કિડનીની પથરીને ઓપરેશન વિના દૂર કરવા અજમાવો આયુર્વેદિક ઉપાયો

આધુનિક યુગમાં પથરીના દર્દીની સંખ્યા વધતી જઈ રહી છે. આયુર્વેદ મુજબ પેશાબને રોકવાથી, પચે નહીં એવા આહાર, વાયુથી, પિત્તથી, કફથી અને વીર્યથી પથરી થઈ શકે છે. આધુનિક સમયમાં વધતું જતુ વાતાવરણનું પ્રદુષણ, ક્ષારવાળું પાણી અને ફાસ્ટફૂ઼ડના જમાનામાં વધી રહેલાં અશુદ્ધ આહારનાં દુષ્પરિણામ રૂપે પથરીના રોગનો ઉદભવ થાય છે. વધારે પ્રમાણમાં ચોકલેટ, શિંગ, ઠંડા પીણા, મીઠાઈ, પનીર, ચીઝ વધુ કેલ્શિયમ વાળી વસ્તુઓ લેવાથી પણ પથરી થઈ શકે છે. પથરી થવા માટેનાં વિવિધ કારણો છે જેમ કે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી જતાં ડિહાઈડ્રેશન થાય છે. જેમાં પેશાબ ઘટ્ટ, વધુ ક્ષારયુક્ત થવાથી પથરીની સમસ્યા થઈ શકે છે.

લક્ષણો

પથરીનાં દુખાવાના લક્ષણો તેનાં આકાર, કદ અને શરીનનાં ક્યા ભાગમાં આવેલ છે તેની ઉપર આધાર રાખે છે. પથરી રેતીનાં નાના કણથી માંડીને ઇંડાના કદ સુધીની પણ હોઈ શકે છે. શરીરના બંને પડખામાંથી-કમરમાંથી પેઢુની આસપાસ વિશેષ પીડા થવી, ડૂંટીમાં, મૂત્રવાહિનીની નસોમાં તથા પેટમાં શૂળ ભોંકાય તેવી ભયંકર વેદના થવી. મૂત્રનો માર્ગ રોકાય જવો, વારંવાર પીડા સાથે પેશાબ થવો, મોળ આવવી, ઊલટી જેવું થવું, પેશાબમાં લોહી જવું, બળતરાં થવી, પેશાબમાં ચેપ થવો વગેરે લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે.

ગોખરૂ ચૂર્ણ ખાવાથી નાની પથરી નીકળી જાય છે જાણો પથરી થવાના કારણો અને ઉપાય

ઉપચાર

પથરીની સારવાર પથરીના કદ, આકાર, સ્થાન, પ્રકાર વગેરે ઉપર આધાર રાખે છે. મૂત્રમાર્ગમાં થતી 80 ટકા પથરી આપમેળે કુદરતી રીતે જ બહાર આવી જાય છે. પરંતુ બાકીની 20 ટકા પથરી નુકસાનકારક બની શકે છે. પથરી જો નાની હોય તો વધુ પ્રમાણમાં પાણી પીવાથી અને પેશાબ વધારે આવે એવી આયુર્વેદિક મૂત્રલ દવાઓનું વૈદકીય સલાહ મુજબ સેવન કરવાથી નાની પથરીનો શરીરમાંથી નિકાલ શક્ય બને છે. પણ ઘણીવાર પથરીનું કદ- આકાર એવા હોય છે કે તે આપોઆપ નીકળતી નથી. ત્યારે પથરીને દૂર કરવા માટે ઓપરેશન કરવું જરૂરી બની રહે છે.

આયુર્વેદમાં પથરીની સારવાર માટે

– ગોખરૂ ચૂર્ણ 1-1 ચમચી ત્રણ વખત લેવાથી મૂત્ર પ્રવૃતિ વધારે થવાથી નાની પથરી નીકળી જાય છે.

– પાણી એ પથરીના દર્દી માટે ખૂબજ ઉપકારક છે. ભરપૂર પાણી પીવું, શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવવું એ ભવિષ્યમાં પથરીથી બચવાનો આસાન અને અગત્યનો રસ્તો છે. દિવસમાં ઓછામાં ઓછું 3 લીટર પાણી તો પીવું જ જોઈએ. કોફી- ઠંડા પીણા, દારૂનું વ્યસન હોય તો છોડી દેવું.

-ભાજી, સુરણ, ગાજર, ભીંડા, ટામેટાં, દહીં અને કફકારક વસ્તુ પથરીના દર્દી માટે અપથ્ય છે. મળ, મૂત્રનાં વેગોને રોકવાં નહી. પથરીથી પીડાતા લોકોએ કેલ્શિયમવાળું ભોજન ઓછું લેવું કે બંધ કરવું. આથી ફરી પથરી થવાની શક્યતા નહિવત રહે છે.

પથરીનાં દર્દીને શું હિતકારક છે?

-પુષ્કણ પાણી પીવું
-મગ, જુના ચોખા, કળથી કોદરા, દાળ, જવ, તુવેરની દાળ, સિંધાલૂણ અને ગોખરૂ હિતકારક છે.
-પથરી નાની હોય અને પીડાદાયક ના હોય તો વૈદકીય સલાહ મુજબ આયુર્વેદિક ઉપચાર કરવાથી પથરી મટી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો