જામનગર નજીક ખંભાળીયા હાઈવે પર પડાણા ગામ પાસે સૌરાષ્ટ્રની શાન સમાન રીલાયન્સ અને એસ્સાર કેમ્પસની નજીક સૌરાષ્ટ્રનાં સૌપ્રથમ ભારત સરકાર માન્ય ડેલ્ટા બાયોડીઝલ પંપનું ઉદ્ઘાટન ગઈકાલે શ્રી ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલનાં પુત્ર શિવરાજ પટેલનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, હાલમાં દિવસેને દિવસે વધતા જતા પ્રદુષણને અટકાવવા માટે ભારત સરકાર મહત્વના પગલાં લઇ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા અન્ય ઇંધણની સાપેક્ષમાં બાયોડીઝલને સસ્તું તથા ભારતના ભવિષ્યનાં ઇંધણ તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે. બાયોડીઝલ સામાન્ય ડીઝલથી ચાલતા દરેક વાહનો જેવા કે કાર,ટ્રક, જેસીબી સહિતના વાહનોમાં સરળતાથી ચાલે છે ઉપરાંત ડીઝલની સાપેક્ષમાં સસ્તું છે અને એવરેજ અને વાહનોમાં પીક-અપ પણ વધારે આપતું હોવાનો દાવો પંપ સંચાલકો કરી રહ્યા છે.
ડેલ્ટા બાયોડીઝલ પંપ સંચાલક આકાશ રૈયાણી અને આશિષ બુટાણી સાથેની ન્યુઝ અપડેટ્સની ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, ડીઝલથી ચાલતા વાહનોમાં બાયો ડીઝલ સરળતાથી ચાલે છે ઉપરાંત મહત્વની વાત તો એ છે કે, અમો સરકાર માન્ય ડીઝલ વેચતા હોવાથી ૧૨% GST પણ ગ્રાહકોને રીફંડ મળવાપાત્ર છે જેથી બજારમાં વેચાતા સામાન્ય ડીઝલ અને બાયો-ડીઝલનાં ભાવમાં ઘણો ફર્ક મળે છે અને બાયોડીઝલ સસ્તું પડે છે ઉપરાંત અમારે ત્યાં આવતા તમામ ગ્રાહકોને અમે બાયો ડીઝલનાં ફાયદાઓ વિષે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડીએ છીએ તેથી ગ્રાહકો પોતાના વાહનોમાં બાયોડીઝલનો ઉપયોગ કરવા માટે પ્રેરાઈ છે.