બે દિવસ પહેલાં હું ‘કાર દેખો ડોટ કોમ’ પર સેકન્ડ હેન્ડ કાર સર્ચ કરી રહ્યો હતો. યુઝ્ડ કારના ઓપ્શનમાં મને એક ઓલ્ટો-800 દેખાઈ. કારના ડિસ્ક્રિપ્શનમાં તેનું મોડલ 2015નું કહેવામાં આવ્યું હતું. કારના પાંચ ફોટોગ્રાફ પણ અપલોડ કરવામાં આવ્યા હતા. કાર 33 હજાર કિલોમીટર ચાલી ચૂકી હતી અને તેની કિંમત હતી માત્ર એક લાખ રૂપિયા.
અમારા સહયોગી ભાસ્કરની ટીમે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર કોલ કર્યો, તો સામે ફોન ઉપાડનારી વ્યક્તિએ જીતેન્દ્ર ટટવાલ તરીકે પોતાની ઓળખ આપી. એણે કહ્યું કે હું આર્મીમાં છું અને અત્યારે જેસલમેરમાં પોસ્ટેડ છું. અત્યારે મારે પૈસાની જરૂર છે એટલે કાર વેચી રહ્યો છું. એ કહે કે તમારે કાર આવે પછી જ પેમેન્ટ કરવાનું છે. અમે પૂછ્યું કે કાર અમારા સુધી કેવી રીતે પહોંચશે? તો એ કહે કે આર્મીનું પોતાનું ટ્રાન્સપોર્ટ છે. હું જેસલમેરથી બુક કરી દઈશ અને બીજા જ દિવસે ગાડી તમારા શહેર ભોપાલમાં પહોંચી જશે. ત્યાં અમારા બે માણસ આવીને ગાડી તમારા ઘર સુધી પહોંચાડી દેશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
એ પછી એમણે આર્મીમાં ટ્રાન્સપોર્ટનું કામ સંભાળતી હોવાની ઓળખ આપનારી અન્ય એક વ્યક્તિ સાથે પણ અમારી વાત કરાવી. એણે કહ્યું કે એ ભાઈ અમને જેસલમેરથી ભોપાલ સુધી ગાડી મોકલવાનો ખર્ચો કહી દેશે. એ માણસે પણ પોતે આર્મીમાં હોવાનું કહ્યું અને 6 હજાર 150 રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું. એ પછી જીતેન્દ્ર ટટવાલ નામના એ માણસે અમને પોતાનો ગૂગલ પે નંબર આપ્યો અને કહ્યું કે આ નંબર પર પેમેન્ટ કરી આપો.
જેવું તમે પેમેન્ટ કરશો કે તરત જ હું રિસિટ તમને શેર કરી દઈશ. બીજા દિવસે ગાડી તમારા સુધી પહોંચી જશે. જોકે અમને એના પર શંકા ગઈ એટલે અમે એને એની રેજિમેન્ટ અને યુનિટ વિશે પૂછ્યું. એની પાસે એનો કોઈ જવાબ નહોતો. અમે એની ઓળખ માટે એના આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ્સ, ઘરનું સરનામું, નંબર માગ્યો, તો એ આડીઅવળી વાતો કરવા માંડ્યો અને અધવચ્ચે જ ફોન કાપીને સ્વિચ ઓફ કરી નાખ્યો.
ઈન્ડિયન આર્મીનું નામ વાપરીને થતી છેતરપિંડીનું તો આ માત્ર એક જ ઉદાહરણ છે. અમે અલર્ટ હતા એટલે પૈસા ટ્રાન્સફર નહોતા કર્યા અને ફ્રોડનો ભોગ બનતાં બચી ગયા. એ પછી અમે શોધખોળ આદરી, તો અમને ખબર પડી કે ઈન્ડિયન આર્મીના નામે ફર્નિચર, કેમેરા, મોબાઈલ, કારથી લઈને બુલેટ જેવી ચીજ-વસ્તુઓનું લાલચ આપીને લોકો પાસેથી હજારો-લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે.
મોટા ભાગના કિસ્સાઓમાં ટ્રાન્સપોર્ટ ફીના નામે પૈસા માગવામાં આવે છે. અમુક કિસ્સામાં કહેવાય છે કે કસ્ટમ વિભાગે સામાન જપ્ત કરી લીધો છે, જેને છોડાવવા માટે પૈસા આપવા પડશે, નહીંતર સામાનની ડિલિવરી નહીં થાય. સસ્તામાં વસ્તુ મેળવવાની લાલચમાં લોકો પૈસા ટ્રાન્સફર કરે છે અને પછી પસ્તાય છે.
જયપુરના સાયબર સિક્યોરિટી એક્સપર્ટ મુકેશ ચૌધરી કહે છે કે દેશભરમાં આવા રેકેટ ચાલે છે. રાજસ્થાનમાં ભરતપુર અને અલવર જિલ્લામાં આવા લોકો ખાસ્સા સક્રિય છે અને છેલ્લાં બે-ત્રણ વર્ષમાં આવી છેતરપિંડીની ઘટનાઓ ખાસ્સી વધી છે. અગાઉ આવી ઘટનાઓ OLX પર થતી હતી, પરંતુ હવે આ લોકો બીજાં પ્લેટફોર્મ્સ પર શિફ્ટ થયા છે.
આ લોકો પાસે આર્મી પર્સન્સનાં કેન્ટિન કાર્ડ, લિકર કાર્ડની પણ કોપી હોય છે. ઘણી વાર ઝેરોક્સની દુકાનો પર આવા લોકો આઈડેન્ટિટી કાર્ડ લઈ લે છે અને તેની મદદથી નકલી સિમ કાર્ડ લઈને લોકોને ફસાવે છે. લોકો ઝટ જેની લાલચમાં આવી જાય એવી વસ્તુઓ વેચવાનું કહીને જાળ બિછાવે છે. જેમ કે, પાણીના ભાવમાં બુલેટ, કેમેરા, બોલેરો જેવી કાર વગેરે વેચવાની ઓફર આપે છે.
ઘણા કિસ્સામાં જોવામાં આવ્યું છે કે આ લોકો ગામડાંના લોકોનાં આઈડેન્ટિટી કાર્ડ મેળવીને પોતાનો ગોરખધંધો ચલાવે છે. ધારો કે છેતરપિંડીનો ભોગ બનેલી કોઈ વ્યક્તિ પોલીસ કેસ કરે અને તપાસ થાય તો પણ જેનું આઈડેન્ટિટી કાર્ડ વપરાયું હોય તે વ્યક્તિ જ ફસાય છે. ઘણી બેન્કો હવે ઓનલાઈન અકાઉન્ટ ખોલાવવાની પણ સુવિધા આપે છે, જેમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માત્રથી ખાતું ખોલાવી શકાય છે. કોઈ વેરિફિકેશન થતું નથી. આ સુવિધાઓનો પણ આ ઠગ લોકો ફાયદો ઉઠાવે છે.
આ લોકો ઈન્ડિયન આર્મી, CRPF, BSF વગેરેનાં નામ વટાવે છે કેમ કે લોકો તેના પર ઝડપથી વિશ્વાસ કરી લે છે. મુકેશ ચૌધરી કહે છે કે, આવા ફ્રોડથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે કોઈપણ અજાણી વ્યક્તિને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર ન કરવા. રૂબરૂ મળો અને સામાનની ડિલિવરી થઈ જાય પછી જ પેમેન્ટ કરવું.
માત્ર બહાનાં બતાવીને ઓનલાઈન પેમેન્ટ કરાવીને જ છેતરપિંડી થાય છે એવું નથી, QR કોડ મોકલીને પણ થઈ રહી છે. અન્ય એક સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ચાતક વાજપેયીના કહેવા પ્રમાણે, ઈન્દોરમાં થોડા દિવસ પહેલાં જ એક હોલસેલ વેપારીને દોઢ લાખ રૂપિયાની રાખડીઓ ખરીદવાનો જથ્થાબંધ ઓર્ડર મળ્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ પોતે ઈન્ડિયન આર્મીમાં હોવાનું કહ્યું. એણે કહ્યું કે હું તમને ગૂગલ પે પર પૈસા મોકલી રહ્યો છું, તમે રાખડીઓ મોકલી આપો. એણે પહેલાં 10 રૂપિયા ટ્રાન્સફર કરીને ખરાઈ કરી. વેપારીએ કહ્યું કે હા, દસ રૂપિયા આવી ગયા છે. પછી એણે કહ્યું કે હું તમને એક QR કોડ મોકલી રહ્યો છું, તેના પર ક્લિક કરો. તમને બાકીનું પેમેન્ટ મળી જશે. જેવું તે વેપારીએ પોતાના ફોનમાં આવેલા QR કોડ પર ક્લિક કર્યું કે તરત જ તેના ખાતામાંથી 60 હજાર રૂપિયા સાફ થઈ ગયા.
ચાતક વાજપેયી કહે છે કે, મેં 2013થી આ પ્રકારના ફ્રોડ પર રિસર્ચ કરી રહ્યો છું. આ કામ 18થી 40 વર્ષની ઉંમરના જુવાનિયાઓ કરતા હોય છે. દિલ્હીમાં એમના નેટવર્કના લોકો ડેટા ખરીદવાનું કામ કરે છે અને આ લોકો ગામડાંઓમાં ખેતર વગેરેમાં બેસીને લોકોને ફોન પર નવી નવી ઓફરો આપે છે અને ફસાવવાની કોશિશો કરે છે. આવા આઠ-દસ કેસમાંથી માંડ એકાદો પકડાય તો થોડા રૂપિયા આપીને સેટલમેન્ટ કરી લે છે અને બહાર નીકળી જાય છે. મુકેશ ચૌધરી માહિતી આપતાં કહે છે કે, આ પ્રકારની છેતરપિંડી ઈન્ડિયન આઈટી એક્ટ પ્રમાણે બિનજામીનપાત્ર ગુનો છે, એટલે તેમાં ધરપકડો નથી થતી. જો કોઈ કેસમાં કોર્ટ સુધી વાત પહોંચે તો પણ તેઓ આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરીને છટકી જાય છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ના DIGP શરદ કવિરાજ (જયપુર) કહે છે, ‘જે ફોન નંબર વેરિફાઈડ નથી હોતા, તેનો ઉપયોગ કરીને જ આવા ફ્રોડ થાય છે. તેમાંથી બચવાનો એક રસ્તો એ પણ છે કે વ્હોટ્સએપ પર વીડિયો કોલ કરી જોવો અને સામેના છેડેથી વાત કરનારનો ફોટો લઈ રાખવો. અનેક વખત ગઠિયાઓ ફેસબુક, વ્હોટ્સએપ પર મિત્રતા કેળવીને પણ ફસાવવાનો પ્રયાસ કરે છે.
પાર્સલ મોકલવાનું કહીને ફ્રોડ કરવાની રીત અત્યંત કોમન છે. નકલી વેબસાઈટોની લિંક પણ શૅર કરીને કહે છે કે તમે ઓર્ડર ટ્રેક કરી શકો છો. પછી થોડા સમય બાદ ફોન આવે છે કે કસ્ટમ વિભાગે સામાન જપ્ત કરી લીધો છે એટલે આટલા રૂપિયા આપવા પડશે, તો જ સામાન છૂટશે. તેમાંથી બચવાનો સહેલો ઉપાય એ જ છે કે કોઈપણ વ્યક્તિને ઓનલાઈન પેમેન્ટ ન કરવું. કોઈ QR કોડ કે કોઈ લિંક મોકલે તો તેના પર ક્યારેય ક્લિક ન કરવું. તમારી આઈડેન્ટિટી, OTP કોઈની પણ સાથે શૅર ન કરવો. જો આવી કોઈ ડીલ કરવી હોય તો સામેની વ્યક્તિને રૂબરૂ મળવું. તેના તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરવા. એ પછી જ તમારી આગળની પ્રક્રિયા કરવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..