સમગ્ર દેશમાં કોરોનને કારણે હાલ લોકડાઉન છે. રાજકોટ શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓ લોકોની જઠરાગ્નિ ઠારવાનું સરાહનીય કામ કરી રહી છે. ત્યારે લોકડાઉનને કારણે કાલાવડ રોડ પર કપડાનો શો રૂમ બંધ હોવાથી 15થી વધુ યુવાનોએ રોટલી બનાવવાનું મશીન વસાવ્યું છે. આ મશીનમાં દરરોજ 8000 રોટલીઓ બનાવી ગરીબોને ખવડાવવાનું કામ ઉપાડ્યું છે.
ઇન્ટિરિયર ડિઝાઇનર માનવ સેવામાં જોડાયો
લોકડાઉન દરમિયાન અનેક પરિવારોને વિવિધ સામાજિક સંસ્થાઓ અને શહેરીજનો ભોજન પહોંચાડવાનું માનવીય કાર્ય કરી રહ્યા છે. ત્યારે કાલાવડ રોડ પર આર.પી.જે. હોટેલ પાસે આવેલા કપડાનો એક શો રૂમ ખાલી કરીને યુવાનો એ જગ્યાએ દિવસ-રાત રોટલી બનાવી રહ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનર પાર્થ મકાતી નામનો યુવાન લોકડાઉન દરમિયાન લોકોની સેવા કરવા જતો હતો. ત્યારબાદ એક પછી એક મિત્રનો સહયોગ પ્રાપ્ત થતો ગયો.એક મિત્રએ પોતાનો કપડાનો શો રૂમ સેવા માટે આપ્યો અને રોટલી બનાવવાનું મશીન વસાવીને સેવા કાર્ય શરૂ કર્યું. ગરીબ પરિવારો અને સંસ્થાઓ માટે રોટલી બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. હાલ રાજકોટ શહેરની મોટાભાગની સંસ્થાઓ અને પરિવારોને આ યુવાનો 8000 જેટલી દરરોજ રોટલીઓ બનાવીને ગરીબો સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે સૌ યુવાનોની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.
5 લાખના સ્વખર્ચે મિત્રએ મશીન આપ્યું
પાર્થ મકાતીએ જણાવ્યું હતું કે, લોકડાઉનની સ્થિતિમાં અમે સેવાભાવી સંસ્થાઓ માટે બહાર નીકળ્યા છીએ. અલગ અલગ સામાજિક સંસ્થાઓમાંથી ભોજન એકત્ર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરી ત્યારે એક વિચાર આવ્યો હતો. લોકો સુધી ખીચડી, દાળભાત તો પહોંચાડીએ છીએ. પરંતુ રોટલી પહોંચાડવા માટે કંઇક વ્યવસ્થા કરવી પડશે. ત્યારે મારા એક મિત્ર ગીરનાર ટૂલ્સ મશીનના શ્યામભાઇએ અમને એક મશીન બનાવી આપ્યું હતું. જેમાં અમે દરરોજની આઠ હજાર રોટલી બનાવી શકીએ છીએ. શ્યામભાઇએ સ્વખર્ચે 5 લાખનું મશીન બનાવી અમને આપ્યું છે. અમારા જ એક કાકા પારીજાત કેટરર્સના સુરેશભાઇ કાલરીયાએ અમને તેમની જગ્યા અને તેની આખી ટીમ અમને આપી છે. આખા રાજકોટની સામાજીક સંસ્થાઓને જરૂરિયાત મુજબની રોટલી પહોંચાડીએ છીએ. હવે સામે ચાલીને લોકો લોટ આપવા આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..