સુરતની 21વર્ષની બ્રેન ડેડ યુવતીનું હાર્ટ સુરતના જ યુવાનને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું

સુરતમાં બ્રેનડેડ થયેલી એક 21 વર્ષની પટેલ સમાજની યુવતીનું હાર્ટ 269 કિ.મી.નું અંતર 107 મિનિટમાં કાપીને મુંબઇ પહોંચાડાયું અને મુંબઇની હોસ્પિટલમાં સુરતના 26 વર્ષના યુવાનને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું. સુરતથી આ 21મું હાર્ટ ડોનેશન થયું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી હવે હાર્ટ ડોનર તરીકે પણ જાણીતી થઇ છે.

ડોનેટ લાઇફના સ્થાપક નીલેશ માંડલેવાળાએ કહ્યું હતું કે જ્હાન્વી તેજસભાઇ પટેલ 21 વર્ષના હતા અને તેઓ બ્રેન ડેડ થયા હતા. પણ તેમનું હાર્ટ ધબકતું હતું.પરિવારજનોને હાર્ટ ડોનેટ કરવા વિનંતી કરી અને તેઓ માની ગયા.ઝડપથી પ્રોસિજર શરૂ કરીને સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર કરીને હાર્ટને વિમાન મારફતે મુંબઇની ફોર્ટીસ હોસ્પિટલમાં પહોંચાડાયું. જયાં સુરતના હાર્ટ પેશન્ટ 26 વર્ષના લાલજી ગેડિયાને સફળતા પૂર્વક ટ્રાન્સ્પ્લાન્ટ કરવામાં આવ્યું. માત્ર 107 મિનિટમાં હાર્ટને મુંબઇની હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું હતુ.

તા.17મીએ જાહ્નવી તેમના મિત્ર સાથે કારમાં જઈ રહી હતી ત્યારે અકસ્માતે બોનેટ પરથી પડી જતાં તેના કામ અને નાકમાંથી લોહી વહેવા માંડ્યું હતું. ગંભીર સ્થિતિમાં તેમને સારવારાર્થે વેસુની એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે આઇએનએસ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને બ્રેન ડેડ જાહેર કરી હતી. એ સાથે જ તબીબે ડોનેટ લાઇફનો સંપર્ક કર્યો હતો. ડોનેટ લાઇફના સ્થાપક પ્રમુખ સહિતના હોદ્દેદારોએ જાહ્નવીના પિતા તેજસભાઈ અને માતા અમિતાબહેન તેમજ તેજસભાઈના મિત્રો વિમલ અગ્રવાલ, મુકેશ બૈદ્ય, દિનેશ પટેલ, રાજીવ પટેલે વગેરેએ પણ અંગદાન અંગે સમજ આપી હતી. પરિણામે આ પરિવાર અંગોનું દાન કરવા તૈયાર થયો હતો.

માંડલેવાળાએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં સુરતથી 15 હાર્ટ મહારાષ્ટ્ર, 3 ગુજરાત,1 તમિલનાડુ,1 મધ્યપ્રદેશ અને 1 દિલ્હી એમ કુલ 21 હાર્ટનું સુરતથી ડોનેશન થયું છે. સ્વર્ગસ્થ જાહ્નવીની સ્મશાનયાત્રા તેમના વેસુ સ્થિત નિવાસસ્થાન સ્વસ્તિક વિહાર એપાર્ટમેન્ટ ખાતેથી નીકળી રામનાથઘેલા – ઉમરા સ્મશાનગૃહે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો