રાજસ્થાનના ઉદેપુર પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં વડોદરા નજીક આવેલા પાદરાના 5 લોકોના મોત થયા હતા. પાદરામાં આજે પાંચેયની અર્થી ઉઠતા આખુ ગામ શોકાતુર બની ગયુ હતું.
એક બાળક સહિત 5 લોકોના મોત નીપજ્યા હતા
પાદરાના ત્રણ પરિવારો દિવાળીના વેકેશનમાં રાજસ્થાનના શ્રીનાથજી ખાતે ફરવા માટે ગયા હતા. રાજસ્થાનના ઉદેપુર નજીક મંગળવારે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં એક બાળક સહિત 5 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હતી. જોકે એક બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા તમામના મૃતદેહને પાદરા ખાતે લાવવામાં આવ્યા હતા. મૃતક સુરેશભાઇ ડબકર, મીનાબેન ડબકર, દીક્ષિત પંચાલ, પવિત્ર પંચાલ અને મીનેશ ગાંધીના આજે પાદરામાં અંતિમ યાત્રા નીકળી હતી. આ સમયે આખુ ગામ હિબકે ચડ્યું હતું.
હરિધામ સોખાડા સ્વામિનારાયણ મંદિરના સંતો અંતિમયાત્રામાં જોડાયા
પાદરાના ગાંધી, પંચાલ અને ડબકર પરિવારને ત્યાંથી અલગ-અલગ અર્થીઓ ઉઠી હતી. હરિધામ સોખાડા સ્વામિનારાયણ મંદિરના સંતો અંતિમયાત્રામાં જોડાયા હતા. અને પાદરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે પિતા દીક્ષિત પંચાલના ખોળામાં જ બે વર્ષના પુત્ર પવિત્ર પંચાલના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ દ્રશ્યો જોઇને તમામ લોકોની આંખો અશ્રુભીની થઇ ગઇ હતી.
ઘરે કોઇને કહ્યા વિના જ નીકળી ગયા હતા
દીક્ષિત પંચાલ અને મિત્રોએ રાત્રે 10:30 વાગ્યે શ્રીનાથજી જવાનું માંડી વાળ્યું હતું અને ઘરના બધા સૂઇ ગયા હતા. જોકે રાત્રે 12 કલાકે ફરી પોગ્રમ બનાવ્યો હતો અને સવારે પરિવારના કોઇને કહ્યા વગર નીકળી ગયા હતા અને માતા-પિતા જાગ્યા ત્યારે નીકળી ગયા હતા. જેથી છેલ્લા સમયે પિતા-પુત્રનો મેળાપ થયો ન હતો.
(અહેવાલ અને તસવીરોઃ ગોપાલ ચાવડા, પાદરા)