ભર ઉનાળે રાજ્યના અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાક કમોસમી વરસાદ તો ક્યાક વાદળછાયુ વાતાવરણ રહ્યુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી ગયા છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળી છે. અમદાવાદમાં ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીમાં આંશિક રાહત છે.

રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનના કારણે સમગ્ર બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી ધૂળની ડમરીઓ સાથે પવનની ગતિ તેજ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વહેલી સવારે વરસાદ પડતા સંગ્રહ કરેલા ઘંઉ અને બટાટાને નુકસાન થવાને લઇ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

જ્યારે આ બાજું સુરતમાં પણ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની સાથે ધૂળની ડમરીઓ જોવા મળી. ત્યારે વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જો કે કેરીના પાકને નુકસાન થવાની પણ ભીતિ છે.

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ભારે ગીજવાજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ કમોસમી વરસાદ હોવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં સોમવાર બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ ધૂળની ડમરી ઉડી રહી છે. તો શહેર ભરમાં ધૂળિયા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ 24 કલાક શહેરમાં વાતાવરણમાં પલટો અનુભવાશે. ધુળને કારણે વાહનચાલકો પરેશાન છે. તો શ્વાસના દર્દીઓની તકલીફ વધી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયકોલનિક સરક્યુલેશનથી સોમવારે અમદાવાદમાં ગરમીનો પારો 3.7 ડિગ્રી ગગડીને 38.5 ડિગ્રી થયો હતો. બપોર પછી ધૂળિયા વાતાવરણને કારણે બફારો વધ્યો હતો. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે બપોર પછી 30થી 50 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે.

આજે અમદાવાદ અને આસપાસનાં વિસ્તારમાં વાદળિયા વાતાવરણ સાથે વાતાવરણમાં ઠંડક વધશે. બપોર પછી 30થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. ત્યારબાદ બે દિવસ ગરમીથી થોડી ઘણી રાહત મળવાના સંકેત છે.

ઉલ્લેખનિય છે કે સોમવારે બપોર પછી ધૂળની ડમરી ઊડી હતી અને વાતાવરણ દિવસભર વાદળછાયું રહ્યું હતું. શહેરમાં કેટલાક સ્થળોએ ડમરીને કારણે વિઝિબિલિટીમાં થોડો ઘણો ઘટાડો પણ જોવા મળ્યો હતો. શનિવારથી ફરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો