અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન પ્રવેશબંધી હોવા છતાં બેફામ રીતે ફરતા ડમ્પરચાલકે પાંજરાપોળ ચાર રસ્તા પાસે એક્ટિવા પર જઈ રહેલા વૃદ્ધ દંપતીને અડફેટે લેતા 65 વર્ષીય મહિલાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે વૃદ્ધનો બચાવ થયો હતો. ભાગવાનો પ્રયાસ કરનારા ડમ્પરચાલકને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. આ અંગે એમ ડિવિઝન પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

વેજલપુરમાં આવેલા નીલકંઠ એલીગન્સમાં રહેતા લક્ષ્મણભાઈ ચોકસી તેમની પત્ની સુભદ્રાબેનને લઈને જમાલપુર શાકમાર્કેટ ગયા હતા. બપોરે એક્ટિવા પર ઘરે પરત ફરતા હતા ત્યારે પાછળથી આવી રહેલા ડમ્પરચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી જેથી ચાલક લક્ષ્મણભાઈએ એક્ટિવાનો કાબૂ ગુમાવતા પાછળ બેઠેલાં તેમનાં પત્ની સુભદ્રાબેન નીચે પડ્યા હતા અને તેમના પર ડમ્પરનું વ્હિલ ફરી વળ્યું હતું. જેથી ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે લક્ષ્મણભાઈનો બચાવ થયો હતો. ઘટનાને પગલે એક કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. એમ-ડિવિઝન પોલીસે શિવશકિત ટ્રાન્સપોર્ટના ડમ્પરચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માતાનું મૃત્યુ થતાં રોડ પર જ પરિવારજનોનો આક્રંદ

ડમ્પરની અડફેટે મૃત્યુ પામનાર સુભદ્રાબેન ચોકસીના પરિવારમાં બે પુત્ર ગૌરાંગભાઈ અને જીગરભાઈ તથા બે પુત્રી જયશ્રીબેન તથા વૈશાલીબેન છે. અકસ્માતમાં માતાનું મોત નીપજ્યાની જાણ થતાં પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા જયાં માતાની લાશ જોઈ સંતાનોએ કરેલા આક્રંદથી આસપાસ ઉભેલા લોકોમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી.

આજ સ્થળે BRTSની ટક્કરે બેનાં મોત થયાં હતાં

ગત 21 મી નવેમ્બરે બીઆરટીએસ બસના ચાલકે પાંજરાપોળ ચાર રસ્તા પર જ બે સગાભાઈઓ નયન રામ અને જયેશ રામને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના પછી વધુ એક અકસ્માતની ઘટના આ જ સ્થળે બની છે.

ડમ્પરમાં નિયમ મુજબ પ્રોટેક્શન ન હતું

રોડ સેફ્ટિ એક્સપર્ટ અમિત ખત્રીના જણાવ્યા અનુસાર કોઈપણ ભારે વાહનમાં આગળ અને પાછળના ટાયરો વચ્ચે લો લેવલ સળીયા લાગેલા હોવા જોઈએ. જેને એસ.યુ.પી.ડી.( સાઈડ અંડર રન પ્રોટેકશન ડીવાઈસ) કહેવામાં આવે છે. આ લગાવા પાછળનો હેતુ એટલો જ હોય છે જ્યારે પણ આવા ડમ્પરથી અકસ્માતની ઘટના બને ત્યારે ટાયરની નીચે અથવા ડમ્પરની નીચે ચકદાતા બચી શકે. જોકે પાંજરાપોળ ચાર રસ્તા ખાતે બનેલી અકસ્માતની ઘટનામાં ડમ્પરમાં કોઈપણ પ્રકારનું પ્રોટેક્શન લગાવ્યું નહોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો