સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરને એસીબીએ ઉધના દરવાજા પાસે રૂ. 1.50 લાખની લાંચ લેતા રવિવારે બપોરે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ લાંચિયા અધિકારીએ એક માર્કેટના મેઇન્ટનન્સ મેનેજર પાસે ગેરકાયદે બાંધકામ ન તોડવાના બદલામાં લાંચની રકમ માંગી હતી. કાપડની માર્કેટના મેઇન્ટનન્સ મેનેજર પાસેથી બાંધકામ ન તોડવા બાબતે લાંચની માંગણી કરી હતી. માર્કેટમાં પેસેજ અને બિન અધિકૃત બાંધકામ તોડવા બાબતે લિંબાયત ઝોન દ્વારા નોટીસ આપવામાં આવી હતી.
2 લાખ અને છેલ્લે 1.50 લાખની રકમ આપવાનું નક્કી કર્યું
આ નોટીસ બાદ ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે (47)(રહે. રાધેક્રિષ્ણ સોસાયટી, સંજય સોસાયટીની બાજુમાં, સોમનાથ મહાદેવ રોડ,ઉમરા જકાતનાકા, પાર્લે પોઇન્ટ) બાંધકામ નહિ તોડવા માટે પહેલા મેનેજર પાસેથી 3 લાખની માંગણી કરી હતી. પછી 2 લાખ અને છેલ્લે 1.50 લાખની રકમ આપવાનું નક્કી કર્યું હતું. છેવટે મેનેજરે 1.50 લાખની રકમ આપવાનું નક્કી કર્યુ હતું. દોઢ લાખની રકમ માટે લાંચીયા ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે એવું કહ્યું કે કાલે હું ફોન કરૂ એટલે આપી જજો એમ કહ્યું હતું. મેનેજરને લાંચ આપવી ન હતી એટલે તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ છટકું ગોઠવી અશ્વિન ખુશમલ ટેલરની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
એસીબીને જોઇને ટેલરનો પસીનો છુટ્યો
અશ્વિન ટેલરે રવિવારે લાંચની રકમ લેવા કારમાં આવ્યો હતો. પહેલા મેનેજરને ફોન કર્યા પછી તેણે જગ્યા નક્કી કરી હતી. લાંચની રકમ મેનેજરે તેને કારમાં આપતા એસીબીની ટીમ પહોંચી ત્યારે ટેલરનો પસીનો છુટ્ટી ગયો હતો અને તે કારમાંથી બહાર નીકળી નીચે બેસી ગયો હતો.
સર્ચમાં ડોક્યુમેન્ટ સાથે કિંમતી વસ્તુઓ મળી
અશ્વિન ટેલરનો 85 હજારનો પગાર હતો. અગાઉ પણ તે વિવાદોમાં આવ્યો હતો. લાંચમાં પકડાયેલા ટેલરના ઘરે એસીબીની ટીમે સર્ચ કર્યુ હતું. જ્યાંથી કેટલાક ડોક્યુમેન્ટો ઉપરાંત અન્ય કિંમતી વસ્તુઓ મળી હોવાની વાત છે.
અપ્રમાણસર મિલકતની તપાસ ચાલુ જ હતી
લાંચિયા અશ્વનિ ટેલરની સામે એસીબી છેલ્લા કેટલાક મહિનાઓથી તપાસ કરી જ રહી હતી. તેની સામે આક્ષેપ હતા કે, તેની પાસે આવક કરતા વધુ મિલકતો છે. આ દરમિયાન લાંચ કેસમાં પણ અશ્વિન ઝડપાઈ જતા હવે તેની સામે એસીબીને વધુ પુરાવા મળ્યા છે.
તાત્કાલિક સસ્પેન્ડ કરવા કમિશનરને રજૂઆત
અશ્વિન એસીબીના સકંજામાં ફસાતા કોર્પોરેટ અમિત રાજપુતને જાણે ભાવતુ મળી ગયું હોય તેમ વેર વાળવા મેદાનમાં આવી ગયા હતાં. તેમણે તરત જ આ અધિકારીને સસ્પેન્ડ કરવા કમિશનરને પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ડ્રેનેજ કમિટી ચેરમેને ગાળો ભાંડતા ટેલર વિવાદમાં સપડાયો હતો
ચાર મહિના અગાઉ ગેરકાયદે બાંધકામ મામલે ડ્રેનેજ કમિટી ચેરમેન અમિતસિંગ રાજપૂતે ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરને ગાળો ભાંડી હતી. જેનો ઓડિયો પણ સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થયો હતો. અમિતસિંગ રાજપુત સાથી કાર્યકરો સાથે લિંબાયત ઝોન ઓફિસમાં જઇને અશ્વિન ટેલર સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાની ફરિયાદ પણ ઉઠી હતી. આ ઘટના બાદ ગેરકાયદે બાંધકામ મામલે અશ્વિન ટેલર સામે એસીબીમાં તપાસ કરવા અરજી પણ થઇ હતી.
ચોકબજાર ખાતે સર જે.જે. સ્કૂલની પાછળ સીએનજી પંપની બાજુમાં 195 ચો.મીટર સરકારી જમીન આવેલી છે. સરકારી જમીન સીએનજી પંપના માલિક કાદર વાડીવાલાએ માંગી હતી, જેથી આ મુદ્દે પાલિકા પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો, જેમાં તત્કાલિન કમિશનર મિલિન્દ તોરવણેએ નેગેટીવ રિપોર્ટ આપ્યો હતો. તેમ છતાં ત્યારબાદ આવેલા પૂર્વ કમિશનર થેન્નારસનને અંધારામાં રાખીને સાચી હકિકતો ફાઈલમાંથી ગાયબ કરી દઈને પોઝિટિવ રિપોર્ટ આપી દીધો હતો. સરકારી જમીનના બબ્બે વખતના અલગ અલગ અભિપ્રાયો આપ્યા હોવાની ફોટા સહિતની ફરિયાદ થેન્નારસનને મળી હતી. જેથી વિજિલન્સ તપાસ સોંપાતા ટાઉન પ્લાનર દેબાશિષ બસાક અને ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરના ભોપાળા બહાર આવ્યા હતા. જેથી કમિશનરે અશ્વિન ટેલરને સસ્પેન્ડ કરી દેતો હુકમ કરી દીધો હતો સાથે ભોપાળામાં સામેલ બસાકને ચાર્જશીટ અપાઇ હતી.
ગાળાગાળીની ક્લિપ પણ વાઈરલ થઈ હતી
ગટર સમિતિના ચેરમેન અમિત રાજપુતે લિંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલર સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. એટલું જ નહીં આ અધિકારી સાથે ફોન ઉપર ગાળાગાળી કરતાં હોવાની ક્લિપ વાઈરલ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..