા રોડ વિદ્યાર્થીઓની ચીચયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો.

ચાર લોકોશેનની 108 દ્વારા કામગીરી કરાઈ

લક્ઝરી બસ પલટી મારી જતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ 108ને જાણ કરી વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન અનાવલ, ચીખલી, કાંકલ, લીમઝર લોકેશનના 108ના ઈએમટી-પાયલોટ દોડી આવ્યા હતા અને 23 જેટલા ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે ચીખલી અને નવસારીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે પૈકી ત્રણની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન વધુ ત્રણની તબિયત લથડતા સુરત સિવિલ ખસેડ્યા હતા.

ફર્સ્ટ પર્સનઃ બસ રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો

ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક લક્ઝરી બસ સ્પીડમાં પસાર થઈ હતી. ત્યારબાદ અચાનક રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો હતો. હું દોડી ને ગયો તો બાળકોની ચીચયારી સંભળાતી હતી. તાત્કાલિક 108ને જાણ કરી પલટી ખાય ગયેલી લકઝરી બસમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બીજા લોકો પણ મદદે આવી ગયા હતા. તમામ બાળકો અને વડીલોને બહાર કાઢી 108ની મદદથી સારવાર માટે રીફર કર્યા હતા. લક્ઝરી બસમાં 54બાળકો હતા જેમાં 23ને ગંભીર ઇજા થઇ હતી. જેમાં 3-4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

વળાંક ડ્રાઈવરના ધ્યાનમાં નહીં આવ્યો હોય- સ્થાનિક

રમણભાઈ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, કુકેરીચકરીયા નજીક જ્યાં સ્કૂલના પ્રવાસની બસ પલટી મારી ગઈ છે તે જગ્યાએ ભયજનક વળાંક આવેલો છે. કદાચ ડ્રાઈવરના ધ્યાનમાં આ વળાંક ન આવ્યો હોય અને બસ પલટી મારી ગઈ હોય તેમ લાગે છે.

અમે ઊંઘમાં હતા અને ભારે અવાજ આવ્યો- વિદ્યાર્થી

13 વર્ષના અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હું ઊંઘમાં હતો બસ તો ચારેક વાગ્યા આસપાસ ઉપડી હતી. પરંતુ અચાનક અવાજ આવ્યો અને પ્રચંડ ઝટકો લાગ્યો હતો. જાગીને જોયું તો તમરી ચડી ગઈ હતી. ઘડીક તો કશું જ સમજાયું નહીં. પછી બધા રાડા રાડ કરી રહ્યા હતાં. અમને શિક્ષકોએ બહાર કાઢ્યાં હતાં.

ઈજાગ્રસ્તોના નામ

  • નિમેષ વસાવા,  ઉંમર: 12 વર્ષ
  • મહેક રાજેશ વસાવા, ઉંમર: 13 વર્ષ
  • અમિત વસાવા, ઉંમર: 13 વર્ષ
  • ભૂમિ અશોક,  ઉંમર : 12 વર્ષ
  • ઈશા વસાવા, ઉંમર : 17 વર્ષ
  • પૂનમ ગંગા, ઉંમર : 50 વર્ષ
  • નિધિ કૈલાશ, ઉંમર: 12 વર્ષ
  • નેહલ વાઘેલા, ઉંમર: 36 વર્ષ
  • તરમલ, ઉંમર, 13 વર્ષ  પુત્ર
  • જીતેન્દ્ર ગજ્જર, ઉંમર: 63 વર્ષ
  • અસ્મિતા ઠાકોર, ઉંમર: 14 વર્ષ
  • આદિત્ય, ઉંમર : 13 વર્ષ
  • પ્રિયા જીતેશ, ઉંમરઃ 9 વર્ષ
  • દિનેશ અમિતભાઇ, 12 વર્ષ
  • ધર્મેશ ભુપેન્દ્ર, ઉંમર: 24 વર્ષ
  • પાયલ પ્રવીણ, ઉંમર: 15 વર્ષ
  • રમણ ગોહિલ, ઉંમર: 45 વર્ષ
  • હર્ષિલ વસાવા, ઉંમર: 11 વર્ષ
  • રજનેશ વસાવા, ઉંમર: 12 વર્ષ
  • ભૂમિકા પટેલ, ઉંમર: 11 વર્ષ
  • ધવલ વસાવા, ઉંમર: 12 વર્ષ
  • નિધિ વસાવા, ઉંમર: 9 વર્ષ
  • ગજેન્દ્રસિંગ, ઉંમર: 53 વર્ષ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો