મારા ૩ વર્ષના દિકરાને ભરખી જનારી ભાભી જીવનભર જેલમાં સબડવી જોઇએ.. કાલે ખુશાલનો ચોથો બર્થ-ડે હોત; અમારા દિકરાની હત્યાનું વેર તેના દિકરા સામે ઉતારવાને બદલે તેને વ્હાલ કરીશું.. આ છે વર્ષ-૨૦૧૯ની સૌથી હૃદયસ્પર્શી અને સંવેદનાસભર સત્યકથા’
રાજકોટમાં દિયર-દેરાણીના ૩ વર્ષના એકના એક દીકરાનું ઈર્ષાની આગમાં ખૂન કરી નાખનારી જેઠાણી તો જેલહવાલે થઈ ગઈ પરંતુ અહીં આ દર્દનાક સત્યકથામાં નવો વળાંક આવે છે. સમાજમાં ક્રુર લોકો હોય છે તો બીજી તરફ માફી આપનારા દરિયાદિલ લોકો પણ હોય છે, ભાભી જેલહવાલે થયા બાદ તેના એકના એક પુત્રનું શું થયું હશે ? એ પ્રશ્નનો જવાબ બહું હૃદયસ્પર્શી છે-ભાભીએ જેના દીકરાનું ખૂન કરી નાખ્યું એ દિયર અને દેરાણી જ આજે તેના પાલક માતા-પિતા બન્યા છે. હા, જેલમાં ધકેલાયેલી ભાભીના પુત્ર માધવને કાકા-કાકી એટલા જ વ્હાલથી રાખી રહ્યા છે. માધવની માતા અમારા વ્હાલસોયાને ભરખી ગઈ પરંતુ માધવનો શું વાંક ? હમણા જ એ અમારી સાથે જમ્યો, બાળક તો બાળક હોય છે.
રાજકોટમાં બે દિવસ અગાઉ આંગણવાડીએથી ૩ વર્ષના ખુશાલને લઈ જઈ તેના ભાભૂએ તેને મોતને ઘાટ ઉતારી લાશને કોથળામાં વીંટી કચરાપેટી પાસે ફેંકી દીધેલી. ખુશાલના પિતા કમલેશભાઈ ડોબરિયા ૩૦મી ડિસેમ્બરે રાત્રે કહે છે ‘કાલે તા.૩૧મી ડિસેમ્બરે મારા પૂત્રનો બર્થ-ડે હતો પણ આજે એ અમારી વચ્ચે નથી. મારી ભાભી જ આવું કરશે એ અમે કદિ સપનામાં પણ વિચાર્યું ન હતું. અમે બન્ને ભાઈઓ જુદા જુદા રહીએ છીએ- ૪ વર્ષથી ભાભી પરણીને આવેલી પણ કદિ આવી ક્રુરતા કે ધિક્કાર જણાયા ન હતા. મારા પૂત્રને એ આંગણવાડીએથી લઈ ગયા અને મોતને ઘાટ ઉતારી નાખ્યો.
આમ છતાં અમારી પાસે કલાકો સુધી કબૂલ્યું નહીં. છેલ્લે પોલીસ પાસે એણે કબૂલવું પડયું- મારા દીકરાને તો કાલે ૩ વર્ષ થવાના હતા, એ માસૂમનો શું વાંક ? આવી ભાભી જીવનભર જેલમાં સબડે તો જ અમને ન્યાય મળ્યો ગણાશે.
એ જીવે ત્યાં સુધી જેલમાં સડવી જોઈએ. પારૂલભાભીને અમે આ ઘટનાના એક દિવસ અગાઉ ખુશાલના બર્થ-ડેનું આમંત્રણ આપવા ગયેલા ત્યારે એણે એમ કહેલું કે પાર્ટીમાં ઘરે જમાડશો કે હોટેલમાં ? અમારૂ દિલ તો સાફ હતું પણ તેના દિલમાં કેવી ક્રુરતા હશે તે અમે જાણી ના શક્યા.
કમલેશભાઈ કહે છે કે મારા ભાઈ-ભાભીનો પુત્ર માધવ ખુશાલથી ૪ મહિના મોટો એટલે કે માંડ સવા ત્રણ વર્ષનો છે. તેની માતાએ મારા પુત્રને મારી નાખ્યો પણ એમાં માધવનો શું વાંક ? પારૂલભાભી જેલહવાલે થતાં જ માધવ અમારે ત્યાં આવ્યો છે. એ હમણા જ અમારી સાથે જમ્યો. અમારા માટે એ અમારા દીકરા જેવો જ છે.
કમલેશભાઈ અને યશોદાબેને ૩ વર્ષના વ્હાલસોયાને બહું જ કરૂણતા સાથે ગૂમાવ્યો છે. આ વજ્રઘાત છે પરંતુ આવી ઘટના છતાં તેમના હૃદયમાં પોતાના સંતાનને મોતને ઘાટ ઉતારનારી મહિલાના પુત્ર પ્રત્યેના વ્હાલના દરિયામાં લગીરે ઓટ આવી નથી- આ જ છે માનવીય ગરિમા આ જ છે સંવેદના ! એક જ પરિવારના સભ્યોની ભાવનામાં કેટલો ફરક ?
ખૂની ૫ત્નીથી પતિએ પણ છેડો ફાડી નાખ્યો
ખુશાલના પિતા કમલેશભાઈ કહે છે કે મારો ભાઈ પણ પોતાની પત્નીના આ ખૂની પગલાથી સ્તબ્ધ છે તેણે કહી દીધું છે કે હવે મારે પણ તેની સાથે કોઈ સ્નાન-સૂતકનો સંબંધ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..