કૂતરાને બચાવવા જતાં બનાસકાંઠાના જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારીનું અકસ્માતમાં મોત થયું છે. રાજસ્થાન ઝાલોર-બાબરા હાઈવે પર ભાગલી પાઉં નજીક ભયાનક અકસ્માત થતાં જૈન સમાજના ત્રણ અગ્રણી એવા ભરત કોઠારી(ડીસા), રાકેશ ધારીવાલ(જોધપુર, રાજસ્થાન), વિમલ બોથરા(બાડમેર, રાજસ્થાન)ના ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.
ગુજરાતમાં વ્યવસાય કરતા જોધપુરના રાકેશ ધારીવાલ, બાડમેરના વિમલ બોથરા અને ડીસાના ભરત કોઠારી પોતાના અન્ય મિત્રો અરવિંદ તથા પુરાભાઈ સાથે ઝાલોર નજીક આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સવારના 11 કલાકે ઝાલોરથી 10 કિલો મીટર પહેલા ધાનપુરા ગામની સરહદમાં સડક પર અચાનક જ કૂતરું સામે આવી ગયું હતું. જેથી કાર ચાલકે તેને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ઉછળીને ઝાળીમાં પડી હતી.
ઓવરસ્પીડમાં જઈ રહેલી કાર સડકની નીચે ઉતરીને ઝાડ સાથે ટકરાઈ
કારની સ્પીડ વધુ હોવાથી ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને કાર સડકની નીચે ઉતરીને ઝાડ સાથે ટકરાઈ હતી. ઝાડ સાથે અથડાતા જ કારનો બૂકડો બોલી ગયો હતો. આ દુર્ઘટનામાં રાકેશ ધારીવાલ, વિમલ બોથરા અને ભરત કોઠારીના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. આ અકસ્માત બાદ આસપાસના લોકોએ ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય શરૂ કર્યું હતું અને તમામને કાર બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે અરવિંદ તથા પુરાભાઈ અને કાર ચાલકને ઈજા પહોંચી હતી. જેમાંથી ડ્રાઈવરની ઝાલોરમાં સારવાર ચાલી રહી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસાના જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારી પજેરોમાં મિત્રો સાથે રાજસ્થાનના ઝાલોર મોડલ જૈન મંદિર દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના ભાગલી નજીક કૂતરાને બચાવવા જતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી પલટી ગઈ હતી, જેમાં ભરતભાઈ કોઠારી સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતની જાણ થતાં બાબરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડી ફંગોળાઈને ઝાડીમાં ફેંકાઈ ગઈ હતી. અકસ્માતમાં ભરતભાઈ કોઠારી, વિમલભાઈ બોથરા અને રાકેશ ધારીવાલને ગંભીર ઈજા પહોંચતાં તેમનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં.
બનાસકાંઠાના ડીસામાં રહેતા ભરતભાઈ કોઠારી છેલ્લાં 40 વર્ષથી અબોલ જીવોને બચાવવાનું કાર્ય કરતા હતા. અત્યારસુધીમાં તેમણે લાખો પશુઓને કતલખાને જતાં અટકાવી તેમના જીવ બચાવ્યા છે. ભરતભાઈ કોઠારી સહિત ત્રણ વ્યક્તિનાં મોતના સમાચાર મળતાં જ બનાસકાંઠા જિલ્લામાં માતમ છવાઇ ગયો છે. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતની પાંજરાપોળ ગૌશાળા અને ગૌરક્ષક સંસ્થાઓને મોટી ખોટ પડી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જીવદયાનું કામ કરવા બદલ વર્ષ 2001માં અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા પણ ભરત કોઠારીને જીવદયા એવોર્ડથી સન્માન કરાયું હતું.
સ્વ.ભરતભાઈ કોઠારીની સ્મશાન યાત્રા તેમના રાજપુર ખાતેના નિવાસ સ્થાનેથી રવિવારે સવારે 10 કલાકે નીકળી રિસાલાચોક, ફુવારા સર્કલ, બગીચા સર્કલ પહોંચશે. સ્વ. વિમલભાઈ બોથરાની સ્મશાનયાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી બગીચા સર્કલથી જોડાશે. ત્યાર બાદ બંને જીવદયાપ્રેમીઓની સ્મશાનયાત્રા દીપક હોટલ ચાર રસ્તા થઇ કાંટ પાંજરાપોળ સંકુલમાં પહોંચશે, જ્યારે રાકેશભાઈ ધારીવાલની સ્મશાનયાત્રા વતન જોધપુર ખાતે નીકળશે.
ડીસાની રાજપુર પાંજરાપોળમાં 9 હજારથી વધુ અબોલ જીવોનો નિભાવ કરાઇ રહ્યો છે. કોરોનાની મહામારી દરમિયાન દાનની આવક ઘટી જવા છતાં ભરત ભાઇ દાન માટે ઝઝુમી રહ્યા હતા. ભરતભાઇના નિધનથી અમારા હાથ-પગ તૂટી ગયા છે તેમ રાજપુર પાંજરાપોળના સહાયક જગદીશ માળીએ જણાવ્યું હતું.
સમાચાર જાણી લોકો ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યાં
રાજસ્થાનના ઝાલોર નજીક ભરતભાઈ કોઠારી સહિત ત્રણ વ્યક્તિઓનાં માર્ગ અકસ્માતમાં મોત થયાના સમાચાર સોશિયલ મીડિયામાં જોવા મળતાં જૈન સમાજ સહિત તેમના કાર્યોથી પરિચિત લોકો ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડ્યા હતા.
રાત-દિવસ જીવદયાનું જ કામ કરતાં હતા
ડીસા શહેર માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદાયક છે. અબોલજીવો માટે કામ કરતાં ત્રણ વિરલાઓની અણધારી વિદાયથી આખું શહેર શોકમાં ગરકાવ થઇ ગયું છે તેમ યુવા ધારાશાસ્ત્રી અને લાયન્સ કલબ ડીસાના પ્રમુખ હિતેશભાઇ શાહે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..