સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસનો વડોદરામાં ત્રીજો કેસ પોઝિટિવ આવ્યો છે. શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. આર.બી. શાહે જણાવ્યું હતું કે, શહેરના નિઝામપુરા વિસ્તારનો 52 વર્ષિય પુરૂષ શ્રીલંકાથી પરત ફર્યો હતો. અને તા.19 માર્ચના રોજ સયાજી હોસ્પિટલમાં તપાસ માટે આવ્યો હતો. જેમાં કોરોના વાઇરસના લક્ષણો જણાઇ આવતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને તેના કોરોના વાઇરસના સેમ્પલો લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય પુરૂષનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અને આ 52 વર્ષિય પુરૂષ જે લોકોના સંપર્કમાં આવ્યો છે. તેવા 7 જેટલા લોકોને શોધીને તેઓનું પણ સ્ક્રિનીંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે તેઓને ઘરમાંજ રહેવાની સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, શુક્રવારે શ્રીલંકાથી આવેલી 62 વર્ષિય મહિલા અને સ્પેનથી પરત ફરેલા 49 વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એકજ દિવસમાં કોરોના વાઇરસના બે કેસ પોઝિટિવ સામે આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા. દરમિયાન આજે ત્રીજો કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા વધુ કડક પગલાં ભરવામાં આવશે.
ત્રીજો કેસ પોઝિટિવ આવતાની સાથેજ સયાજી હોસ્પિટલના તબીબોની તત્કાલ બેઠક બોલાવવામાં આવી હતી. આ સાથે જિલ્લા વહિવટી તંત્ર, કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા પણ બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને ધારા-144નો કડક પણ અમલ કરાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
500 શંકાસ્પદોને ક્વૉરન્ટીનમાં ધકેલી દેવાયા
કોરોનાથી ફફડી ઉઠેલા તંત્રએ તકેદારીના ભાગરૂપે આ 8 દર્દીની સાથે જોડાયેલા લોકો અને અન્ય શંકાસ્પદોને ક્વોરેન્ટીનમાં ધકેલી દીધા છે. રાજ્યમાં 20મી માર્ચે રાત્રે 12.00 વાગ્યા સુધીની સ્થિતિમાં 500 શંકાસ્પદો ક્વૉરન્ટીનમાં (Quaranitne) છે. દરમિયાન સરકારે 29મી માર્ચ સુધી ગુજરાતની તમામ સરકારી કચેરીમાં જનસુવિધા કેન્દ્ર (Jan suvidha)બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
14 જિલ્લામાં કલમ 144 લાગુ
તકેદારાની ભાગરૂપે રાજ્યના જિલ્લા પ્રસાશનો દ્વારા જુદી જુદી જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી છે. રાજ્યના મહાનગર અમદાવાદ-સુરત, વડોદરા, રાજકોટ, ઉપરાંત અન્ય જિલ્લાઓમાં મળીને 14 જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ છે. આ તમામ જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમો, સામાજિક મેળવાડા, લગ્ન પ્રસંગો, વગેરે નહીં થઈ શકે. 4 કરતા વધારે વ્યક્તિ એક સાથે એકઠાં નહીં થઈ શકે. સરકારે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.
ક્યા ક્યા શહેરોમાં કોરોના?
21મી માર્ચ સવારે 9.00 વાગ્યા સુધી જાહેર થયેલા પોઝિટિવ કેસ મુજબ વડોદરાનો નવો એક કેસ સંક્રમિત છે. આમ રાજ્યમાં કુલ 8 કેસ પોઝિટિવ છે. આ કેસમાં રાજકોટ-સુરતના એક એક કેસ અને અમદાવાદ, વડોદરાના 3-3 કેસનો સમાવેશ થાય છે. તમામ કેસ વિદેશયાત્રીઓનાં છે. સકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..