દીકરીઓને 200 કરોડના બોન્ડ આપનાર લવજીભાઈ બાદશાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન ‘બેટી બચાવો, બેટી પઢાઓ‘ અભિયાનથી પ્રેરણા લઈને 200 કરોડ રૂપિયાની યોજના શરૂ કરનાર લવજીભાઈ ડાલિયા ઉર્ફે બાદશાહ રાજ્યભરમાં ચર્ચામાં આવ્યાં હતાં. દીકરીઓની ઘટતી જતી સંખ્યાના મૂળમાં રહેલી સમસ્યા દીકરીઓનો નિભાવ અને લગ્નનો ખર્ચ હોવાનું કારણ શોધીને બાદશાહે આ દીકરીઓની જવાબદારી ઉઠાવી લીધી હોય તેમ દીકરી 21 વર્ષની થાય ત્યારે પ્રત્યેક દીકરીને બે લાખ રૂપિયા મળી રહે તેવી આ યોજના શરૂ કરી છે. કર્ણની ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવનાર બાદશાહ કિરણ હોસ્પિટલ હોય કે, પછી હોય શિક્ષણ, સમાજ કે આર્મીના જવાનોને થતી સહાય સાથે સેવા અને વિકાસના અસંખ્ય કાર્યોમાં છૂટા હાથે દાનનો અવિરત ધોધ વહાવતા રહે છે.

સૌરાષ્ટ્રમાં થયો જન્મ

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના સેંજળિયા ગામમાં 20 જુલાઈ 1972ના રોજ કંકુબેન અને ડુંગરભાઈ ડાલિયાના ઘરે ચોથા સંતાનનો જન્મ થયો હતો. જેનું નામ માતા-પિતાએ લવજી રાખ્યું હતું. લવજીભાઈએ ધોરણ છ સુધીનો અભ્યાસ કરી સાતમાં ધોરણમાં પ્રાથમિક શાળાના પગથિયા ચડવાની જગ્યાએ 12 વર્ષની નાની વયે સુરતની વાટ પકડી લીધી હતી.

252 રૂપિયાનો મેળવ્યો પહેલો પગાર

લવજીભાઈએ સુરતના શરૂઆતના દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં ચાર મહિના તેઓ હીરા ઘસવાનું(પોલિશિંગ) શીખ્યા અને 12 પેલના કારીગર બન્યા હતાં. એ દરમિયાન તેમને પહેલો પગાર માત્ર 252 રૂપિયા મળ્યો હતો. ત્રણ વર્ષ સુધી હીરા પોલિશ કર્યા હતાં. હીરામાં 12 પેલના કારીગરની સાથે તેઓએ માર્કિસના પણ કારીગર બની ગયા હતાં. દિવસે જે કારખાનામાં કામ કર્યું હોય તે ઘંટી પર જ રાત્રે સૂઈ જતાં લવજીભાઈએ કંઈક કરવાની ઈચ્છાથી સખત મહેનતી સ્વાભાવના કારણે પોતાનું નાનું યુનિટ શરૂ કરવાનો વિચાર કર્યો હતો.

હીરાના વ્યવસાયમાં બે વાર નિષ્ફળતા મળતાં રિયલ એસ્ટેટમાં ચમકી ગયા નસીબ

હીરાના કારખાનામાં ન મળી સફળતા

લવજીભાઈએ જણાવ્યું હતું કે, 3 વર્ષ હીરામાં કારીગર તરીકે કામ કર્યા બાદ 1989માં નાનું કારખાનું(યુનિટ) શરૂ કર્યું હતું. પરંતુ તેમાં ધારી સફળતા મળી નહીં. અને એક જ વર્ષમાં હીરાનું કારખાનું બંધ કરી દેવાની નોબત આવી હતી. વળી, નુકસાન પણ ખૂબ થયું હતું. જે સમય જતાં પિતાએ પુરૂ કર્યું હતું. પરંતુ બાદમાં એ નુકસાનીના કપરા સમયમાંથી ઉઠીને ફરી પોતાની આવડતનો ઉપયોગ કરતાં તેઓ 1990માં પરબતભગત (ગોવિંદકાકાના ભાઈ)ના કારખાનામાં મેનેજર તરીકે રહી ગયા અને ત્યારબાદ વળી 1993માં કારખાનું શરૂ કર્યું પરંતુ વળી ધારી સફળતા ન મળતાં ફરી હીરાના કારીગર બની ગયા હતાં અને આખરે હીરાના ધંધામાંથી બહાર નીકળી ગયા હતાં.

હીરા છોડી જમીનમાં અજમાવ્યું નસીબ

બે વખત હીરાના ધંધામાં નસીબે સાથ ન આપતાં લવજીભાઈએ 1995માં નાના પ્લોટ રાખી મકાન બાંધી વેચવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે નાના નાના જમીન મકાનના કામોમાં સફળતાં મળતાં રાત દિવસ સખત મહેનત કરીને મોટા કામો શરૂ કર્યાં જેમાં બે પૈસા મળતાં પાછું વાળીને તેમણે જોયું નહીં. અને ધીમે ધીમે એક પછી એક આયામોને સર કરતાં આજે જમીન મકાનમાં લવજીભાઈ બાદશાહ બની ગયા છે.તેમના દરેક પ્રોજેક્ટને તેઓ અદભૂત અને આલિશાન રીતે બનાવતાં હોવાની લોકોમાં છાપ છે.

સૌરાષ્ટ્રમાં થયા લગ્ન

લગ્નની વાત કરતાં લવજીભાઈએ જણાવ્યું કે, ત્યારે તેઓ હીરાના કારીગર હતાં. અને ગામની નજીકમાં આવેલા દૂધાળા(પાલિતાણા) ખાતે તેમના લગ્ન કૈલાસ સાથે થયા હતાં. લગ્નજીવનથી લવજીભાઈને ત્રણ સંતાનો છે. જેમાં સૌથી મોટી દીકરી ગોરલ યુકે ખાતે અભ્યાસ કરે છે. જ્યારે લવજીભાઈનો મોટો દીકરો પિયુષ યુનિવર્સિટીમાં છે. અને નાનો નિર્મિત દીકરો 12માં ધોરણમાં અભ્યાસ કરે છે.

સવારે સાત વાગ્યાથી શરૂ થાય દિવસ

લવજીભાઈએ પોતાના નિત્યક્રમ વિષે જણાવ્યું હતું કે, લગભગ સાત વાગ્યા પહેલા તેઓ પથારી છોડી દે છે. અને ત્યારબાદ થોડું વોકીંગ કરી લેવાનું. અને ત્યારબાદ સમય સંજોગો પ્રમાણે દિવસ આગળ વધતો રહે છે. ક્યારે કોઈ સામાજિક કામોમાં કે ધંધાના કામ અર્થે બહાર જવાનું થતું હોય તો ક્યારે દિવસ દરમિયાન અને રાત્રે પણ મોડે સુધી કાર્યક્રમોમાં રહેવાનું થાય તો રાત્રીની ઊંઘ ભેગા ક્યારે થઈએ તે કંઈ કહી ન શકાય.

25 સંસ્થાના છે ટ્રસ્ટી

સામાજિક જવાબદારીઓમાં સતત અગ્રેસર રહેતાં લવજીભાઈ લગભગ 25થી વધું સંસ્થાના ટ્રસ્ટી છે. આટલી બંધી સંસ્થાઓમાં કેવી રીતે કામ કરી શકે તે બાબતે લવજીભાઈએ કહ્યું હતું કે, હું ટ્રસ્ટના કોઈ હોદ્દા પર રહેતો નથી. એટલે ટ્રસ્ટીઓની મીટિંગ હોય કે કોઈ એવા જરૂરી નિર્ણયો લેવાના હોય ત્યારે તેઓ ચોક્કસ સમય ફાળવીને પોતાની જવાબદારીઓનું વહન કરે છે. વળી સહજતાથી તેઓએ કહ્યું હતું કે, આ બધું થઈ જાય છે જેમાં ઉપરવાળાની જ કોઈ ભાગ છે.

સ્વામિ સચ્ચિદાનંદે જીંદગીનો ટ્રેક બદલ્યો

ધર્મમાં શ્રધ્ધા ધરાવતાં લવજીભાઈએ જણાવ્યું હતું કે, મને જે તે સમયે સાધુઓમાં બહુ શ્રધ્ધા નહોતી. પરંતુ સ્વામિ સચ્ચિદાનંદને અમારા કાર્યક્રમમાં સાંભળ્યા પછી તો જાણે ટ્રેક જ ચેન્જ થઈ ગયો અને સાચી સમજ જાણે ધર્મની આવી હોય તેવું લાગ્યું. તેમના વાક્યને વાગોળતા લવજીભાઈએ કહ્યું કે, પુરૂષાર્થ કરતા માણસે રૂપિયા કમાવા જોઈએ. પરંતુ પૈસા માટે પાપ ન કરવું જોઈએ.

દેશને મજબૂત નેતૃત્વ મળ્યાનો આનંદ

દેશના સિમાડાઓ પર ફરજ બજાવતાં સેનાના જવાનો સાથે અસંખ્યવાર મળવા ગયેલા લવજીભાઈએ જણાવ્યું હતું કે, તેઓ દરવર્ષે નડાબેટ બોર્ડર પર સેનાના જવાનો પાસે પહોંચી જાય છે. એકાદ મહિનો દહેરાદૂનમાં આર્મીના જવાનો સાથે ગાળ્યો હોવાથી અને તેમની પિડાને એકદમ નજીકથી જાણી હોવાથી જ્યારે પણ સેના પર હુમલો થાય ત્યારે પોતે સમસમી જતાં હતાં. પરંતુ જ્યારથી દેશને વડાપ્રધાન સ્વરૂપે નરેન્દ્ર મોદી મળ્યા ત્યારે તેઓ ખૂબ ખુશ થયા હતાં. અને દેશને મજબૂત નેતૃત્વ મળ્યું હોવાનો આનંદ થયો હતો.

હીરાના કારખાનનું નુકસાનનું દુઃખ અકથનિય

દુઃખના એ છ મહિનામાં એવું કોઈ પગલું ન ભર્યુ તેના કારણે જ આજે હયાત છું એમ કહેતા લવજીભાઈએ થોડીવાર મૌન થઈ સહજતાથી કહ્યું હતું કે, એ સમયે નુકસાન નાનું હતું પરંતુ દુઃખ વધુ થયું હતું. ગામમાં પિતાની ઊંચી છાપ હતી. અને મેં નુકસાન કર્યુ હોય તેમને વાત કરતાં. જેથી મને વધારે દુઃખ થતું હતું. પરંતુ ત્યારબાદ પિતાના શબ્દો આજે પણ સાચવી રાખ્યા છે કે, જે કરો તે ફરજ, નીતિ અને કર્તવ્યનિષ્ઠાથી કરો તો કોઈ જ ટેન્શન ન આવે.

યુવાનોને સંદેશ

લવજીભાઈએ જણાવ્યું હતું કે, સખત પરિશ્રમ, નીતિ, ફરજ અને કર્તવ્યનિષ્ઠાથી કામ કરતા રહો તો દરેક વિધ્નો દૂર થતાં રહેશે. ટેન્શનથી કે નિષ્ફળતામાં ક્યાંય ભાગી જવાની જગ્યાએ તેનો મુકાબલો મહેનતથી અને કોઠાસૂઝથી કરો તો સફળતા પણ એટલી દૂર નથી જેટલી નિષ્ફળતા હોય.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

જ્ઞાતિરત્નો