લોકડાઉનમાં એક તરફ પોલીસ તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપી લોકોની પ્રશંસા મેળવી રહી છે, ત્યારે આ કપરા સમયમાં પબ્લિક વચ્ચે સારી ઈમેજ બનાવવાની પોલીસની બધી મહેનત પર કૃષ્ણનગરના પીઆઈએ પાણી ફેરવી દીધું છે. એક વાયરલ થયેલા વિડીયોમાં કૃષ્ણનગરના પીઆઈ વી.આર. ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ટીવી રિપોર્ટ્સ અનુસાર, આજે સવારની એક ઘટનામાં ઉત્તમનગર રોડ પર પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળેલા પીઆઈ ચૌધરીએ કેનાલ પાસે લારી લઈ ઉભેલા શાકભાજીવાળાઓ પર તવાઈ બોલાવી હતી, અને તેમને ભગાડી દીધા હતા. પોલીસની ગાડી જોઈ ભાગી રહેલા શાકવાળાઓ પાછળ પીઆઈ પોતે દોડ્યા હતા અને બે લારીઓ ઊંધી વાળી દીધી હતી.
લોકડાઉન દરમિયાન પણ શાકભાજી, દૂધ, કરિયાણું અને દવાઓ જેવી જરુરિયાતની વસ્તુનું વેચાણ ચાલુ રાખવા સરકારે જ આદેશ આપેલો છે. લોકોને લોકડાઉનમાં તે ખરીદવા માટે ઘરની બહાર નીકળવાની પણ છૂટ આપવામાં આવી છે. જોકે, તેમ છતાંય પીઆઈ ચૌધરીએ આજે શાકભાજી વેચતા લોકોને ભગાડવા માટે વર્દીનો રોફ જમાવતા તેમની લારીઓ ઊધી વાળી દીધી હતી.
આ ઘટનાનો વિડીયો આજ સવારથી જ જોરદાર વાયરલ થયો હતો. પીઆઈની આ કરતૂતની રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગંભીર નોંધ લઈને તેમની સામે પગલાં લેવા અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ આપ્યો હતો, અને આખરે કૃષ્ણનગરના પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પીઆઈ સાથે રહેલા બીજા પોલીસકર્મીઓ સામે પણ તપાસ શરુ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ હજુ ગઈકાલે જ જણાવ્યું હતું કે, મક્કમતાપૂર્વક ફરજ બજાવવા પરંતુ, તે સાથે મગજ શાંત રાખી સંવેદનશીલ બની રહેવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લોકડાઉનનો સમય મુશ્કેલ છે, અને લોકોની મદદની ભાવનાથી કામ કરવું જોઈએ. લોકડાઉનના શરુઆતના દિવસોમાં પોલીસ કામથી બહાર નીકળનારાને પણ વગર પૂછે જ મારતી હોવાની વ્યાપર ફરિયાદો સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ પોલીસકર્મીઓને સંયમથી કામ લેવા ટકોર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..