વડોદરામાં બે ફરાર આરોપીને પકડવા માટે PIએ દોઢ કલાક સુધી પાણીપૂરી વેચી, PSI રીક્ષાચાલક બન્યાં તો હેડ કોન્સ્ટેબલે શાકભાજી વેચ્યું

વડોદરા શહેરમાં થયેલી ધર્મેશની હત્યા મામલે પોલીસે આરોપીઓને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. જેમાં પીસીબી પી.આઇ રાજેશ કાનમીયાએ એક ટીમ તૈયાર કરી હતી. જેમાં તેઓ પોતે કિશનવાડી ખાતે પાણીપૂરી વેચવા માટે ઉભા રહ્યા હતા. પી.એસ.આઇ એ.ડી મહંત કિશનવાડી વુડાના મકાન પાસે રિક્ષા ચાલક બની વોચમાં બેઠા હતા. એ.એસ.આઇ કાર્તિંકસિંહ જાડેજા પાનના ગલ્લા પર વોચ રાખી બેઠા હતા. જ્યારે હેડ કોન્સ્ટેબલ કાળુભાઇ વુડાના મકાન પાસે શાકભાજીની લારી લઇ વોચમાં ગોઠવાઇ ગયા હતા. હત્યારો કરણ સરદાર ખૂબ જ ચતુર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ટ્રેપ ગોઠવી પાણીપુરીની લારી પાસે અજયને ઉભો કરી દેવાયો હતો.

આરોપીને પોલીસ હોવાની ખબર પડી ગઈ હતી

પોલીસના પ્લાન મુજબ અજયે કરણને ફોન કરી કિશનવાડીમાં ધર્મેશની હત્યા બાબતે પ્લાનિંગ કરવા માટે ફોન કરી બોલાવ્યો હતો. સામે તરફથી મોપેડ પર આવતા કરણ સરદારની નજર રિક્ષામાં બેઠેલા પોલીસ કર્મી પર પડી અને બન્નેની નજર એક થતા તેને પોલીસની હાજરી ગંધ આવી ગઇ હતી. જેથી તેણે પોતાની મોપેડ ભગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પાણીપુરીવાળાનો વેશ ધારણ કરી ઉભેલા પીઆઇ કાનમીયાએ તેને ઝડપી લીધો હતો.

દોઢ કલાકની મહેનત બાદ બંને ઝડપાયા

સ્થિતિ એવી હતી કે, પી.આઇ રાજેશ કાનમીયાના એક હાથમાં અજય તડવી હતો અને બીજા હાથમાં કરણ સરદારની મોપેડ હતી. અંદાજીત 50 મીટર સુધી ખેંચાયા બાદ રાજેશ કાનમીયા અને તેમની ટીમે કરણ સરદારને દબોચી લીધો હતો. દરમિયાન વિસ્તારમાં એવી વાત ફેલાઇ કે, પાણીપુરીવાળાનો ઝઘડો થયો, જેથી લોકોના ટોળા ઉમટવાના શરૂ થયા હતા. આમ દોઢ કલાકની મહેનત બાદ પોલીસે કરણ સરદારની ધરપકડ કરી અને જીગ્નેશ મારવાડીને પણ ઝડપી પાડ્યો હતો.

પોલીસે જુદા-જુદા વેશમાં પહેરો ભર્યો

અજય તડવીની પૂછપરછમાં ધર્મેશની હત્યા જૂના ઝઘડાની અદાવત રાખી કરવામાં આવી હતી તેવું જાણવા મળ્યું હતું. પરંતુ ધર્મેશની હત્યામાં એકલો અજય નહીં પણ તેના સાગરીત જીગ્નેશ મારવાડી અને કરણ સરદારની પણ સંડોવાણી જણાઇ આવી હતી. આ બન્નેને ઝડપી પાડવા માટે પીસીબીની ટીમે ફિલ્મી ઢબે જુદા જુદા વેશ ધારણ કરી બન્ને હત્યારાઓની ધરપકડ કરી હતી. આરોપીઓને ઝડપી પાડવા પી.આઇ.એ દોઢ કલાક સુધી પાણીપૂરી વેચી હતી.

સમગ્ર હત્યાને અંજામ આપવા પ્લાન બનાવ્યો હતો

ધર્મેશની હત્યા કર્યા બાદ અજય, જીગ્નેશ અને કરણ સરદારે લોહીવાળા કપડાં સળગાવી દીધા હતા અને ત્યારબાદ બીજાં કપડાં પહેરી આખી રાત રેલવે સ્ટેશન પર વીતાવી હતી. વહેલી સવારે અજય વડોદરાથી દમણ ભાગી ગયો હતો. જ્યારે કરણ અને જીગ્નેશ શહેરમાં જ હતા. એક દિવસ દમણ ખાતે રોકાયા બાદ અજય પ્લાન મુજબ ગત 15મી સપ્ટેમ્બરના રોજ પરત વડોદરા આવી બાપોદ પોલીસ સ્ટેશનમાં તેની સામે અગાઉ નોંધાયેલા મારા-મારીના ગુનામાં હાજર થઇ ગયો હતો. તેવામાં બે દિવસ બાદ 17મી સપ્ટેમ્બરના રોજ ધર્મેશ કહાર ઉર્ફે બટકોની લાશ મળી હતી. હત્યાનો ભેદ ઉકેલવામાં લાગેલી પોલીસને અજય અને ધર્મેશ વચ્ચે બે મહિના અગાઉ કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે થયેલા ઝઘડાની જાણ થઇ હતી. જેથી પોલીસે તેને પુછતાછ હાથ ધરતા ધર્મેશની હત્યામાં જીગ્નેશ મારવાડી અને કરણ સરદાર પણ સામેલ હોવાની વાત બહાર આવી હતી. હવે પીસીબી આ બન્નેની શોધમાં લાગી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો