વડોદરામાં માસ્કનો દંડ ભરવા પહોંચેલા પૂર્વ સાંસદને PSIએ રોફ જમાવતા ઝીંકી દીધા લાફા

વડોદરા શહેરમાં પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડે (Ex-MP Satyajit Gaekwad) આક્ષેપ લગાવ્યો છે કે નવાપુર પોલીસ સ્ટેશન (Navapur Police Station)ના ડી-સ્ટાફ પી.એસ.આઈ ડી.એસ. પટેલે તેમને લાફા ઝીંકી દીધા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે માસ્કનો દંડ ભરવા ગયેલા પૂર્વ સાંસદ પર PSI ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને ધક્કા મારીને બે લાફા ઝીંકી દીધા હતા. આ મામલે પૂર્વ સાંસદે પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. વડોદરા કૉંગ્રેસ (Vadodara Congress) તરફથી આ મામલે આજે પોલીસ કમિશનર (Police commissioner)ને પણ આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી. આ મામલે પોલીસ કમિશનર તરફથી યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે. આ મામલે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ સાંસદ જ્યારે દંડ ભરવા ગયા હતા તે સમયના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. વળી કૉંગ્રેસ તરફથી પૂર્વ સાંસદ સામે દુર્વ્યવહાર કરનાર પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે.

શું છે આખો મામલો?

અખિલ ભારતીય યૂથ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેન બુધવારે સાંજે કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન બગીખાના ત્રણ રસ્તા પાસે તેમનું માસ્ક નાક નીચે હોવાથી પોલીસે તેમને એક હજાર રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યું હતું. જોકે, પર્સ સાથે ન હોવાથી તેમણે તેમના ભાઈ સત્યજિતને દંડ ભરવા માટે સ્થળ પર બોલાવ્યા હતા.

આ દરમિયાન પોલીસે સત્યજિત ગાયકવાડને જણાવ્યું હતું કે, તેમની પાસે દંડની પાવતી ખતમ થઈ ગઈ છે. આથી તેમણે દંડ ભરવા માટે પોલીસ સ્ટેશન આવવું પડશે. આ દરમિયાન સત્યજિત ગાયકવાડે પોલીસ સ્ટેશન જવાનો વિરોધ કરતા પીએસઆઈએ તેમની સાથે ઝપાઝપી કરીને બે લાફા ઝીંકી દીધા હતા. સત્યજિત ગાયકવાડનો આક્ષેપ છે કે એક સમયે પીએસઆઈએ એવી ધમકી પણ આપી હતી કે તેઓ તેમના ઘરે જઈને કેસ કરશે અને તેમને વોન્ટેડ પણ જાહેર કરશે.

આ મામલે વીડિયા સાથે વાતચીત કરતા પૂર્વ સાંસદે જણાવ્યું હતું કે, બહેનના ફોન બાદ દંડ ભરવા માટે પહોંચ્યો હતો. અહીં મેં પૂર્વ સાંસદ હોવાની ઓળખ આપી છતાં પીએસઆઇ પટેલે મને લાફા ઝીંકી દીધા હતા. એટલું જ નહીં, મને વોટેન્ડ બતાવવાની ધમકી પણ આપી હતી. આવા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.

જોકે, આ મામલે પીએસઆઈ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. બનાવ બાદ તેઓ મીડિયાથી દૂર જ રહ્યા છે. આ મામલે નવાપુર પોલીસ તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, સત્યજિત ગાયકવાડની ઘર નજીક માસ્ક મુદ્દે તેમની અને પોલીસ વચ્ચે રકઝક અને ઝપાઝપી થઈ હતી. પોલીસકર્મીએ લાફા ઝીંકી દીધા હોય તેવો બનાવ બન્યો નથી. આ ઉપરાંત પોલીસકર્મીએ ધમકી પણ આપી નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો