રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા. આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે. કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે.’ ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. તે છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.
નર્સિંગ સ્ટાફે આ ઘટના નજરે જોઈ છે, પરંતુ કોઈ નામ સહિત બોલવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ, આગ લાગી ત્યારે અચાનક જ વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ત્યારબાદ ધૂમાળાના ગોટેગોટા ઉડવા લાગ્યા. થોડી વાર સુધી શું કરવું કે શું ન કરવું તેની ખબર જ ના પડી. થોડીવારમાં જ અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટરો દોડી આવ્યાં. અમુક બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.
સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલના બીજા માળે મશિનરીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી.
મૃતકોના નામ
- રામશીભાઇ
- નિતિનભાઇ બાદાણી
- રસિકલાલ અગ્રાવત
- સંજય રાઠોડ
- કેશુભાઈ અકબરી
આ મામલે RMCના વિપક્ષના નેતા વશરામ સાગઠિયા જણાવે છે કે, ‘પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની ફાયરની સુવિધા હતી. પરંતુ તેઓ ફાયર સિસ્ટમ કરી શક્યા નહીં કે તેમને ઉપયોગ કરતા આવડ્યું નહીં. આ સમગ્ર ઘટના રાજકોટ માટે દુખદાયક છે.’
આ મામલે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજા જણાવે છે કે, ‘હોસ્પિટલમાં અગમ્ય કારણોસર આગી લાગી હતી. હાલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. આ ઉપરાંત હોસ્પિટલના અન્ય વોર્ડમાં હાજર 22 જેટલા દર્દીઓને ઉદય હોસ્પિટલની બીજી બ્રાન્ચમાં ખસેડવામાં આવ્યા છે.’
અગ્નિકાંડની ટાઇમલાઇનઃ કેટલા વાગે કઈ ઘટના બની તેનો અહેવાલ
- 12.15 વાગ્યે ICU વિભાગનાં મશીનમાં શોર્ટસર્કિટ થતા ભીષણ આગ લાગી
- 12.20 વાગ્યે ફાયરબ્રિગેડની ટીમને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો
- 12.30 વાગ્યે વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા
- 12.35 વાગ્યે હોસ્પિટલમાંથી ડોક્ટરો સહિતનો સ્ટાફ દોડી આવ્યો અને બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો
- 12.45 વાગ્યે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
- 1.00 વાગ્યે 11 દર્દીને બચાવી લેવાયા, 3 દર્દીના મોત નીપજ્યાં
- 1.15 વાગ્યે ગંભીર રીતે દાઝેલા વધુ 2 દર્દીઓએ દમ તોડ્યો, મૃત્યુઆંક 5 થયો
- 1.30 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ કમિશનર, ડીસીપી સહિતનાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. જેમા કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીઓના મોત થયા હતા. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.
25 ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતા જ 4 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂ લીધી હતી. તેમજ સ્થાનિકોએ ICU વિભાગમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.
ગત સપ્ટેમ્બર મહિનામાં વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતા ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયર બ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. વોર્ડમાં આગ લાગી હતી ત્યાં રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત 150 જેટલા દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે જાનહાની ટળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..