સૌરાષ્ટ્રના આ ગામમાં નથી બારી-દરવાજા, છતાં ક્યારેય ચોરી થતી નથી

મહારાષ્ટ્ર રાજ્યમાં શનિદેવનું શિંગળાપુર ગામ આવેલું છે કે જ્યાં દરેક ઘરને કોઇ દિવસ તાળાં લાગતાં નથી. છતાં ત્યાં કોઇ દિવસ ચોરી થતી નથી કારણ કે, આ ગામની રક્ષા શનિદેવ કરે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની ભાગોળે પણ એક શનિ શિંગળાપુર આવેલું છે. રાજકોટથી ૩૦ કિલોમીટર દૂર અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર સાતડા ગામમાં એક પણ ઘરમા બારી બારણું કે દરવાજા નથી. છતાં આ ગામમા કોઇ દિવસ ચોરી થઇ નથી.

આ ગામની રક્ષા કરે છે ભૈરવદાદા, નવી પેઢીએ પણ પરંપરા જાળવી રાખી
કહેવાય છે કે સાતડા ગામની રક્ષા કરે છે ભૈરવદાદા. દાયકાઓ પહેલા સાતડા ગામના અમુક વડીલોએ ભૈરવદાદાને માથું નમાવી ગામની રક્ષા કરવાનું કહી ઘરમાંથી બારણાં, દરવાજા કઢાવી નાંખ્યા હતાં. બસ પછી તો પરિવર્તનનો પવન આખા ગામમાં એવો ફૂંકાયો કે આજે નવી પેઢી પણ પોતાના ઘરમાં આ પરંપરા જાળવી રાખી છે.

સાતડા ગામની વસતી છે 1800
સૌરાષ્ટ્રના શનિશિંગળાપુર એટલે સાતડા ગામ. ગામમા આશરે ૩૦૦થી વધુ કાચા પાકા મકાનો છે. સૌથી વધુ કોળી જ્ઞાતિના લોકો વસે છે. આ ગામની કુલ વસતી 1800ની છે. ગામથી બે કિલોમીટર દૂર સીમમાં ભૈરવદાદાનુ મંદિર આવેલું છે. આખા ગામને ભૈરવદાદા પર અતૂટ શ્રધ્ધા છે. ત્રીસ વર્ષ સરપંચ રહી ચૂકેલ માજી સરપંચ મનસુખ મેઘાણીએ જણાવ્યું હતું કે, ‘ભૈરવદાદાનો કોઇ ચોક્કસ ઇતિહાસ કોઇને ખબર નથી આમ છતાં વડીલોએ વર્ષો પહેલા ભગવાન પર શ્રધ્ધા રાખી ઘરમાં દરવાજા મુકાવ્યા ન હતાં અને તે દિવસથી ગામમાં એક વખત ચોરી થઇ નથી.’

આગળ વાત કરતાં મેઘાણીએ જણાવ્યું હતું કે, ‘ધીમે ધીમે સમગ્ર ગામવાસીઓએ પોતાના ઘરમા મુખ્ય દરવાજા લગાવાનુ માંડી વાળ્યું હતું. શ્રધ્ધા કહો કે અંધશ્રધ્ધા સાતડા ગામમા એક વાર ચોરી થઇ પંરતુ ભૈરવદાદાએ ચોરનુ હૃદય પરિવર્તન એવું તે કર્યું કે ચોર સામેથી આવીને ચોરેલો માલ સામાન મુકી ગયો અને આખા ગામની માફી માંગી લીધી હતી.’

ગામવાસીઓ કહે છે કે ભૈરવદાદાની એટલી શ્રધ્ધા છે કે, ‘આજુબાજુના ગામમાંથી પણ લોકો દર્શને આવે છે. એટલું જ નહીં ગુજરાતી ફિલ્મના કલાકાર નરેશ કનોડીયા પણ તેના પરિવાર સાથે દાદાના દર્શને આવે છે. ભૈરવદાદાના નવા મંદિરે એક કિલો ચાંદીનો મુખવટો ચઢાવ્યો છે. મંદિરને પણ નથી દરવાજો જો કે ત્યાં હાથ પણ કોણ નાંખે? આમ પણ કહેવાય છે કે શ્રધ્ધાના વિષયમા પુરાવાની જરૂર થોડી હોય.’

રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં ૧૫૦ વર્ષથી કોઈના ઘરે ઝાંપો કે ખડકી રાખવાનો રિવાજ નથી. નવાઈની વાત એ છે કે તેમ છતાં ગામમાં ચોરીનો એક પણ બનાવ બન્યો નથી. બધાના મકાન ખુલ્લા ચોગાનમાં આવેલા હોવાથી દૂરથી પણ ઘરની પરસાળ જોઈ શકાય છે.

સામાન્ય રીતે ગામડાઓમાં મકાનો બનાવવાની પ્રચલિત પ્રથામાં આગળ એક રસ્તા જેવો ભાગ હોય છે જેના પર લાકડા કે લોખંડની બનાવેલી ખડકી કે મોટી જગ્યા હોય તો ડેલું પણ મુકાય છે ત્યાર બાદ મુખ્ય ઘરનો ભાગ શરૂ થાય છે. પહેલાંના જમાનામાં ડેલીનો ઉપયોગ મહેમાનને બેસાડવા માટે પણ થતો હતો. આજે પણ ભારતના મોટા ભાગના ગામડાઓમાં અંગતતા સચવાય અને ચોરી લૂંટફાટ ન થાય તે માટે ડેલી, ખડકી કે ઝાંપો હોય છે, પરંતુ આ પ્રકારના મકાનોમાં સાતડા ગામના એક પણ ઘરનો સમાવેશ થતો નથી. આ ગામ પેંડા માટે પ્રખ્યાત એવા કુવાડવા ગામ પાસે આવેલા રાજકોટ ચોટીલા હાઈવેથી માત્ર ૪ કિ.મી. દૂર આવેલું છે. હાઈવે નજીક હોવાથી અલગ પ્રાંતના પણ મજૂરો આવીને વસે છે તેમની પણ એક પણ વસ્તુ આઘી પાછી થતી નથી.

નવાઈ પમાડે તેવી બીજી વાત તો એ છે કે તાજેતરમાં ગામના એક નાગરિકે રૂ. ૫ હજારનો ખર્ચ કરીને ઘરની આગળ રક્ષણ માટે ઝાંપો મૂક્યો તો તેના ઘરે અપવાદ રૂપે ચોરી થઈ હતી. ત્યાર પછી તો ગામમાં આજ સુધી કોઈ માણસે ઝાંપો કે ડેલી મૂકવાની હિંમત કરી નથી.

શા માટે આ પ્રથા પડી છે તેનું કારણ જણાવતા ગામના માજી સરપંચ મનસુખભાઈ કહે છે કે, ગામમાં ભૈરવદાદાનું મંદિર છે. ગામ લોકો માને છે કે આ દેવની કૃપા હોવાથી ઘરોનું રક્ષણ કરવા માટે ઝાંપો કે ખડકી રાખવાની જરૂર પડતી નથી. ગામના લોકો ખેતી, ખેત મજૂરી તથા પશુપાલન કરીને જીવન ગુજારે છે. ગામના લોકો દર ત્રણ વર્ષે સાથે બેસીને ગામથી ૨ કિ.મી. દૂર આવેલા ભૈરવદાદાના મંદિરે ભેગા થઈને ઉત્સવ ઊજવે છે. જેમાં આજુબાજુના ઝેપર, જીવાપર જેવા ગામોના લોકોને પણ આમંત્રણ આપવામાં આવે છે. કોઈપણ પ્રકારના ઊંચનીચના ભેદભાવ વિના આખા ગામમાંથી ઉઘરાવવામાં આવેલા ઘઉંમાંથી લાપસી બને છે. તેમજ મગની દાળ અને સુખડીનો પણ પ્રસાદ ચડાવવામાં આવે છે અને ગામલોકો ભૈરવદાદા પાસે અરજ કરે છે કે તેમની ગામ પર કૃપા રહે અને ચોરીના બનાવો ન બને.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો