ઉત્તર-પૂર્વના બર્ફીલા ઠંડા પવનથી ઉત્તર ગુજરાતમાં હાડ થીજાવતી ટાઢ અને આવી કડકડતી ઠંડીમાં પણ મોડી રાત્રે ખેડૂત ખેતરમાં પિયત કરવા માટે મજબૂર

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા વચ્ચે ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા હેમ પવન ફૂંકાતાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સાડા ચાર ડિગ્રી સુધી ઘટાડો નોંધાયો હતો. જેના કારણે ઉ.ગુ.ના મુખ્ય પાંચેય શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે આવી ગયું હતું. આખો દિવસ ઠંડો હેમ પવન ફૂંકવાના કારણે શરીર પર સોય વાગતી હોય તેવી અસહ્ય ઠંડી અનુભવાઈ હતી. 1954માં 10 જાન્યુ.એ ઠંડીનો રેકોર્ડ નોંધાયો હતો, ડીસાનું લઘુત્તમ તાપમાન 2.8 ડિગ્રી નોંધાયું હતુ. 12 મીએ ફરી વાદળછાયું વાતાવરણ થવાની શકયતા હોવાથી ઠંડીથી થોડી રાહત મળશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, 11 જાન્યુઆરીએ કાતિલ ઠંડીની આ સ્થિતિ બની રહેશે. આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં આંશિક ઉતાર-ચઢાવ રહી શકે છે. ત્યારબાદ 12 જાન્યુઆરીએ ઉત્તર ભારતમાં વેસ્ટન ડિર્સ્ટબન્સ (પશ્ચિમ વિક્ષોભ) સર્જાતાં ઉત્તર ગુજરાત વાદળછાયું બનવાની સાથે ઠંડી ઘટી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ વર્ષ 1954 ની 10 જાન્યુઆરીએ નોંધાયો હતો. એ દિવસે ડીસા શહેરનું લઘુત્તમ તાપમાન માત્ર 2.8 ડિગ્રી  નોંધાયું હતું.

9.5 ડિગ્રી કડકડતી ઠંડીમાં પણ મોડી રાત્રે ખેડૂત ખેતરમાં પિયત કરવા જાય છે

રાત્રીના નવ થયા છે. તાપમાન ઘટીને 15 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે. આ સમયે જિલ્લાના કુકરવાડા(મંડાલી)ની સીમમાં વિષ્ણુભાઈ લક્ષ્મણભાઇ પટેલ કપાસના ખેતરમાં પાણી આપી ગારવણ કરી રહ્યા છે. બોરમાંથી આવતું હૂંફાવળું પાણી ઠંડા પવનના સ્પર્શથી વરાળ સ્વરૂપે ઉડી રહ્યું છે. તેમની સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે, એક વિઘા જમીનમાં પિયત કરતાં ત્રણેક કલાકનો સમય લાગે છે. જ્યાં સુધી પાણીમાં ઉભા છીએ ત્યાં સુધી ઠંડી ઓછી લાગે છે. બહાર આવતાની સાથે શરીર ધ્રુજી ઉઠે છે, દાંત કડકડ કરતાં ખખડે છે. એમાં પણ ઘણી વખત ઠંડો પવન ફૂંકાય તો શરીર ઝકડાઈ જવાની સાથે આંખે અંધારા આવી જાય તેવી સ્થિતિ ઉભી થાય છે. આ સમયે તાપણું એક માત્ર રક્ષા કવચ સાબિત થાય છે.

ભીના શરીરે ખેતરમાં ખુલ્લામાં ઉભું રહેવું જોખમી

ખેતરમાં આવતું બોરવેલનું પાણી ઊંડે થી આવતું હોઈ તે સામન્ય ગરમ હોય છે. ખેડૂત જ્યાં સુધી પાણીમાં રહે ત્યાં સુધી તેને ઠંડી ઓછી લાગતી હોય છે. પરંતુ તે જેવો પાણીની બહાર આવે છે ત્યારે શરીર ધ્રુજી ઉઠે છે. દાંત કકડે છે. આ સ્થિતિ ઘણી વખત જોખમી સાબિત થઈ શકે છે. તેનું કારણ એ છે કે ઠંડા પવનના સ્પર્શના કારણે શરીર કરતાં પાણી ઝડપથી ઠંડુ થઈ જાય છે. બહારના વાતાવરણ સાથે શરીર ઝડપથી અનુકૂળ થતું નથી.- ડૉ. સંજય એસ.શાહ, પ્રિન્સિપાલ, સાયન્સ કોલેજ, પિલવાઈ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો