નિવૃત્ત આઇપીએસ અધિકારી રમેશ સવાણીએ ફેસબુક પર થોડા દિવસ પહેલા આઈપીએસ અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા હતા. ત્યારે આજે બુધવારે ફરી તેમણે એક પોસ્ટ ફેસબુક પરના અપના અડ્ડા નામના ગ્રૂપમાં કરી છે. તેમાં તેમણે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ પર BAPSના વડા મહંત સ્વામી પર સ્વામીનારાયણ સાધુએ કરેલા ધડાકા સામે બળાપો કાઢીને લખ્યું છે, પ્રગટ બ્રહ્મસ્વરુપનું ગ્લેમર ઊભું કરવામાં કંઈક તો મર્યાદા રાખો. તેમણે કરેલી પોસ્ટને કેટલાક લોકોએ શેર કરી અને કેટલાકે કોમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે તેમણે તેમના ફેસબુક પેજ પર પત્રકારત્વનો અભ્યાસ કર્યો હોવાનો પોતાની ઓળખમાં ઉલ્લેખ કરેલો જોવા મળે છે.
રમેશ સવાણીએ ફેસબુક પરના ગૃપમાં શેર કરેલી પોસ્ટ શબ્દશઃ
સુરતમાં માળા કરે અને ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડે ?
5 જાન્યુઆરી 2020, રવિવારના સમાચાર છે કે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ હવે ખતરનાક સ્તર પર પહોંચી ચૂકી છે. સપ્ટેમ્બર 2019 થી જંગલોમાં આગ ભભૂકી રહી છે અને તેના પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. સિડની યુનિવર્સિટીના સંશોધકોનું અનુમાન છે કે, આ આગમાં અત્યાર સુધીમાં 50 કરોડ પશુ પક્ષીઓના મોત થયા છે. આ આગ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સના કિનારાના વિસ્તારોમાં સૌથી વધારે ફેલાઈ છે. હવા અને ધૂમાડાના કારણે સેંકડો ગામડાઓ અને શહેરોમાં લોકોનું રહેવાનું મુશ્કેલ થઈ રહ્યુ છે. લોકો ઘર છોડને ભાગી રહ્યા છે.આગમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને આગના કારણે 13 જાન્યુઆરી, 2020 થી શરુ થનારા ભારત પ્રવાસને અને એ પછીના જાપાન પ્રવાસને રદ કરી દીધો છે.
ઓસ્ટ્રેલિયાના લોકોને ચક્કર ચડી જાય તેવો ધડાકો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ કર્યો છે. સ્વામિનારાયણ પંથ એક ફાંટાએ-BAPSના મહંત સ્વામીએ સુરતમાં માળા ફેરવી એટલે તરત જ ઓસ્ટ્રેલિયામાં વરસાદ શરુ થયો ! ભોળા ભક્તોને આવી ચમત્કારી વાતો ખૂબ ગમે. સંપ્રદાયના સાધુઓ પ્રગટ બ્રહ્મસ્વરુપ છે; તેવું ભક્તોને લાગે છે. પરંતુ નવી જનરેશન આવા તુક્કા સહન કરી શકતી નથી. USA માં એક સંબંધીનો પુત્ર નાનપણથી સ્વામિનારાયણ પૂજાપાઠ કરતો હતો; તે કોલેજમાં પહોંચ્યો ત્યારે આધુનિક વિજ્ઞાન અને જીવન શૈલી સાથે અનુકૂલન સાધવામાં તેને મુશ્કેલી થઈ. તે ચિંતામાં મૂકાયો. અંતે તેણે સ્યુસાઈડ કર્યું.
મહંત સ્વામીએ માળા કરી હોત તો નોટબંધી વેળાએ 150 વધુ માણસોના મૃત્યુ થયા નહોત; JNU માં હિંસા થઈ નહોત; આર્થિકમંદીનો સામનો કરતા કેટલાંય કુટુંબોએ સામૂહિક આત્મહત્યા કરી નહોત; હજારો ખેડૂતોએ આત્મહત્યા કરી નહોત ! પ્રગટ બ્રહ્મસ્વરુપનું ગ્લેમર ઊભું કરવામાં કંઈક તો મર્યાદા રાખો ! આગ ન લાગે તે માટે માળા ફેરવવાનું મહંત સ્વામી કેમ ભૂલી ગયા હશે?rs
આ અંગે બીએપીએસનું શબ્દશઃ નિવેદન
બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઓસ્ટ્રેલિયામાં લાગેલા દાવાનળ અંગે ભગવાનને પ્રાર્થના કરીને ભાવના વ્યક્ત કરી હતી કે લોકો અને પ્રાણીઓની રક્ષા થાય અને રાહત થાય. એ પણ વાસ્તવિક્તા છે કે આવી આફતોમાં વિશ્વના અબજો લોકો પ્રાર્થના કરે છે અને આવી આધ્યાત્મિક ભાવના અને પ્રાર્થનામાં શ્રદ્ધા રાખે છે. પરંતુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાર્થના અંગે જે વિવાદ કરવામાં આવ્યો છે તેવો કોઈ દાવો સ્વામીજીએ કે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ કર્યો નથી કે તેના દ્વારા દાવાનળ શમ્યો છે. કેટલાક ઉત્સાહી ભક્તોએ વ્યક્તિગત આવી વાત પ્રસરાવી હોય તો તે તેમની અંગત બાબત છે. તેને વિવાદનો મુદ્દો ન બનાવવામાં આવે તેવી વિનંતી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..