વડોદરા શહેરની યુવતીને ફેસબુકના માધ્યમથી અમદાવાદના યુવક સાથે પરિચય કેળવવો ભારે પડ્યો છે. અમદાવાદના યુવકે પોતે બે સંતાનનો પિતા હોવાની વાત છૂપાવીને વડોદરા શહેરની યુવતીને માયાજાળમાં લઇને લવ મેરેજ કરીને ગર્ભવતી બનાવી દીધી હતી અને બે લાખ રૂપિયા રોકડા તથા સોના ચાંદીના દાગીના સેરવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં હરણી પોલીસે અમદાવાદના પતિ તેની માતા અને પ્રથમ પત્ની વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ પત્ની આવી જતાં પતિનો ભાંડો ફૂટ્યો
વડોદરા શહેરના હરણી ગામમાં રહેતી યુવતીને ફેસબુક માધ્યમથી અમદાવાદ શહેરમાં રહેતા ફેનીલ મેવાડા સાથે પરિચય થયો હતો, ત્યારબાદ વાતચીત આગળ વધતા ફેનિલે હું કુંવારો છું, તેમ જણાવી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારબાદ જાન્યુઆરી-2019માં કોર્ટ મેરેજ કર્યાં હતા. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઇ હતી તે દરમિયાન અન્ય એક મહિલા ત્રણ પુરુષો સાથે આવી પહોંચી હતી અને પ્રથમ પત્ની ઊર્વશીએ બીજી પત્નીને પૂછ્યું હતું કે, તું કોણ છે તેમ કહેતા સમગ્ર આ મામલાનો ભાંડાફોડ થયો હતો.
યુવતીને બાળક પડાવીને બીજા લગ્ન કરવાનું કહીને લાફા માર્યા
પ્રથમ પત્ની ઊર્વશીના જણાવ્યા મુજબ અગાઉ તેના લગ્ન ફેનીલ મેવાડા સાથે થયા છે અને સંતાનમાં તેને બે બાળકો પણ છે. આ દરમિયાન ઉશ્કેરાયેલા યુવાનના માતા નિરૂબેને બીજી પત્નીને જણાવ્યું હતું કે, તારા પેટનું બાળક છે, તે પડાવી નાખ અને બીજા લગ્ન કરી લે તેમ કહી અપશબ્દો બોલી લાફા મારી જોઇને લેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ફેનીલે લગ્નગાળા દરમિયાન વડોદરાની યુવતી પાસેથી બે લાખ રૂપિયા રોકડા, મોબાઇલ ફોન, સોનાની ચેન અને સોનાની બુટ્ટી પણ સેરવી લીધી છે.
યુવાનના માતા-પિતા અને પ્રથમ પત્નીએ છૂટાછેડા આપવા મારવાની ધમકી આપી
ઉલ્લેખનિય છે કે, ફેનીલના માતા-પિતા અને તેની પ્રથમ પત્નીએ છૂટાછેડા આપવા માટે બળજબરી કરીને માર મારવાની ધમકી આપતા યુવતી વડોદરા આવી પહોંચી હતી અને હરણી પોલીસ સ્ટેશનમાં સમગ્ર આપવીતી જણાવી હતી. ફરિયાદના આધારે હરણી પોલીસે પતિ ફેનીલ, પત્ની ઊર્વશી, માતા નિરૂબેન(તમામ રહે, અમદાવાદ શહેર) વિરૂદ્ધ છેતરપિંડી મારામારી વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..