108 એમ્બ્યુલન્સની જીવન રક્ષક સેવાઓ આરોગ્ય તંત્રનો અગત્યનો ભાગ બની ગઈ છે અને આ નંબર આકસ્મિક માંદગી, અકસ્માત કે જીવનની કટોકટી ઉભી થઇ હોય એવા સમયે જાણે કે સેવ અવર સેલ્ફનો પર્યાય બની ગઇ છે. કોરોના કાળમાં આ સેવા સાથે સંકળાયેલા વાહન ચાલકો જેમને પાયલટ તરીકે ઓળખવામાં આવે છે તે અને તેમની સાથે ના આરોગ્યકર્મીઓ રાત દિવસ જોયા વગર કોરોના દર્દીઓને કોલ મળ્યે ઓછામાં ઓછાં સમયમાં દવાખાને પહોંચાડવા ઝઝૂમી રહ્યા છે. ઇફ્તેખાર ખલિવાલા વડોદરા 108 સેવા સાથે સંકળાયેલા આવા જ એક પાયલટ છે જેમને વર્તમાન કટોકટીમાં ફરજ માટેની તત્પરતાનું ઉજળું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વિપરીત સંજોગોમાં પણ ફરજ પર હાજર થઇ ગયા
તાજેતરમાં તેમના 85 વર્ષના પિતાનો કોરોનાથી મૃત્યુ થયું, તેની સાથે જ પિતાની દેખભાળ દરમિયાન માતા પણ કોરોના સંક્રમિત થયા. આ ઉપરાંત પવિત્ર રમઝાન માસના રોઝા, વિપરીત સંજોગોના આ સરવાળા વચ્ચે ફરજનો સાદ સાંભળીને તેઓ તુરંત જ નોકરી પર પાછા જોડાઈ ગયા હતા.
કોરોના પીડિત માતાને દવાખાને દાખલ કરીને હું ફરજ પર પાછો જોડાઈ ગયો
ઇફ્તેખારભાઇ કહે છે કે, મારા પિતાજી નિવૃત્ત પોસ્ટ માસ્ટર હતા, જેમણે અમને નેકી અને ઈમાન કોઈપણ ભોગે સાચવવાના સંસ્કાર આપ્યા હતા. તેઓ કોરોના ને લીધે તાજેતરમાં મૃત્યુ પામ્યા. મારા અને પરિવાર માટે આઘાતજનક ઘટના હતી. બીજી તરફ મારા માતા કોરોના સંક્રમિત થઇને સારવાર હેઠળ હતાં. પિતાજીની દફનવિધિ અને અન્ય મરણોત્તર વિધિઓ માટે હું રજા પર હતો, પરંતુ, પિતાજીના અવસાનના બે દિવસ થયા ત્યાં જ મેનેજર નિલેશભાઇનો ફોન આવ્યો. તેમણે વિનંતી કરી કે, ભાઇ કોઇપણ સંજોગોમાં નોકરી પર પરત આવી જાવ. 108 સેવા માટે કોલ પર કોલ આવી રહ્યાં છે. જેથી કોરોના પીડિત માતાને દવાખાને દાખલ કરીને હું તુરંત જ ફરજ પર પાછો જોડાઈ ગયો હતો.
કોઈનું જીવન બચાવીને જ એમને સાચી અંજલિ આપી શકાય
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મેં વિચાર્યું કે અવસાન પામેલા પિતાજી પાછા આવવાના નથી, ત્યારે 108ની ફરજો દ્વારા કોઈનું જીવન બચાવીને જ એમને સાચી અંજલિ આપી શકાય અને એમના સંસ્કારો દીપાવી શકાય.
તેઓ રમજાનના રોજેદાર પણ છે તેમ છતાં, નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી રહ્યાં છે એ વાતની નોંધ મેનેજર નિલેશભાઇએ પણ લીધી છે. તેઓ જણાવે છે કે, છેલ્લા દોઢ વર્ષથી એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા આ પાયલટ કોરોનાના સેંકડો દર્દીઓને દવાખાને પહોંચાડી ચૂક્યા છે.
અહીં એ નોંધવું ઘટે કે, 108ના પાયલોટ એટલે કે ચાલકે માત્ર વાહન ચલાવવાનું હોતું નથી. ફરજ પરના આરોગ્ય કર્મચારીની સાથે એમને પણ દર્દીઓને વ્હીલ ચેરમાં લેવા, ઉતારવા, અન્ય તબીબી કામોમાં સહાય કરવાની હોય છે. તેની સાથે ભીડભાડ ભર્યા રસ્તાઓ પર માનસિક સ્વસ્થતા જાળવી દર્દીને શક્ય તેટલી ઝડપથી હોસ્પિટલ પહોંચાડવાના હોય છે.
ઇફ્તેખારભાઇ કહે છે કે, હું તો માત્ર અમારા કર્મયોગી સાથીદારોનો એક પ્રતિનિધિ છું. મારા તમામ સાથીઓ છેલ્લા લગભગ સવા વર્ષથી, પોતાને અને પરિવારજનોને તકેદારી લઈને સુરક્ષિત રાખીને, સંજોગો પ્રતિકૂળ હોય તો પણ રાત દિવસ ફરજો બજાવી રહ્યાં છે. અસાધારણ આરોગ્ય આફતના આ સમયે તેમના જેવા 108 પરિવારના તમામ કર્મયોગીઓ સલામને પાત્ર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..