પુત્રીને સાસરે વળાવતી વખતે તેને કરિયાવર આપવાની પ્રથા આજે પણ સમાજમાં જોવા મળી રહી છે. સુખી સંપન્ન પરિવારો પુત્રીને લાખો રૂપિયાના દાગીના, વાહનો અને વિદેશ પ્રવાસના પેકેજ આપતા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે, પરંતુ રાજકોટનો એક પરિવાર પોતાની પુત્રીને સંસ્કાર અને જ્ઞાનરૂપી કરિયાવર આપવાનો છે. પુત્રીએ પોતાના વજન જેટલાં પુસ્તકો કરિયાવરમાં આપવા ઇચ્છા વ્યક્ત કરી અને શિક્ષક પિતાએ પુત્રીના શબ્દોને વધાવી લીધા, 2400 પુસ્તકો ગાડામાં ભરીને પિતા પુત્રીને સાસરે વળાવશે. જેમાંથી કિન્નરીબા પોતાને મનગમતા પુસ્તકો સાસરે કેનેડા લઇ જશે અને બાકીના પુસ્તકો શાળાને ભેટમાં આપશે.
ઘરમાં 500 પુસ્તકની લાઇબ્રેરી સજાવી
રાજકોટના નાનામવામાં રહેતા શિક્ષક હરદેવસિંહ જાડેજાની પુત્રી કિન્નરીબા નાનપણથી જ પુસ્તકપ્રેમી હતા, કિન્નરીબાએ પોતાના ઘરમાં 500 પુસ્તકની લાઇબ્રેરી સજાવી છે, વાંચનના શોખથી જાડેજા પરિવારની આ દીકરી પાસે સમજણ અને શબ્દ ભંડોળનો જાણે ખજાનો તૈયાર થયો. કિન્નરીબાના વાંચન શોખે તેમને એક સારા વક્તા પણ બનાવ્યા. એકાદ વર્ષ પૂર્વે કિન્નરીબાની સગાઇ વડોદરાના ભગીરથસિંહ સરવૈયાના પુત્ર અને હાલમાં કેનેડા રહેતા એન્જિનિયર પૂર્વજિતસિંહ સાથે થઇ, એક દિવસે કિન્નરીબાએ તેમના પિતા હરદેવસિંહને કહ્યું કે, ‘મને કરિયાવરમાં મારા વજન જેટલાં પુસ્તકો આપજો’, દીકરીની વાત સાંભળી પિતા ગળગળા બની ગયા, પુત્રીની ઇચ્છા તો પૂરી કરવી જ હતી પરંતુ પુસ્તકપ્રેમી પુત્રી આશ્ચર્યચકિત થઇ જાય તેટલા અને તેવા પુસ્તકો આપવાનો તેમણે નિર્ધાર કરી લીધો હતો.
પિતા હરદેવસિંહ સરપ્રાઇઝરૂપે પુસ્તકો ભરેલું ગાડું પુત્રી સમક્ષ રજૂ કરશે
શિક્ષક હરદેવસિંહે દીકરીને કેવા પુસ્તકો આપવા તેની યાદી તૈયાર કરી અને છેલ્લા છ મહિનામાં દિલ્હી, કાશી અને બેંગ્લોર સહિતના શહેરોમાં ફરી પુત્રીના કરિયાવર માટે 2200 પુસ્તકો એકત્રિત કર્યા છે. હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મહર્ષિ વેદ વ્યાસથી લઇ પ્રવર્તમાન લેખકોના અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના પુસ્તકો તેમણે ખરીદ કર્યા છે, કિન્નરીબાને પોતે કરિયાવરમાં કુરાન, બાઇબલ અને 18 પુરાણ સહિતના પુસ્તકો ભેટ ધરશે. આજે સાંજે પુત્રીને સાસરે વિદાય કરાશે ત્યારે પિતા હરદેવસિંહ સરપ્રાઇઝરૂપે પુસ્તકો ભરેલું ગાડું પુત્રી સમક્ષ રજૂ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..