નકામી બોટલોના ઉપયોગથી ભાંડુતના આ પટેલ ખેડૂતોનો ટપક સિંચાઈનો નવતર પ્રયોગ

સમગ્ર ગુજરાતમાં પીવાનાં પાણી અને સિંચાઈનાં પાણીનું સંકટ જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે. કરોડોના ખર્ચે આ કાંઠા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે હાલમાં નહેરોનું નવીનીકરણ કર્યું છે છતાં કાંઠા વિસ્તારમાં સિંચાઈનાં પાણી પહોંચ્યાં નથી. જેથી કાંઠા વિસ્તારના ભાંડુત ગામના ખેડૂતો પોતાના શાકભાજીના પાકને બચાવવા નવતર પ્રયોગ કરી રહ્યા છે.

શાકભાજીનો પાક બચાવવા ખેડૂતોએ ટપક સિંચાઈની આ પદ્ધતિ અપનાવી

ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભાંડુત ગામમાં આમ તો ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નહેરોનું નવીનીકરણ કર્યું છે. પણ આ ગામ સુધી બીજા રોટેશન પછી પણ સિંચાઈનાં પાણી પહોંચી શક્યા નથી. ગામના લોકોએ સરકારની વાત માની ચાલુ વરસે ઉનાળુ ડાંગરનો પાક લીધો નથી. ગામના લોકોએ ટીંડોળા, પરવળ, પાપડી, ભીંડાની ખેતી કરી છે. જોકે, સિંચાઈનાં પાણી નહીં મળતાં તેમનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે ભાંડુત ગામના ખેડૂતો ઠંડાં પીણાંની ખાલી બોટલો એકત્રિત કરી તેમાં પાણી ભરી વેલા દીઠ એક-એક બોટલ મૂકી પોતાનો પાક બચાવવા મથામણ કરી રહ્યા છે.

ઠંડાં પીણાંની બોટલ ભરીને ટીપું ટીપું પાણી છોડને અપાય છે

દર વર્ષે ઉનાળામાં ઓલપાડના કાંઠા વિસ્તારનાં ગામોનાં તળાવો, સીમમાંથી પસાર થતી કોતરો અને ગામમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવેલા ચેકડેમો સુકાઈ ગયા છે. આવા સમયે ભાડૂત ગામના ખેડૂતો પોતાના શાકભાજીના પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. કેમ કે વેલાવાળા શાકભાજી પાણી વગર સુકાઈ જાય તો ખેડૂતનો પાક નિષ્ફળ થઇ જાય અને ખેડૂતો દેવાદાર બની જાય છે. ઓલપાડનાં કાંઠા વિસ્તારનાં કેટલાંય ગામોના ખેડૂતો આજે પણ સિંચાઈનાં પાણી માટે રાહ જુએ છે. તો કેટલાક ખેડૂતો ટ્રેક્ટર દ્વારા પોતાના ખેતર સુધી તો કેટલાંક મશીનો મૂકી પાક બચાવવા ધમપછાડા કરી રહ્યા છે. જેમાં નાના ખેડૂતો પાયમાલ થવાના આરે છે. પોતાની વેદના કોઈને સંભળાવી શકતા નથી. ખેડૂતો મહામૂલો પાક બચાવવા માટે ઠંડા પીણાંની ખાલી બોટલનો સહારો લઈ રહ્યાં છે.

ઠંડાં પીણાંની બોટલ ભરીને ટીપું ટીપું પાણી છોડને અપાય છે

પાણીની તકલીફને લઈ પાકને બચાવવા દૂરથી પાણીના કેરબા ભરી લાવી અને ખેતરમાં ઠંડાં પીણાંની બોટલ ભરી છોડવે છોડવે બોટલ મૂકી બોટલમાં કાણાં પાડી ઊભા પાકના મૂળ પાસે ટીપું ટીપું પાડી પાણી આપીએ છે. – કલ્પના પટેલ, ખેડૂત, ભાંડુત ગામ

પરિવારના ભરણપોષણનો આધાર જ શાકભાજીની ખેતી

અમારા ગામમાં મોટા ભાગના ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે. પરિવારનું ભરણપોષણ ખેતી અને પશુપાલન આધારિત હોય છે. આવા સમયે તેમનો પાક નિષ્ફળ જાય તો માથે આભ તૂટી પડે. એક તરફ સિચાઈ વિભાગે રોટેશન પ્રમાણે કાંઠાના વિસ્તારમાં પાણી આપવાની વાત કરી હતી પરંતુ બે રોટેશન પૂર્ણ થવા છતાં ભાંડુત માઈનોરમાં સિંચાઈનાં પાણી પહોંચ્યાં નથી. જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. – રમેશ પટેલ, ભાંડુતના ખેડૂત

શાકભાજીનો પાક બચાવવા બોટલ થકી પાણી અપાય છે

ભાંડુત, કપાસી, આડમોર, પિંજરત, તેના, ટુંડા, ડભારી જેવાં ગામો આજે સિંચાઈનાં પાણી માટે નહેર તરફ મીટ માંડી બેઠા છે. જોકે, કેટલાક ખેડૂતો પોતાનો શાકભાજીનો પાક બચાવવા ઠંડાં પીણાંની ખાલી બોટલો એકત્રિત કરી તેમાં પાણી ભરી અને બોટલમાં નાનું કાણું કરી શાકભાજીના વેલાના મૂળ સાથે બોટલ મૂકી પાણી પીવડાવી શાકભાજી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ નવતર પ્રયોગમાં ભારે પરિશ્રમ કરવો પડે છે. કેમ કે અઠવાડિયામાં બે વાર આ પ્રક્રિયા કરવી પડે છે. – હેમંત પટેલ, સરપંચ ભાંડૂત ગામ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

ખેડુપ્રેરણાત્મક સ્ટોરી