ગુજરાતભરમાં વડોદરામાં બીજીવાર એક સાથે મૂકબધિર ચાર બાળકોની કોકલીયર ઈમ્પ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની સિંઘાનીયા હોસ્પિટલ ખાતે ચુસ્ત કોવિડ તકેદારી હેઠળ એકસાથે ચાર બાળકોની મૂકબધિરતાનું નિવારણ કરવા કોકલિયર ઇમ્પ્લાંટ સર્જરી કરવામાં આવી હતી. કોવિડની મર્યાદાને લીધે આ સર્જરી લાંબા સમય થી અટકી ગઈ હતી.
કોકલીયર ઈમ્પ્લાન્ટ શસ્ત્રક્રિયા દ્વારા જન્મજાત મૂકબધિરતાનો ઈલાજ શોધ્યો
બાળ જન્મ એ પરિવાર માટે વધામણીનો પ્રસંગ છે, પરંતુ, સમય જતાં જ્યારે એવી ખબર પડે કે બાળક બહેર-મુંગુ છે, ત્યારે માતા-પિતા અને પરિવારની ખુશીમાં ઓટ આવે છે અને તેના ભવિષ્ય માટે ચિંતા જાગે છે. તબીબી વિજ્ઞાને હવે કોકલીયર ઈમ્પ્લાન્ટ શસ્ત્રક્રિયા દ્વારા જન્મજાત મૂકબધિરતાનો ઈલાજ શોધ્યો છે. આ ખુબ જટિલ અને મોંઘી સર્જરી હોવાથી ગરીબ અને મધ્યમવર્ગના માતાપિતા તેમના મૂકબધિર બાળકને બોલતો અને સાંભળતો કરવા તે સામાન્ય રીતે ન કરાવી શકે.
26 જેટલા જન્મજાત મૂકબધિર બાળકોની ખામીનું નિવારણ કરાયું
આ મજબુરીનું નિવારણ કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માધ્યમથી અમલમાં મૂકેલા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આ સર્જરી વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. વડોદરા શહેરની સિંઘાનિયા ઇ.એન.ટી.હોસ્પિટલે ઉપરોક્ત કાર્યક્રમના સહયોગી તરીકે વડોદરામાં આ સર્જરી શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં 26 જેટલા જન્મજાત મૂકબધિર બાળકોની ખામીનું નિવારણ કરીને મૂકમ કરોતિ વાચાલમનું સૂત્ર સાર્થક કર્યું છે.
અમે આ સર્જરીની શરૂઆત કરી તે પહેલા જરૂરિયાતમંદ બાળકોની સર્જરી માટે માતા-પિતાને સુરત કે અમદાવાદ સુધી લાંબા થવું પડતું એવી જાણકારી આપતાં ડો.(પ્રો.)અંકિત સિંઘાનિયાએ જણાવ્યું કે, કોવિડની મહામારીને લીધે બધે આ સર્જરી અટકી ગઈ હતી. વડોદરાના ચાર મૂકબધિર બાળકો તેની રાહ જોતાં હતાં. હાલમાં કોરોનની પરિસ્થિતિ થોડી હળવી બની છે તેને અનુલક્ષીને શસ્ત્રક્રિયા ખંડ અને હોસ્પિટલમાં જરૂરી કોવીડ તકેદારીઓને ચુસ્તપણે અનુસરીને તાજેતરમાં એક સાથે આ ચાર બાળકોની વિનામૂલ્યે શસ્ત્રક્રિયા કરી છે. ગુજરાતમાં એક માત્ર વડોદરાની આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં બે વાર એક સાથે ચાર બાળકોનું કોકલીયર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું એ નોંધપાત્ર ઘટના છે.
વડોદરા જિલ્લા અને મહાનગર પાલિકા આરોગ્ય તંત્રનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જરૂરિયાતમંદ મૂકબધિર બાળકોની સર્જરી અને સ્પીચ થેરાપી સહિત રિહેબિલિટેસનમાં ખુબ પ્રોત્સાહક સહયોગ મળે છે, એવી લાગણી વ્યક્ત કરતાં ડો.અંકિતે જણાવ્યું હતું કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવતે જરૂરી એસેસમેન્ટ કેમ્પ યોજીને આવા બાળકોને તારવવા અને સર્જરીનો લાભ આપવાનું પ્રેરક પ્રોત્સાહન આપ્યું હતું અને જિલ્લા આરોગ્ય તંત્રે તેના અમલમાં ઘણો ઉમદા સહયોગ અને પીઠબળ આપ્યું છે.
ખાનગી હોસ્પિટલમાં જેના માટે રૂ.8 થી 10 લાખનો ખર્ચ કરવો પડે તેવી આ સર્જરી અને તેના પછી જરૂરી સ્પીચ થેરાપી ભારત સરકારના આ કાર્યક્રમ હેઠળ અમારી હોસ્પિટલમાં વિનામૂલ્યે થાય છે. જરૂરિયાતમંદ માતાપિતા તેનો લાભ લેવા માટે મહાનગર પાલિકા કે જિલ્લા આરોગ્ય તંત્રનો સંપર્ક કરીને પોતાના મુકબધિર સંતાનને વાણી અને શ્રવણ શક્તિની અણમોલ ભેટ આપી શકે છે. આ સર્જરી જન્મજાત મૂકબધિરતાના કિસ્સામાં 1થી 5 વર્ષની વયમર્યાદામાં કરાવી લેવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..