જસદણના સૌથી વૃદ્ધ મતદાર 112 વર્ષના રાણીમા દુધાત કહે છે, ‘મત તો આપવો જ પડે!’

જસદણ પેટા ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. સૌ પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોમાં એટલો જ ઉત્સાહ છે અને સતત દાયકાઓથી મતદાન કરનાર શતાયુ વટાવી ચૂકેલા મતદાતાઓ પણ હજુ મતદાન કરીને થાક્યા કે કંટાળ્યા નથી. જસદણ મતવિસ્તારના આશરે 60 જેટલાં મતદારો એવાં છે જે શતાયુ વટાવી ચૂક્યા છે. એ પૈકી જંગવડ ગામના 112 વર્ષના રાણીબહેન હરજીભાઈ દુધાત સૌથી વધુ ઉંમર ધરાવે છે.

‘ગ્યા વરહે જ તો મત દીધો હતો, આ ચૂંટણી પાછી કેમ આવી?’

પોતાની હયાતિમાં જ પરિવારની પાંચ પેઢી જોઈ ચૂકેલાં રાણીબહેન પૂરતાં સ્વસ્થ છે. આજે પણ પોતાનાં દરેક કામ જાતે કરી શકે છે. આ ઉંમરે તેમને નવો દાંત પણ ફૂટ્યો છે. પરિપક્વ થયા ત્યારથી મતદાન કરતાં રહેલાં રાણીબહેન જોકે પક્ષપલટાની આજની રાજનીતિથી માહિતગાર નથી એટલે અજાણતા જ વેધક સવાલ કરી બેસે છે. તેમને બરાબર યાદ છે કે હજુ ગયા વરસે જ ચૂંટણી આવી હતી. અમે એમને સવાલ કર્યો કે, ‘ચૂંટણી આવે છે એ તો ખબર છે ને?’ જવાબમાં તેઓ કરચલિયાળા ચહેરે અમારી સામે તાકીને વળતો સવાલ કરે છે, ”ગ્યા વરહે જ તો મત દીધો હતો, આ ચૂંટણી પાછી કેમ આવી?’ તમારા ધારાસભ્યે પક્ષપલટો કર્યો માટે એક જ વરસમાં બીજી વાર ચૂંટણી આવી એવો જવાબ અમારી જીભે આવી જાય છે પરંતુ લોકશાહી પરંપરા પ્રત્યેના તેમના આશાવાદને ધ્યાનમાં રાખીને અમે જવાબ આપી શકતાં નથી.

જંગવડ ગામના રાણીબહેન દુધાત 112 વર્ષની ઉંમરે પણ સ્વાવલંબી છે

‘મત તો દેવો જ જોઈએ, પણ કોને દીધો એ ન કહેવાય’

રાણીમાના પૌત્ર અરજણભાઈ કહે છે કે, ‘હું સમજણો થયો ત્યારથી મેં જોયું છે કે રાણીમાએ દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે.’ સ્વયં રાણીમા પણ કહે છે, ‘મતદાન તો કરવું જ જોઈએ. સારા માણસને પસંદ કરવો જોઈએ.’ અમે વળતો સવાલ કરીએ છીએ, ‘કુંવરજી બાવળિયા અને અવસર નાકિયા એ બેમાંથી સારો માણસ તમને કોણ લાગે છે?’ ઊંડી ઉતરી ગયેલી આંખો ઘડીભર અમારા ચહેરા સામે તાકીને બોખા મોંએ તેઓ મીઠું હસી પડે છે અને જવાબ વાળે છે, ‘મત કોને આપવાનો છે એ કહેવાય નહિ!’ શતાયુ વટી ગયેલા અભણ રાણીમાને ય ખબર છે કે મત આપવો જોઈએ અને મતદાન ગુપ્ત રાખવું જોઈએ. લોકતાંત્રિક પ્રક્રિયાની એ જ સૌથી મોટી તાકાત છે. કમનસીબે, ચૂંટાયેલા નેતાઓને ખબર નથી કે ચૂંટાયા પછી મતદારોના મત સાથે દ્રોહ ન કરવો જોઈએ.

શતાયુ પારમાં મહિલાઓ આગળ

જસદણ પેટા ચૂંટણીમાં 1600થી વધુ યુવા મતદારો એવા છે જે પ્રથમ વખત મતદાન કરશે અને 60થી વધુ એવા વડીલ મતદારો છે કે જેણે રજવાડું જોઇ લોકશાહીની શરૂઆતથી મતદાન કરતા આવ્યા છે. પેટા ચૂંટણીના વિધાનસભા વિસ્તારમાં 14 પુરુષો અને 51 સ્ત્રી મળી હાલ 65 જેટલા મતદારો એવા છે કે જેમની ઉંમર 100 વર્ષ કે તેથી વધુ છે. ડિસેમ્બર 2017માં યોજાયેલી ચૂંટણીમાં 50થી વધુ મતદારો શતાયુ ઉંમરના હતા. જેમાંથી 9 લોકોના અવસાન થઇ ગયા તો બીજી તરફ 18 નવા લોકો 100 વર્ષના થયા હતા. આ વખતે જસદણમાં રહેતા જીવુબેન બધાભાઇ પરમાર 110 વર્ષના છે, જસદણના બજરંગનગરમા રહેતા નાનુબેન કચરાભાઇ રૂપારેલીયા 110 વર્ષના છે. વડોદ ગામના મીઠીબેન સદાદિયા 111 વર્ષના છે. 110 વર્ષથી વધુ ઉંમર વટાવી ચૂકેલા 5 જેટલા મતદાર છે.

રાણીમાએ દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે- પૌત્ર અરજણભાઈ

વયસ્કો માટે મત આપવા ખાસ વ્યવસ્થા

ચૂંટણી દરમિયાન શતાયુ વટાવી ચૂકેલા મતદારો માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામા આવી છે. જેમાં આ ઉંમરે મતદાન કરવા આવે ત્યારે કોઇ લાઇનમાં ઉભું રહેવું નહી પડે. એ સિવાય જો વ્હીલચેર કે લાવવા લઇ જવા માટે કંઇ વ્યવસ્થા જોઇતી હોય તો પરિવારને મદદ કરવામા આવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો