સુરતમાં 106 વર્ષના ગોવિંદ દાદા સહિત પરિવારના 7 સભ્યોએ ઘરમાં જ રહી આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

કોરોના કરતાં કોરોનાનો ડર લોકોને વધારે સતાવી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસની સાથે રિક્વરીની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં રહેતા ગોયાણી પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એક જ પરિવારની ચાર પેઢી એક સાથે સંક્રમિત થઈ હતી. જેમાં 106 વર્ષની સૌથી વધુ ઉંમરના દાદા અને સાડા ત્રણ વર્ષનો તેમનો પ્રપૌત્ર, ગર્ભવતી પૌત્રવધુ સહિતના સાત લોકો કોરોનાગ્રસ્ત થયા હતા. પરિવારના તમામ સભ્યોએ ઘરમાં જ આઈસોલેશનમાં રહીને આયુર્વેદિક પધ્ધતિથી કોરોના સામેનો જંગ જીત્યો હતો. ગોયાણી પરિવારનું કહેવું છે કે, કોરોના થાય તો સારવાર લો, માનસિક રીતે મજબૂતીથી કોરોનાને ઝડપથી હરાવી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પૌત્રને સૌ પ્રથમ કોરોના થયો

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી કંપનીમાં કામ કરતાં 106 વર્ષના ગોવિંદભાઈ ગોયાણીના પૌત્ર કેડીને સૌ પ્રથમ બે દિવસ તાવ આવ્યો હતો. જેથી તેનો રિપોર્ટ કરાવાતા તેનામાં કોવિડ-19નો ચેપ હોવાનું સામે આવ્યું હતું. ઘરમાં એક પોઝિટિવ કેસ હોવાથી અન્ય સભ્યોનો પણ રિપોર્ટ કરાવાયો હતો. નવ સભ્યોનો રિપોર્ટ કરાવાતા એક જ પરિવારની ચાર પેઢીમાં ગોવિંદ દાદા, તેમના પુત્ર લાધાભાઈ અને પત્ની શિવકુંવરબેન, પૌત્ર કેડી અને અશ્વિન-પત્ની કિંજલ, પ્રપૌત્ર સનતનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કોરોના ચેપથી બચેલા સભ્યોને અન્યત્ર મોકલાયા

ઘરના તમામ સભ્યોમાં કોરોનાના માઈલ્ડ લક્ષણો જોવા મળ્યાં હતાં. જેથી પરિવારના સભ્યોએ ઘરમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું હતું. ઘરમાં ચેપમાંથી કેડીના પત્ની કાજલ અને દીકરી ધ્વીજા અને ગોવિંદદાદાના પત્ની કાશીબા (ઉ.વ.આ.97) ત્રણનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી આ ત્રણેયને સંબંધીઓના ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં.

ગર્ભવતી કિંજલને તાવ આવતાં ટેન્શન વધેલું

કોરોનાને હરાવનાર કેડી ગોયાણીએ જણાવ્યું હતું કે, ઘરના તમામ સભ્યોનો રિપોર્ટ ભલે પોઝિટિવ આવ્યો હોય પરંતુ કોઈને ખાસ કંઈ તકલીફનહોતી. સારવારના બીજા ત્રીજા દિવસે અશ્વિનભાઈના ગર્ભવતિ પત્ની કિંજલને તાવ આવ્યો હતો. તાવ ઓછો હતો પરંતુ અમે ટેન્શનમાં આવી ગયા હતાં.ડોક્ટર સાથે ફોન પર વાત કરીને તેમણે સૂચવેલી દવાથી તેનો તાવ હટી ગયો હતો. જેથી અમે ટેન્શન મુક્ત થઈ ગયાં હતાં.

દાદાને જાણ જ નહોતી કરી

અશ્વિનભાઈ ગોયાણીએ જણાવ્યું હતું કે, અમે દાદાને કહ્યું જ નહોતું કે તમને કોરોના છે. તેઓ 106 વર્ષની વયે પણ સ્વસ્થ છે. આમ પણ તેઓ બહાર જતા નથી અને કોરોનાના લોકડાઉન બાદ તો તેઓ ઘરની બહાર જ નીકળ્યા નથી. તેમને એટલી ખબર છે કે, શહેરમાં મહામારી ફેલાઈ છે. પરંતુ તેઓ પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે તે વિષે તેને જાણ જ નથી કરી. હવે બધા કોરોના મુક્ત થઈ ગયા છે જેથી આનંદ છે.

મજબૂત મનોબળથી કોરોનાને હરાવી શકાય

લાધાભાઈ ગોયાણીએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હવે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોના સંક્રમણ કરતાં પણ તેનો ડર લોકોના મગજમાં હાવી થઈ ગયો છે. કોરોના કરતાં તેનો ડર વ્યક્તિની તબિયત સુધરવા દેતો નથી. પરંતુ માનસિક રીતે મજબૂત રહીએ અને હકારાત્મક વિચારોથી કોરોનાને હરાવી શકાય છે. ક્વોરન્ટીન સમય દરમિયાન રાધે રેસિડેન્સી સોસાયટીના પ્રમુખ, એપાર્ટમેન્ટના સભ્યો અને સંબંધીઓ અને મિત્રો જરૂરી ચીજવસ્તુઓ ઘર સુધી પહોંચાડી જતાં હતાં તેનો પણ સારો સપોર્ટ ખરેખર કોરોનાને હરાવવામાં કામ આવ્યો હતો.

આયુર્વેદિક ઉકાળા અને ફાકીનું સેવન કર્યું

સારવાર અંગે કેડી ગોયાણીએ જણાવ્યું હતું કે, આયુર્વિદેક દવા માટે ડો. મેધાબેન પટેલ ઘરેથી જ ફોન પર માર્ગદર્શન આપીને દવાઓ આપતાં હતાં. રસિકભાઈ ઈટાલીયા દ્વારા પરિવારને ફાકી પહોંચાડવામાં આવતી હતી. આયુર્વેદિક ફાકીનું ભુખ્યા પેટે ત્રણ ટાઈમ સેવન કરવામાં આવતું હતું. ડો.સંજયભાઈ સાવલિયા દ્વારા વિટામીનની ગોળીઓ, એલોપેથિક દવાઓ આપવા અને ઓક્સિજનનું લેવલ ચેક કરવા તેઓ ઘરે આવતાં હતાં. સાથે જ દરેક સભ્યો ગરમ પાણીના કોગળા કરતાં, હળદરવાળું દૂધ પીતા અને લીંબુ અને ઉકાળાનું સેવન કરતાં હતાં.

25 વર્ષથી સુરતમાં રહે છે

મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના ગોવિંદભાઈ રત્નાભાઈ ગોયાણી તેમના બીજા નંબરના સંતાન લાધાભાઈ સાથે સુરતના મોટા વરાછા સ્થિત રાધે રેસિડેન્સી રહે છે. ગોવિંદભાઈને સાત સંતાનો છે. અને તેમના સંતાનો અને તેમના ઘરે પણ સંતાનો છે. જેથી 80 જેટલા સભ્યોના દાદા એવા ગોવિંદદાદા લાધાભાઈ સાથે 25 વર્ષથી સુરતમાં રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો