વડોદરા શહેર પોલીસને કલંક લગાડનારી એક ઘટનામાં શનિવારે રાત્રે ગોત્રી કેનાલ પાસે બેઠેલાં યુવક-યુવતીને ધમકાવી 5 હજારનો તોડ પાડ્યા બાદ યુવતીના મિત્રને ખાનગી ડ્રાઇવર સાથે પૈસા લેવા મોકલ્યા પછી યુવતીની 15 મિનિટની એકલતાનો લાભ ઉઠાવી લક્ષ્મીપુરા પોલીસની પીસીઆર વાનના ઇન્ચાર્જ પોલીસ કર્મીએ અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે લોકોનો રોષ જોઇને ફરિયાદ નોંધી રવિવારે વહેલી સવારે પોલીસ કર્મી અને ખાનગી ડ્રાઇવરને ઝડપી લીધા હતા.
બી-ડિવિઝનના એસીપી બી.એ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ગોત્રી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી તેના 21 વર્ષીય મિત્ર સાથે શનિવારે રાત્રે બાઇક લઇને ફરવા નીકળી હતી. બંને 1 વર્ષથી ઘનિષ્ઠ મિત્ર હતાં, જે અંગે બંનેના પરિવારને પણ જાણ હતી. યુવક-યુવતી ગોત્રી ચેક પોસ્ટથી આગળ કેનાલ પાસે બાઇક પર બેસી વાતો કરતાં હતાં ત્યારે સવા આઠથી સાડા આઠ વાગ્યા સુધીના ગાળામાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન નં-9 તેમની પાસે આવી હતી. પીસીઆર વાનમાંથી ખાનગી ડ્રાઇવર રસિક ચીમનભાઇ ચૌહાણ (રહે. ઉમાનગર સોસા. અંકોડિયા) અને પીસીઆર વાનનો ઇન્ચાર્જ એલઆરડી જવાન સુરજસિંહ ફુલસિંહ ચૌહાણ (રહે. અણમોલ પાર્ક, લક્ષ્મીપુરા સ્મશાન પાસે) વાનમાંથી ઊતરી બાઇક પાસે પહોંચ્યા હતા.
બંનેએ બાઇકની ચાવી કાઢી લઇ યુવક અને યુવતીને તેમના સંબંધો અંગે પૂછ્યું હતું અને ત્યારબાદ પરિવારને જાણ કરવાની ધમકી આપી 5 હજાર રૂપિયાની માગણી કરી હતી. જોકે યુવક પાસે રોકડા રૂપિયા ન હોવાથી તેને પેટીએમ મારફતે રૂપિયા આપવાનું કહેતાં ડ્રાઇવર રસિક યુવકને બાઇક પર બેસાડી પૈસા લેવા લઇ ગયો હતો. તે સમયે એલઆરડી સુરજસિંહ ફૂલસિંહ ચૌહાણ અને યુવતી એકલાં ઊભાં હતાં ત્યારે એકલતાનો લાભ ઉઠાવી સુરજે તેને તેના પિતાને વાત કરવાની ધમકી આપી હતી અને નજીકમાં અધૂરા બાંધકામવાળા અવાવરુ મકાનમાં લઇ જઇ તેની સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ બંને જતા રહ્યા હતા. યુવતીએ યુવકને આ મામલે વાત કર્યા બાદ બંનેએ પરિવારને જણાવતાં તેઓ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યાં હતાં. ઉલ્લેખનિય છે કે, પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધી પોલીસ કર્મચારી સુરજસિંહ ચૌહાણ અને ડ્રાઇવર રસિક ચૌહાણને ઝડપી પાડ્યા હતા.
યુવતીના પિતાને જાણ કરી દેવાની ધમકી આપી
યુવક પાસે રોકડા રૂપિયા ન હોવાથી તેને પેટીએમ મારફતે રૂપિયા આપવાનુ કહેતા કોન્સ્ટેબલ સુરજસિંહ ચૌહાણે ઇન્કાર કર્યો હતો. તેવામાં તોડબાજ ડ્રાઇવરે યુવકને બાઇક પર બેસાડી રૂપિયા લેવા માટે લઇ ગયો હતો. દરમિયાન કેનાલ પર કોન્સ્ટેબલ અને યુવતી એકલા ઉભા હતા. ત્યારે સુરજસિંહે યુવતી પર નજર બગાડવાનુ શરૂ કરી યુવતીના પિતાને જાણ કરી દેવાની ધમકી આપી હતી.
અંડર કન્સ્ટ્રકશન સાઇટમાં લઈ ગયો હતો
ગભરાઇ ગયેલી યુવતીને કોન્સટેબલ સુરજસિંહ નજીકમાં આવેલા અંડર કન્સ્ટ્રકશન સાઇટના એક મકાનમાં લઇ ગયો હતો. જ્યાં તેને યુવતી સાથે શારીરીક છેડછાડ શરૂ કરી અને ત્યારબાદ બળજબરી ઓરલ સેક્સ કર્યું હતું. હવસ સંતોષાતા કોન્સટેબલે પીડીતાને ધમકી આપી કે, તું કોઇને કહેશે તો તારા મિત્રને ફસાવી દઇશું. દરમિયાન ડ્રાઇવર રસીક યુવકને લઇને આવી પહોંચતા બન્ને પીસીઆર લઇને ફરાર થઇ ગયા હતા.
દુષ્કર્મ સહીત અન્ય કલમનો ઉમેરો કરી ગુનો નોંધ્યો
ઘટનાની જાણ આર.એસ.પીના સ્થાનિક કાઉન્સીલરને થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જોત જોતામાં વિસ્તારના લોકો પણ આવી પહોંચતા સમગ્ર મામલો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં સ્થાનિક કાઉન્સીલર અને લોક ટોળાની ઉગ્ર રજૂઆતને પગલે પોલીસે મોડી રાતે પીસીઆરના ખાનગી ડ્રાઇવર અને પોલીસ કોન્સટેબલ સામે દુષ્કર્મ સહીત અન્ય કલમનો ઉમેરો કરી ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.
કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે
ડીસીપી દિપક મેઘાણીએ જણાવ્યું હતું કે, યુવતી અને તેના મિત્રને ધમકાવી રૂ.5 હજાર કોન્સ્ટેબલે પડાવ્યાં છે અને તેની સાથે દુષ્કર્મ પણ આટર્યું છે. આરોપી અમારી કસ્ટડીમાં છે.જ્યારે આ ઘટનામાં આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યાં છે.
સુરજે કેમ ખાનગી ડ્રાઇવર રાખ્યો?
પોલીસે દાવો કર્યો હતો કે, પીસીઆર વાનનો ઇન્ચાર્જ સુરજસિંહ હતો અને તે ડ્રાઇવર પણ હતો. જો તે ડ્રાઇવર હતો તો પછી તેણે રસિકને કેમ ડ્રાઇવર તરીકે રાખ્યો તે સવાલ ઊભો થયો છે. પોલીસ કર્મીઓ આ પ્રકારે ખાનગી ડ્રાઇવર રાખી શકે કે કેમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને અંધારામાં રાખ્યા હતા કે કેમ તે સવાલો પણ પુછાઇ રહ્યા છે. સુરજસિંહ 2017માં એલઆરડી તરીકે શહેર પોલીસ તંત્રમાં જોડાયો હતો.
તોડબાજ રસિકનો નવો દાવ, પેટીએમ કરો
પીસીઆર વાનના ખાનગી ડ્રાઇવર તોડબાજ રસિક અને પોલીસ કોન્સ્ટેબલ સુરજસિંહે યુવક-યુવતી પાસે 5 હજાર માગ્યા હતા પણ યુવક પાસે પૈસા ન હોવાથી તેણે પેટીએમથી આપવાની વાત કરી હતી. જોકે તોડબાજ રસિક પાસે તેનો તોડ હતો અને તેણે નજીકમાં આવેલા પેટ્રોલપંપ પર જઇ 5 હજાર રૂપિયાનું પેટીએમ કરાવવાનું કહી બાઇક પર બેસાડી તેને લઇ ગયો હતો. રસિકે યુવક પાસે 5 હજારનું પેટ્રોલપંપ પર પેટીએમ કરાવ્યું અને રોકડા 5 હજાર પંપવાળા પાસે લઇ લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે, રસિક અગાઉ આ પેટ્રોલપંપ પર નોકરી કરતો હતો, જેથી તે યુવકને ત્યાં લઇ ગયો હતો. પોલીસે પેટ્રોલપંપના સીસીટીવી ફુટેજ પણ કબજે કર્યા હતા.
લક્ષ્મીપુરા પોલીસમાં હજારો લોકો ઊમટ્યા
શનિવારે મોડી રાત્રે હજારો સ્થાનિક લોકો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ધસી ગયા હતા. લોકોએ પોતે જ વકીલને બોલાવ્યા હતા અને વકીલની મદદથી પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસ પોતાના જ પોલીસ કર્મીઓને છાવરી રહી હોવાના આરોપ પણ લોકોએ લગાવ્યા હતા.
લક્ષ્મીપુરાના અણમોલ પાર્કમાંથી 24 કલાક પછી PCR વાન મળી
લક્ષ્મીપુરાના કોંગ્રેસનાં અગ્રણી રંજનબેન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, યુવક-યુવતીના પરિવાર બંનેના સંબંધો જાણતાં જ હતાં. છતાં પોલીસે બંનેને ધમકાવી પૈસા પડાવ્યા અને એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ કર્યું. ઘટનાના 24 કલાક પછી પીસીઆર વાન અણમોલ પાર્કમાંથી મળી હતી. બધા જ પોલીસવાળા અણમોલ પાર્કમાં જ રહે છે. લોકોએ પીસીઆર વાનને શોધી છે. અમે પીડિત યુવતીને ન્યાય મળે તેવી માગ કરીએ છીએ.
પોલીસ જવાન સહિત બંને આરોપીના 1 દિવસના રિમાન્ડ
તપાસ અધિકારી એસીપી બી.એ. ચૌધરીએ રવિવારે એલઆરડી સુરજ ચૌહાણ અને ડ્રાઇવર રસિક ચૌહાણની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરજસિંહ અને રસિક સામે પોલીસે દુષ્કર્મને લગતી કલમો તથા ભ્રષ્ટાચારની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે સુરજસિંહ તેમજ પીડિતાની મેડિકલ તપાસ કરાવી હતી.
પોલીસવાળાઓએ તેના મિત્રને માર માર્યો
મારી બહેન અને તેનો મિત્ર રાત્રે કેનાલ પાસે બાઇક પર બેઠાં હતાં. તે સમયે પોલીસની વાન આવી હતી અને બે પોલીસવાળાએ બાઇકની ચાવી કાઢી લઇ મારી બહેનના મિત્રને માર્યો હતો. બંનેએ ધમકી આપી 5 હજાર માગ્યા હતા. બંને પોલીસવાળામાંથી જે ડ્રાઇવર હતો તે મારી બહેનના મિત્રને બાઇક પર બેસાડી લઇ ગયો હતો અને પીસીઆર વાન ત્યાં જ ઊભી હતી. ત્યાં જે પોલીસવાળો હતો તેણે મારી બહેન સાથે જબરદસ્તી કરી તારા પિતાને મારી નાખીશ તેવી ધમકી આપી દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ બંને પોલીસવાળા જતા રહેતાં મારી બહેને તેના મિત્રને વાત કરી હતી અને બંનેએ ઘેર આવી હિંમત દાખવી વાત કરતાં અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. – પીડિતાની બહેન
બાતમીદાર લેમન માહિતી આપતો
લક્ષ્મીપુરા અને ગોત્રીના રહીશોએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ કર્મી સુરજ અને ખાનગી ડ્રાઇવર રસિકને લેમન નામનો શખ્સ બાતમી આપતો હતો. કેનાલના રસ્તે યુવક-યુવતીઓ ઊભાં હોય તેની બાતમી લેમન પોલીસવાળાઓને આપતો હતો. જોકે પોલીસે માત્ર બે શખ્સો સામે જ ફરિયાદ નોંધી હતી.
કેનાલ પાસેનો માર્ગ તોડપાણીનો રસ્તો
લોકોએ આરોપ લગાવ્યો હતો કે, ગોત્રી ચેક પોસ્ટ પાસેથી આગળ કેનાલના રસ્તે ઊભાં રહેતાં યુવક- યુવતીઓને ધમકી આપીને પોલીસવાળાઓ દ્વારા તોડપાણી કરવામાં આવે છે. અગાઉ આ પ્રકારના પંદરેક બનાવો બનેલા છે, પણ પોલીસ સમગ્ર ઘટનાને છાવરી લે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..