ઉધના પોલીસની ટીમ નવસારી રોડ ઉપર પેટ્રોલિંગ કરતા લક્ષ્મીનારાયણ મંદિર પાસે પહોંચી. અહીં સર્વિસ રોડ સાથેના ફૂટપાથ ઉપર એક યુગલ બેસેલું દેખાયું. સૂકાભટ-ચિંતાતુર ચહેરે બેસેલા આ દંપતી પર નજર પડતાં પીસીઆર વાન તેમની પાસે પહોંચી. ગાડી ઊભી રહી એટલે મહિલાના પાલવમાંથી એક માસૂમ ચહેરો બહાર આવ્યો. માંડ દોઢ વર્ષનું આ બાળક એકીટસે પોલીસની ગાડી તરફ જોવા માંડયું. ગાડીનો દરવાજો ખૂલ્યો. મહિલા અધિકારી બહાર નીકળ્યા એટલે માસૂમ બાળકની નજર ત્યાંથી હટી માતાના ચહેરા ઉપર ચોંટી. ચિંતાતુર ચહેરા ઉપર પરસેવાની બૂંદ ઉપસી આવી. લૉકડાઉનનો ભંગ બદલ પોલીસ મારતી હોવાથી આ દંપતી ડરી ગયું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શ્રામિક દંપતીની દહેશત સાચી પડતી હોય એમ લેડી ઓફિસરે કડકાઇભર્યા અવાજે પૂછયું: કહાં સે આયે હો..? દંપતી જવાબ આપે એ પહેલાં ગોળીની જેમ બીજો સવાલ છૂટયો યહાં ક્યોં બેઠે હો ? પતા નહીં હે યહાં બેઠના અલાઉડ નહી હૈ… યંગ લેડી ઓફિસરના મોઢેથી નીકળતા પ્રશ્નોનો શું જવાબ આપવો એ આ દંપતીને સૂઝતું ન હતું. યુગલ શાંત રહ્યું એટલે વધુ એક પ્રશ્ન પૂછાયો બોલો, યહાં ક્યોં બેઠે હો? ફરી જવાબ નહીં મળતાં દંડો આગળ કરી અધિકારીએ કહ્યું ચલો જાઓ ઘર.. હવે નહીં બોલે તો કંઇપણ થશે એવું વિચારી યુગલ પૈકી મહિલા બોલી. બલસાડ પારડી સે આયે હૈ, સતના જાના હૈ.
આ સાંભળી લેડી ઓફિસ ચોંકી, તેણીના ચહેરા ઉપર આશ્ચર્ય ભાવ સાથે મોઢામાંથી અચાનક શબ્દો સરી પડયા.. ક્યા ? સામે જવાબ મળ્યો, હા મેડમ, બલસાડ સે આયે હૈ, મધ્યપ્રદેશ કે સતના જાના હૈ… આપ કો પતા હૈ સતના કિતની દૂર હૈ. ? વધુ એક પ્રશ્નના જવાબમાં યુગલ એકસાથે બોલી ઉઠયું હોગા કરીબ ૧૧૦૦ કિલોમીટર.. ઔર આપ વહાં તક ચલતે જાના ચાહતો હો ? જી મેડમ.. ન હાથ કો મજદૂરી હૈ, ન મુંહ કો નિવાલા, કોઇ રાસ્તા હી નહી ૧૧૦૦ કિલોમીટર ચલને કે અલાવા.. શ્રામિકની આ વાત સાંભળી લેડી ઓફિસરની કડકાઇ હવે ઓગળવા માંડી અને માનવીય સંવેદના જાગી.
તેણીએ આ યુગલ સાથે કરેલી વાતચીતમાં એવું બહાર આવ્યું કે સતનાનું વતની એવું આ કૌશલ દંપતી પારડીમાં કામ કરતું હતું. મોહન કૌશલ તેની પત્ની સાથે છૂટક મજૂરી કરતો. દોઢ વર્ષના બાળક સાથે આ શ્રામિક દંપતી ખુશ હતું. જો કે તેમના આ સુખને કોરોના વાઇરસ લાગ્યો. લૉકડાઉન જાહેર થયું એટલે રોજગારી બંધ થઇ ગઇ. બચત જેવું કશું હતું નહીં. સેવાભાવીઓની મહેરબાની ઉપર ૪૦ દિવસ જેમતેમ કાઢયા. હવે એ મહેરબાનીમાં પણ ઓટ આવવા માંડી હતી. લૉકડાઉન ક્યારે ખૂલે, ફરી રોજગારી ક્યારે મળે એ અનિશ્ચિત હોવાથી દંપતીએ વતન જવાનું નક્કી કર્યું.
બસની વાત સાંભળી એ માટે દોડાદોડી કરી પરંતુ ભાડું સાંભળી શરીરમાંથી લાચારીનું લખલખું પસાર થઇ ગયું. કોઇ મદદ મળે એવું લાગતાં આ દંપતીએ પગપાળા જ વતનની વાટ પકડી. ત્રીજા દિવસે તેઓ સુરત આવ્યા હતાં. આ વાતચીત દરમિયાન ઉધના પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ. વી. પટેલ ત્યાં આવ્યા. એએસઆઇ જોષીએ તેમને શ્રામિક યુગલની વાત કરી. પટેલે તેમને સાથે લીધા. શેલ્ટર હોમમાં રાખ્યા, જમાડયા અને પછી બીજા દિવસે વતન જવા વ્યવસ્થા કરી. મધ્યપ્રદેશ રવાના થયેલી બસમાં યુગલને બેસાડવા સાથે ઘરખર્ચી માટે પૈસા પણ આપ્યા. શ્રામિક યુગલના કપાળ ઉપરથી ચિંતાની લકીરો દૂર થઇ. દહેશતનો પરસેવો ઠર્યો અને આંખમાં હર્ષાશ્રાુ છલકાઇ આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..