અમરેલીનાં પરેશ ધાનાણી 22મીએ વિરોધપક્ષના નેતા પદે શપથ લેશે

અમરેલી જિલ્લામાં પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ વિધાનસભાના વિરોધપક્ષના નેતાનું પદ પણ અમરેલી જિલ્લાના ફાળે આવ્યું છે. અગાઉ કોંગ્રેસે આ પદ માટે પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળ્યો, હવે આગામી 22મી તારીખે તેઓ આ પદના શપથ લેવા જઇ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના કોઈ ધારાસભ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદે હોય તેવું પ્રથમ વખત થવા જઈ રહ્યું છે.

અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ

આમ તો વિધાનસભાની ચૂંટણી વખતે પરેશ ધાનાણી કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર પણ મનાઈ રહ્યા હતા. જો કે કોંગ્રેસને ચૂંટણીમાં બહુમતી મળી ન હતી. ત્યારબાદ ધાનાણીને વિરોધપક્ષના નેતા પદે બેસાડવાની તજવીજ ચાલી હતી. ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક અને દિલ્હીમાં મોવડીમંડળ સુધી મામલો પહોંચ્યા બાદ રાહુલ ગાંધીની નજીકના પરેશ ધાનાણી પર વિરોધ પક્ષના નેતા પદની જવાબદારી આવી પડી હતી.

હવે તેઓ આગામી 22મી તારીખે વિરોધ પક્ષના નેતા તરીકે શપથ લેશે. ગાંધીનગરમાં સચિવાલય ખાતે 22મીએ સવારે 9:00 શપથવિધિ સમારોહ યોજાશે. જેને લઇને અમરેલી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ચૂંટાયેલા કોંગ્રેસના નવા પાંચ ધારાસભ્યો પણ અહીં ધારાસભ્ય તરીકેના શપથ લેશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર