સુરતમાં ‘આપ’નું શક્તિપ્રદર્શન, કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા, આખું વરાછા ચક્કાજામ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ ‘આપ’ના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શોનું આયોજન કર્યું હતું. વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. જેથી પાટીદાર આંદોલન જેવો માહોલ સર્જાયો છે અને આખું વરાછા ચક્કાજામ થઈ ગયું હતુૂં. કેજરીવાલે રોડ-શોમાં કહ્યું હતું કે હું સુરતના લોકોનો આભાર માનવા આવ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન કાઠિયાવાડી એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ ખોબેખોબા ભરીને મત આપીને આમઆદમી પાર્ટીને ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો છે.

પાટીદારોનું જબરજસ્ત જનસમર્થન મળ્યું

અરવિંદ કેજરીવાલના સ્વાગત માટે રોડ દરમિયાન અલગ અલગ સ્થળ ઉપર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડિલો, મહિલાઓ અને બાળકો કેજરીવાલને જોવા માટે રસ્તા ઉપર બંને તરફ ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરો સુરત શહેરની જનતાને અવિરત સેવા કરશે પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી. રોડ-શો દરમિયાન દિલ્હીમાં જે રીતે આરોગ્ય શિક્ષણની સેવા આપવામાં આવી રહી હતી તેવી જ રીતે આગામી દિવસોમાં સુરતમાં પણ લોકોને પ્રાથમિક સુવિધા મળે એ પ્રકારના કામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કરશે પ્રકારની જાહેરાતો કરવામાં આવી રહી હતી.

અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ-શો વરાછા વિસ્તારમાં થઈને આગળ વધ્યો હતો. હીરાબાગ સર્કલ, કાપોદ્રા, રચના સર્કલ થઈને આગળ વધ્યો હતો. ધીરે-ધીરે અરવિંદ કેજરીવાલનો કાફલો વરાછા વિસ્તારથી પુણા વિસ્તાર તરફ આગળ વધ્યો હતો. મોટી સંખ્યામાં લોકો વાહનો સાથે રોડ શોમાં જોડાવાના કારણે સમગ્ર વિસ્તારની અંદર ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ હતી.

સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રોડ-શોની શરૂઆત કરી

કેજરીવાલ 8:15 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાર બાદ સર્કિટ હાઉસમાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે સંગઠન મંત્રીના ઘરે ભોજન કર્યું હતું. ત્યાર બાદ સુરતના (વરાછા)મિનીબઝાર માનગઢ ચોકથી રોડ-શોમાં જોડાયા હતા. રોડ શોની શરૂઆત મિનીબજાર (માનગઢ ચોક) સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ આપી કરાઈ હતી. ત્યાર બાદ હીરાબાગ, રચના સર્કલ, કારગિલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા રોડ-શો પૂર્ણાહુતિ અને જનસભા સંબોઘન કરી હતી. સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નીકળી જશે.

કેજરીવાલને ખુલ્લા આઈસરમાં નીકળેલા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. મિનીબજાર સહિતના વિસ્તારોમાં મકાનની છત પર લોકો ઊમટી પડ્યા હતા. રસ્તા પર પણ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યાં હતાં. રસ્તા પરથી નીકળેલા રોડ શો પર છત પરથી લોકોએ ફૂલોની વર્ષા પણ અમુક જગ્યાએ કરી હતી.

વરાછા વિસ્તારમાં નીકળેલા રોડ શોમાં મોટી સંખ્યામાં આમઆદમી પાર્ટીના કાર્યકરો અને સામાન્ય લોકો ઊમટી પડ્યા હતા, જેથી કોરોના ગાઈડલાઈન્સ અને સોશિયલ ડિસ્ટન્સનો જાહેરમાં ભંગ થતો જોવા મળ્યો હતો. રોડ શોમાં કેજરીવાલે માસ્ક બાંધ્યું નહોતું. આ સાથે જ ‘આપ’ના ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ કેજરીવાલ સાથે આઈસર પર જ સાથે હતા. એકાદ વ્યક્તિને બાદ કરતાં આઈસર પર સવાર લોકોએ પણ માસ્ક પહેર્યાં નહોતાં.

વરાછા મેઈન રોડ પર નીકળેલા આમઆદમી પાર્ટીના રોડ શોમાં કાર્યકરો પણ જાણે કોરોનાને વીસરી ગયા હોય એ રીતે એને ભૂલીને માસ્ક વગર નિડરતાથી હરતાફરતા જોવા મળ્યા હતા. કોરોના સંક્રમણ હાલ બમણી ઝડપે વધી રહ્યું છે ત્યારે આમઆદમી દ્વારા યોજાયેલા રોડ શોમાં કાર્યકરો, નેતાઓ અને લોકો દ્વારા દાખવવામાં આવેલી લાપરવાહીથી ફરી કોરોનાનું સંક્રમણ વધે એવી આશંકા સેવાઈ રહી છે.

સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટા વરાછા ખાતે આમ આદમી પાર્ટીના વિજય થયેલા કોર્પોરેટર તેમજ જેટલા પણ ઉમેદવારો આપ પક્ષ તરફથી ઉમેદવારી કરી હતી તેમની સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ કયા પ્રકારની ભૂમિકા ભજવવાની છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો