2012માં મૃત્યુ પામેલા વ્યક્તિના નામે 2019 અને 2020માં 2 ઇ-મેમો આવ્યા, પરિવારની સ્થિતિ એટલી ખરાબ છે કે, સાઇકલ ખરીદી શકે તેમ નથી, તો બાઇક ક્યાંથી ખરીદ્યુ હોય

નસવાડીમાં 8 વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિના નામે વડોદરા ટ્રાફિક પોલીસનો ઇ-મેમો મળતા પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો છે. આર્થિક રીતે પછાત આ પરિવારે ક્યારેય બાઇક ખરીદી જ નથી અને જેમના નામે ઇ-મેમો આવ્યો છે, તે પરિવારના મોભીનું 2012માં મૃત્યુ થયું હતું, ત્યારે હવે હેલ્મેટ ન પહેરવાના અને HSRP નંબર પ્લેટ ન લગાડવાના 2 મેમો ઘરે આવ્યા છે.

એક મેમો 100 રૂપિયાનો અને બીજો 300 રૂપિયાનો આવ્યો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં રહેતા ચિમનભાઇ ટેલરનું મૃત્યું 1 જાન્યુઆરી, 2012ના રોજ થયું હતું. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેમને જિંદગીમાં ક્યારેય બાઇક ખરીદી નહોતી. તેમ છતાં GJ-06-BE-6038 નંબરની CBZ એક્સ્ટ્રીમ બાઇકનો વર્ષ-2019 અને 2020માં તેમના ઘરે વડોદરા ટ્રાફિક પોલીસના 2 ઇ-મેમો આવ્યા છે. જેમાં હેલ્મેટ ન પહેરવાનો 100 રૂપિયાનો દંડ અને HSRP નંબર પ્લેટ ન લગાડવા બદલ 300 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી મૃતક ચિમનભાઇના પુત્ર મહેશ ટેલર મેમો કઇ રીતે ભરશે તે બાબતે ચિંતિત બન્યા છે. નસવાડીના વકીલ સેહજાદ મેમણે તપાસ કરતા બાઇકની વિગતો પણ મળતી ન હોવાથી બાઇકના રજીસ્ટ્રેશન બાબતે પણ હવે પ્રશ્ન ઉભા થયા છે.

મૃતકનો પુત્ર કહે છે કે, મારા પિતાજીએ ક્યારેય બાઇક ખરીદી નથી

મૃતક ચિમનભાઇના પુત્ર મહેશ ટેલરે જણાવ્યું હતું કે, મારા પિતાજીએ ક્યારેય બાઇક ખરીદી નથી અને ક્યારેય બાઇક ફેરવી પણ નથી. તો મેમો કઇ રીતે આવ્યો. અમારી પરિસ્થિતિ પણ સારી નથી અને અમારી બાઇક પણ નથી તો અમે મેમો શા માટે ભરીએ. આ બાબતે પોલીસે કાર્યવાહી કરવી જોઇએ.

ગાડીનો માલિક કોણ છે તે બાબતે તપાસ કરવી જોઇએ

નસવાડીના વકીલ સેહજાદ મેમણે જણાવ્યું હતું કે, ઇ-મેમોમાં દર્શાવેલી બાઇક વર્ષ-2004ની છે. આ પરિવારની આર્થિક હાલત એટલી ખરાબ છે કે, તેમની પાસે સાઇકલ પણ નથી. તો તેઓ ટુ-વ્હીલર ક્યાંથી લે. અને જેમના નામે મેમો આવ્યા છે તેઓ 2012માં મૃત્યુ પામ્યા હતા. એટલે ઇ-મેમો છે તેમાં ગંભીર છબરડા છે. ગાડીનો માલિક કોણ છે અને ચલાવનાર કોણ છે તે બાબતે તપાસ કરવી જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો