રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે: જીમમાં જવાના બહાને જુગાર રમવા જતી મહિલા 12 લાખ હારી જતાં ઘરમાંથી દાગીના ચોરી લોન લીધી

રાજકોટના સહકાર મેઇન રોડ પરના ન્યૂ મેઘાણીનગરમાં રહુ છું અને કરિયાણાનો વેપાર કરું છું, મારા લગ્ન ત્રણ વર્ષ પૂર્વે અમદાવાદની ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં આવેલા સત્વ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઇ આરદેશણાની પુત્રી એકતા સાથે થયા હતા. નવરાત્રીના આઠમા નોરતે મારી પત્ની એકતા કોઇને કહ્યા વગર તેના પિયર જતી રહી હતી. -અંકિત ભીમાણી, મહિલાનો પતિ

‘દાગીના ગીરવે મૂકીને લોન લીધી હતી’

નવમા નોરતે હું અને મારા માતા-પિતા ઘરે હતા ત્યારે અલ્કાબેન ઇમરાનભાઇ નામની મહિલા અમારા ઘરે આવી હતી અને તેણે કહ્યું હતું કે, એકતા જુગારમાં રૂ.12 લાખ હારી ગઇ છે, તે રકમની તેમણે ઉઘરાણી કરતાં અમે જુગાર અંગે કંઇ જાણતા નથી અને એકતા કહ્યા વગર અમદાવાદ જતી રહી છે તેમની પાસે જ નાણાંની ઉઘરાણી કરો તેમ કહેતા અલ્કાબેન જતા રહ્યા હતા.

પત્ની એકતા જુગાર રમતી હોવાનો ભાંડો ફૂટતા અમને શંકા ઉપજી હતી અને મારા માતા રંજનબેને કબાટની તિજોરી ચેક કરતાં તેમાંથી સોનાનો હાર, કાનની બૂટી, સોનાની લક્કી, વિંટી સહિત કુલ રૂ.5.60 લાખની કિંમતના 11 નંગ સોનાના દાગીના ગાયબ હતા. એકતા જ દાગીના ચોરી ગયાનું સ્પષ્ટ થતાં તેને ફોન કરી આ અંગે પૃચ્છા કરતાં એકતાએ કહ્યું હતું કે, જુગારમાં રકમ હારી જતાં દેણું ચૂકવવા ફાઇનાન્સ પેઢીમાં દાગીના ગીરવે મૂકી તેના પર લોન લીધી હતી.

11 વાગ્યે કસરત કરવાનું કહીને જતી હતી

એકતા દરરોજ સવારે 11 વાગ્યે જીમમાં કસરત કરવા જવાનું કહીને ઘરેથી નીકળતી હતી અને બપોરે 1.30 વાગ્યે ઘરે આવતી હતી, તે જુગાર રમતી હોવાની કોઇ જાણ નહોતી, અલ્કાબેન ઘરે આવ્યા બાદ આ અંગેનો ભાંડો ફૂટ્યો હતો, કોની સાથે જુગાર રમતી, કઇ ક્લબમાં જુગાર રમતી, ક્યાં રમતી સહિતની બાબતો અમે જાણતા નથી. ભક્તિનગર પોલીસે મારી ફરિયાદ પરથી એકતા સામે છેતરપિંડી વિશ્વાસઘાત હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

ઉઘરાણી કરી બે વખત મકાન પર પથ્થરમારો કર્યો

અંકિતભાઇ ભીમાણીએ જણાવ્યું હતું કે, અલ્કા ઇમરાન નામની મહિલા તેના ઘરે જુગારના રૂ.12 લાખની ઉઘરાણી કરવા ત્રણ મહિના પૂર્વે આવી હતી ત્યારબાદ અઠવાડિયા પહેલા અને બે દિવસ પૂર્વે રાત્રીના બે વખત ચારેક શખ્સોએ બહારથી તેમના મકાન પર પથ્થરમારો કર્યો હતો, પથ્થરમારો કરનાર ઇસમોએ જુગારની રકમની ઉઘરાણી કરી હતી. પોલીસે આ અંગે અરજી લઇ તપાસ ચાલુ હોવાનું રટણ રટ્યું હતું. જુગાર ક્લબમાં અંકિતા લાખો રૂપિયા હારી ગઇ હોવાનું સ્પષ્ટ થયું હોવા છતાં પોલીસે કયા સ્થળે જુગાર ક્લબ ચાલુ હતી, કોણ ચલાવે છે સહિતના મુદ્દે તપાસ કરવાની કોઇ તસ્દી નહીં લઇ આશ્ચર્ય સર્જયું હતું.

અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે હવે તેને નહી રાખું

ઘરમાંથી જ રૂ.5.60 લાખની કિંમતના દાગીના ચોરી કરનાર એકતા સામે તેના પતિ અંકિત અમૃતલાલ ભીમાણીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંકિત ભીમાણીએ ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ જણાવ્યું હતું કે, જીમના બહાને એકતા ઘરેથી નીકળતી અમને લગીરેય તેના પર શંકા ગઇ નહોતી, તેણે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, ત્રણ મહિનાથી તેના માતા પિતા સાથે સમાધાનની વાતો ચાલતી હતી પરંતુ સમાધાન નહીં થતાં ફરિયાદ નોંધાવી હતી. એકતાએ પરિવારના સભ્યો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી હવે તેને સાથે નહીં રાખું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો