પુણેની વાઈરોલોજિસ્ટ મીનલ ભોસલેએ ભારતની સૌપ્રથમ સ્વદેશી કોરોના ટેસ્ટ કિટ બનાવી પછી બાળકીને જન્મ આપ્યો, માત્ર 2.5 કલાકમાં આપશે કોરોનાનો રિપોર્ટ

ભારતમાં બનેલી પહેલી કોરોના વાઇરસ ટેસ્ટિંગ કિટ બજારમાં આવી ગઇ છે. પૂણેની માયલેબ ડિસ્કવરી ભારતની એવી પહેલી કંપની છે કે જેને ટેસ્ટિંગ કિટના ઉત્પાદન અને વેચાણની મંજૂરી મળી છે. પૂણે, મુંબઇ, દિલ્હી, ગોવા અને બેંગલુરુમાં 150 ટેસ્ટ કિટ પહોંચી ચૂકી છે. આ મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક કંપની એચઆઇવી, હેપેટાઇટિસ બી તથા સી સહિતની બીમારીઓ માટેની ટેસ્ટિંગ કિટ પણ બનાવે છે. કંપનીનો દાવો છે કે તે એક અઠવાડિયામાં 1 લાખ કોવિડ-19 ટેસ્ટ કિટ પૂરી પાડશે અને જરૂર પડે તો 2 લાખ કિટ પણ તૈયાર કરી શકે છે. માયલેબની દરેક કિટ દ્વારા 100 સેમ્પલ ચકાસી શકાય છે.

માયલેબ ડિસ્કવરીના રિસર્ચ-ડેવલપમેન્ટ હેડ વાયરોલોજિસ્ટ મિનલ ભોસલેએ જણાવ્યું કે, અમારી કિટ કોરોના વાઇરસના ચેપની અઢી કલાકમાં તપાસ કરી લે છે જ્યારે વિદેશથી આવનારી કિટ દ્વારા તપાસમાં 6-7 કલાક લાગે છે. મિનલ કોરોનાની ટેસ્ટિંગ કિટ (પાથો ડિટેક્ટ) તૈયાર કરનાર ટીમના હેડ છે. આવી કિટ તૈયાર કરવામાં સામાન્ય રીતે 4 મહિના લાગે છે પણ આ ટીમે 6 વીકના રેકોર્ડ ટાઇમમાં કિટ તૈયાર કરી દીધી.

આ સૌપ્રથમ સ્વદેશી કોરોના ટેસ્ટિંગ કિટ વિકસાવવા પાછળનો યુવા ચહેરો છે માયલેબની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ચીફ અને વાયરોલોજિસ્ટ એવી મીનલ દાખવે ભોસલે, જેની દસ રિસર્ચરોની ટીમે દિવસ-રાત એક કરીને માત્ર દોઢ જ મહિનામાં આ કિટ તૈયાર કરી બતાવી છે. અત્યાર સુધી ભારતે વિદેશથી આયાત કરેલી કોરોના ટેસ્ટિંગ કિટથી જ કામ ચલાવવું પડતું હતું, જેની એક કિટની કિંમત 4500 રૂપિયા થતી હતી, જેની સામે એકસાથે 100 સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકતી આ સ્વદેશી કિટ માત્ર 1200 રૂપિયામાં પડે છે. વધુમાં વિદેશથી આયાત કરાતી કિટથી વ્યક્તિનાં સેમ્પલનું રિઝલ્ટ આવતાં સહેજે સાતેક કલાકનો સમય લાગી જાય છે, જ્યારે આ નવી સ્વદેશી કિટથી તે અઢી કલાકમાં જ કહી આપે છે કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ.

રેસ અગેઈન્સ્ટ ટાઈમ

બીજી રસપ્રદ વાત એ છે કે કોરોનાની કિટ પર કામ કરવાની સાથોસાથ મીનલ પૂરા દિવસોની પ્રેગ્નન્ટ હતી. ફેબ્રુઆરીમાં તેને પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન્સ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. પરંતુ ત્યાંથી ડિસ્ચાર્જ થઈને તે સીધી જ આ કિટના કામ પર લાગી ગયેલી. 18 માર્ચે મીનલે પોતાની કિટ પરનું કામ પૂરું કર્યું અને તેને ‘નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાઈરોલોજી’ (NIV)માં ઈવેલ્યુએશન માટે સબમિટ કરાવી દીધી, અને બીજા જ દિવસે તેણે સિઝેરિયન ઓપરેશનથી દીકરીને જન્મ આપ્યો. ઈવન પ્રસૂતિ માટે હોસ્પિટલે જવાની એક કલાક પહેલાં જ મીનલે ભારતીય FDA અને ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટીને આ કિટના કમર્શિયલ ઉત્પાદનની પ્રપોઝલ પણ મોકલી દીધી હતી. આના પરથી મીનલના ડેડિકેશન અને સમયની સામે યુદ્ધ લડવાના પેશનનો ખ્યાલ આવી જાય છે.

મીડિયા સાથેની વાતચીતમાં મીનલ જણાવે છે કે, ‘જો તમે એક સેમ્પલનો દસ વખત ટેસ્ટ કરો તો દસેય વખત તેનું રિઝલ્ટ એકસરખું આવવું જોઈએ. અમે એ સિદ્ધ કરી બતાવ્યું, યાને કે અમારી કિટ પર્ફેક્ટ હતી.’ ભારત સરકાર હસ્તકની ‘કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ’ (ICMR) દ્વારા પણ આ કિટને 100 ટકા પર્ફેક્ટનું સર્ટિફિકેટ મળી ગયું છે.

માયલેબને ભારત સરકાર તરફથી આ ટેસ્ટ કિટ બનાવવાની અને વેચવાની પરવાનગી મળી ગઈ છે. આ કંપની એક અઠવાડિયામાં આવી 1 લાખથી 2 લાખ જેટલી ‘Covid-19’ ટેસ્ટ કિટનું ઉત્પાદન કરવા સજ્જ છે. માય લેબ કંપની HIV, હિપેટાઈટિસ B અને C સહિત અનેક ઘણી બીમારીઓ માટેની ટેસ્ટ કિટ બનાવે છે. હવે તેમાં આ નોવેલ કોરોનાવાઈરસની ટેસ્ટ કિટનો પણ ઉમેરો થયો છે.

મેક્સિમમ ટેસ્ટિંગ, મિનિમમ ફેલાવો

સાઉથ કોરિયા પોતાને ત્યાં કોરોનાવાઈરસનો ફેલાવો અત્યંત અસરકારકતાથી ડામી શક્યું છે, તેનું કારણ છે વ્યાપક ટેસ્ટિંગ. સાઉથ કોરિયાએ જાન્યુઆરી મહિનાથી જ કોરોનાની ટેસ્ટિંગ કિટ બનાવવાનું કામ આરંભી દીધું હતું. ત્યાંની 650 લેબોરેટરીઓને આ ટેસ્ટિંગનું કામ સોંપી દેવાયું હતું. ત્યાં માત્ર દસ જ મિનિટમાં રિઝલ્ટ આપી દે તેવાં ટેલિફોન બુથ ટાઈપનાં ટેસ્ટિંગ કિઓસ્ક પણ ઊભાં કરાયાં હતાં. જેટલા વધુ ટેસ્ટ થાય તેટલું જ ઝડપથી અને વહેલું ડિટેક્શન થાય અને પોઝિટિવ દર્દીઓને આઈસોલેટ કરીને ચેપનો ફેલાવો અટકાવી શકાય. આટલી અસરકારકતા છતાં સાઉથ કોરિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 9 હજાર સુધી તો પહોંચી જ ગઈ છે. તેની સામે ભારતમાં હમણાં થોડા દિવસ પહેલાં સુધી દેશની 118 સરકારી લેબોરેટરીઓમાં જ કોરોનાનાં સેમ્પલનું ટેસ્ટિંગ થતું હતું. ત્યારપછી 50 ખાનગી લેબોરેટરીઓને પણ આ ટેસ્ટિંગ કરવાની પરવાનગી અપાઈ.

આશા રાખીએ કે માયલેબની આ નવી સ્વદેશી કોરોના ટેસ્ટિંગ કિટથી વધુમાં વધુ લોકોનું ટેસ્ટિંગ થાય અને કોરોનાના ફેલાવાને આપણે મૂળમાંથી પકડીને ડામી શકીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો